Gujarati News

Gujarati News

News of Saturday, 6th March 2021

ગ્રામ સચિવાલય ગણાતી ગ્રામ પંચાયતના અદ્યતન મકાનો બનાવવામાટે રાજય સરકાર સતત : પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમાર

વર્ષ-૨૦૧૬-૧૭થી ગ્રામ પંચાયતના નવા સુવિધાયુક્ત મકાન માટે રાજ્ય સરકાર ૧૦૦ ટકા અનુદાન મંજૂર કરે છે

અમદાવાદ : ગ્રામ પંચાયતના નવા મકાનો અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નોનો ઉત્તર આપતા પંચાયત મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, ગ્રામ પંચાયત એ ગ્રામ સચિવાલયનો દરજ્જો ધરાવે છે અને ગ્રામ સચિવાલયના અદ્યતન સુવિધાયુક્ત મકાનો બનાવવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે.

 મંત્રી પરમારે ઉમેર્યું કે વર્ષ ૧૯૯૨-૯૩માં ગ્રામ પંચાયતના મકાન બનાવવા માટે સરકાર મહતમ રૂ. ૫૦ હજારનું અનુદાન આપતી હતી. જયારે સંવેદનશીલ અને પ્રગતિશીલ સરકારે તબક્કાવાર તે અનુદાન વધાર્યું છે. તે માટે વર્ષ ૨૦૧૬-૧૭થી રાજ્ય સરકાર ૧૦૦ ટકા અનુદાન મંજૂર કરી રહી છે. ૧૦ હજારથી વધુ વસતી ધરાવતી ગ્રામપંચાયતોને તે ગામની પંચાયતના અદ્યતન મકાન બનાવવા માટે રૂ. ૨૨ લાખ અનુદાન આપવામાં આવે છે.
  કેશોદના ધારાસભ્ય દેવાભાઈ માલમે જૂનાગઢ જિલ્લામાં ગ્રામપંચાયતના મકાન અંગે ગૃહમાં પૂછેલા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રી પરમારે ઉમેર્યું કે, તા. ૩૧ ડિસેમ્બર-૨૦૨૦ની સ્થિતિએ છેલ્લાં એક વર્ષમાં જૂનાગઢ જિલ્લામાં ૨૦ ગ્રામપંચાયતોના નવા મકાનો બનાવવા માટે મંજૂરી આપી તે માટે કુલ રૂ. ૨૮૦ લાખ અનુદાન મંજૂર કરવામાં આવ્યું  છે. સુરેન્દ્રનગર જિલ્લાના પૂછાયેલા વધુ એક પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીશ્રીએ કહ્યું કે,  સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લાં એક વર્ષમાં ૨૦ ગ્રામપંચાયતોના નવા મકાન બનાવવા મંજૂરી અપાઈ છે. તે માટે રૂ. ૨૮૮ લાખ અનુદાન મંજૂર કરવામાં આવ્યું છે.

(7:28 pm IST)