Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

નર્મદા કેનાલમાંથી ગેરકાયદે પાણી ચોરીની પાઈપલાઈન ઝડપી પાડવા આદેશ આપવામાં આવ્યા

 

ગાંધીનગર :  નર્મદા કેનાલમાંથી ગેરકાયદે પાણી ઉપાડવાની અને કેનાલની પાઇપલાઇન સાથે કોઇપણ પ્રકારે ચેડા કરીને પાણી લેવાની પ્રવૃત્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દરેક સ્થળે નર્મદા કેનાલ મારફતે પાણી પહોંચાડવાનું આયોજન કરવામાં આવ્યું હોવાથી છેલ્લા સ્થળ સુધી પાણી પુરવઠો વિક્ષેપ વિના પહોંચે તે માટે ઉપરોકત આદેશો કરવામાં આવ્યા છે. જેનો ભંગ કરનારાઓને ઝડપી પાડવા તાકીદ કરાઇ છે.

પાણી પુરવઠા વિભાગના પ્રતિબંધાત્મક આદેશ મુજબ નર્મદા કેનાલની પાણી પુરવઠાની પાઇપલાઇનમાં છેદ પાડી કોઇ વ્યકિત પંપ દ્વારા ટેન્કર દ્વારા કે, બીજી કોઇ રીતે પાણી ભરી શકશે નહીં. આ પાણીની પાઇપલાઇન સાથે કોઇ ચેડા કરી શકશે નહીં કે, પાઇપલાઇનની તોડફોડ કરી શકશે નહીં કે, પાઇપલાઇનની જમીનમાં ખાડા ફરી શકશે નહીં. આ પાઇપલાઇનમાંથી કોઇપણ વ્યકિત પાણી લઇ જઇ શકશે નહીં તેમજ પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાઇ જાય તેવું કૃત્ય કરશે નહીં. આ પાઇપલાઇનમાંથી કોઇપણ વ્યકિત સીધી રીતે કે, પપીંગ કરી પાણી મેળવી શકે નહીં. તેમજ મોટર કે, મશીનથી પંપ મૂકી પાણી ખેંચી શકશે નહીં.

પીવાના પાણીની જરૃરિયાતોને અનુલક્ષીને શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં નર્મદા કેનાલ મારફતે પાણી પુરૃ પાડવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ પાઇપલાઇન દ્વારા આવતા પાણીનું યોગ્ય રીતે વિતરણ થઇ શકે તેમજ પાણી પુરવઠામાં વિક્ષેપ ઉભો ન થાય તે માટે પાઇપલાઇન તથા આનુસંગિક ઘટકો, સમ્પ, પંપહાઉસ, એરવાલ્વ, સ્ક્રાવરવાલ્વને અસામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવામાં ન આવે તેમજ પાણીની ચોરી તથા દુર્વ્યય અટકાવી શકાય તે માટે નિયમન કરવા ઉપરોકત પગલા લેવાઇ રહ્યાં છે. સરકારી યોજનાઓ અંતર્ગત જે શહેર-ગામોને પીવાના પાણીની તકલીફને કારણે ટેન્કરો કે, અન્ય સાધનો દ્વારા પાણી પહોંચાડવા માટે સક્ષમ અધિકારી તરફથી મંજૂરી આપવામાં આવેલા હોય તેવા વાહનો તેમજ સરકારી કામમાં રોકાયેલા વાહનો તેમજ સરકારી વ્યકિતઓ કે, વાહનોને આ હુકમ લાગુ પડશે નહીં. આ સિવાય આદેશની અવગણના કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.

(6:39 pm IST)