Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

૧લી એપ્રિલથી ૨૦ લાખ ભારે કોમર્શિયલ વાહનોનો ફિટનેસ ટેસ્‍ટ : ફેઇલ થશે તો સ્‍ક્રેપ

ફિટનેસ ટેસ્‍ટ દરમિયાન બે વાર ટેસ્‍ટમાં નિષ્‍ફળ જશે તો તેને સ્‍ક્રેપ કરવામાં આવશે : રાજ્‍યના પરિવહન વિભાગે ત્રણ વાહન સ્‍ક્રેપિંગ સુવિધાઓને મંજુરી પણ આપી દીધી છે : આ સિવાય રાજ્‍યમાં હાલ માત્ર ચાર ઓટોમેટેડ ટેસ્‍ટિંગ સ્‍ટેશન છે જે સુરત, મહેસાણા, ભરૂચ અને અમરેલીમાં

અમદાવાદ તા. ૬ : પ્રદુષણને ચકાસવા માટે અને રસ્‍તાઓ પર ભીડભાડ ઓછી કરવાના હેતુથી ૧ એપ્રિલથી ૧૫ વર્ષ જૂના લગભગ ૨૦ લાખ ભારે કોમર્શિયલ વાહનો માટે ફરજિયાત સ્‍વચાલિત ફિટનેસ ટેસ્‍ટ કરવામાં આવશે. જો એ બે વખત ટેસ્‍ટમાં નિષ્‍ફળ રહેશે તો તેને સ્‍ક્રેપ કરવામાં આવશે. પીએમ નરેન્‍દ્ર મોદીએ ઓગસ્‍ટ ૨૦૨૧માં વાહન સ્‍ક્રેપ પોલિસીની જાહેરાત કરી હતી. આ સિવાય લગભગ ૫૦૦૦ રાજય સરકારના વાહનો કે જેઓ ૧૫ વર્ષથી જૂના છે, તેઓ ટેસ્‍ટમાંથી પસાર થયા વિના જ સીધા સ્‍ક્રેપિંગ એકમોમાં જશે. આવતા વર્ષે જૂનથી ભારે અને મધ્‍યમ વાહનો સહિત તમામ કોમર્શિયલ વાહનોએ ફિટનેસ ટેસ્‍ટ આપવો પડશે. જો રાજય ત્‍યાં સુધીમાં ૧૦૦ ટેસ્‍ટ સ્‍ટેશન સ્‍થાપિત કરે છે તો ઓટોમેટેડ ફિટનેસ ટેસ્‍ટ એ તમામ વાહનો માટે વધારવામાં આવી શકે છે કે ૧૫ વર્ષનું રજીસ્‍ટ્રેશન સાયકલ પૂરૂ કરી ચૂક્‍યા હશે, એવું સૂત્રોએ જણાવ્‍યું હતું.

એપ્રિલ ૨૦૨૪ સુધીમાં રાજયના માર્ગો પર લગભગ ૪૦ લાખ ભારે અને મધ્‍યમ કોમર્શિયલ વાહનો દોડશે. રાજયમાં રજીસ્‍ટર થયેલાં ૨.૫૦ કરોડ વાહનોમાંથી ૨૦૨૧-૨૨ની સામાજિક-આર્થિક સમીક્ષા મુજબ ૧.૧ કરોડ વાહનો ૧૫ વર્ષ જૂના છે. ગુજરાતમાં નોંધાયેલા કુલ વાહનોમાં ખાનગી વાાહનોનો હિસ્‍સો ૪૩ ટકા છે. નવી નીતિ મુજબ, ભારે પરિવહન વાહનોને કમ્‍પ્‍યુટરાઈઝ્‍ડ ઓટોમેટેડ ટેસ્‍ટમાંથી પસાર થયા બાદ પ્રમાણિત કરવામાં આવશે અને તેમના રિપોર્ટ કાર્ડ કોઈ પણ માનવ હસ્‍તક્ષેપ વિના પરિવહન સેવાની વેબસાઈટ પર અપલોડ કરવામાં આવશે. તેમ ટાઇમ્‍સ ઓફ ઇન્‍ડિયાનો અહેવાલ જણાવે છે.

ગુજરાતમાં માત્ર ચાર ઓટોમેટેડ ટેસ્‍ટીંગ સ્‍ટેશન છે. જે સુરત, મહેસાણા, ભરૂચ અને અમરેલીમાં છે. જો કે, રાજય પાસે મર્યાદિત સંખ્‍યામાં ટેસ્‍ટિંગ સ્‍ટેશન હોવાથી કેન્‍દ્રએ તેમને તમામ કોમર્શિયલ વાહનો માટે ફરજિયાત ટેસ્‍ટમાંથી ખાનગી વાહનોની છોડી દેવા માટે જણાવ્‍યું છે, જે જૂન ૨૦૨૪માં શરૂ થશે. જો કે, જો ગુજરાત આવા ઓછામાં ઓછા ૧૦૦ ટેસ્‍ટિંગ સ્‍ટેશનો સ્‍થાપે પછી રાજય ટુ વ્‍હીલર વાહનો માટે ફિટનેસ ટેસ્‍ટનો વિસ્‍તાર પણ કરી શકે છે, એવું પરિવહન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્‍યું હતું.

એક વાર અયોગ્‍ય વાહનની નોંધણી રદ્દ થઈ જાય પછી માલિકે તેને રાખવાનું અથવા તેને સ્‍ક્રેપ કરવાનો વિકલ્‍પ પસંદ કરી શકે છે, પરંતુ તેનો ઉપયોગ રસ્‍તા પર કરી શકશે નહીં. એક અધિકારીએ જણાવ્‍યું હતું કે, હાલમાં સર્વિસ સ્‍ટેશનો ધરાવતા શોરૂમ્‍સ કોમર્શિયલ વાહનોને ફિટનેસ સર્ટિફિકેટ આપે છે, પછી ભલે ને તે ફિટ ન હોય. રાજયના પરિવહન વિભાગે ખેડામાં બે અને ભાવનગરમાં એક એમ ત્રણ વાહન સ્‍ક્રેપિંગ સુવિધાઓને પહેલેથી જ મંજૂરી આપી છે. દરેક સુવિધા દીઠ આશરે રુપિયા ૧૭ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. દરેક એક એકર જમીન પર બનશે. ટ્રાન્‍સપોર્ટ કમિશનર રાજેશ મંજુએ જણાવ્‍યું હતું કે, અમે કેન્‍દ્ર સરકારની માર્ગદર્શિકાને ધ્‍યાનમાં રાખીને સ્‍ક્રેપિંગ પોલિસી સાથે આગળ વધી રહ્યા છીએ.

(10:20 am IST)