Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સુરત જિલ્લા-શહેરમાં મોબાઈલ-ચેનની ચોરી કરનાર ગઠિયાને ખેડા પોલીસે ઉભેલની સીમમાંથી રંગેહાથે ઝડપ્યો

કામરેજ: તાલુકાના ઉંભેળ ગામની સીમમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા યુવાન શખ્સને એલસીબીએ ઝડપી પાડી ૧૯ મોબાઈલ ફોન અને અઢી તોલાની બે સોનાની ચેઈન મળી કુલ રૃ. ૧.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બાઈક પર જતાં લોકોના મોબાઈલ ફોન અને સોનાની ચેઈન ખેંચીને ચોરી કરી ટોળકીનો પર્દાફાશ થયો અને મુખ્ય સુત્રધાર સહિત બે શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. એલસીબીની ટીમે રાત્રી પેટ્રોલીંગમાં બાતમી આધારે ને.હા.નં.૪૮ પર ઉભેંળ ગામની સીમમાં શંકાસ્પદ હાલતમાં ઉભેલા યુવાન વિજય ઉર્ફે વિષ્ણુ ભીમરાવ બહારે (ઉ.વ.૩૦, હાલ રહે, જોળવા, આરાધના સોસાયટી, તા.પલસાણા, જી.સુરત. મુળ રહે- સીરપુરા, તા.ચોપડા, જિ. જલગાંવ, મહારાષ્ટ્ર) ને ઝડપી લીધો હતો. વિજયની અંગજડતી લેતા તેની પાસેથી ૧૯ મોબાઈલ ફોન કિંમત રૃા. ૮૩,૨૦૦ અને અઢી તોલાની બે સોનાની ચેઈન કિંમત રૃ. ૭૫,૨૭૫ મળી કુલ રૃ. ૧,૫૮,૪૭૫ નો મુદ્દામાલ મળી આવ્યો હતો. એલસીબી ચોકી પર લઈ જઈ પોલીસે પુછતાછ કરતા સુરતના અનિલ અને ગેટી નામના શખ્સ સાથે મળીને બાઈક ચાલક કે તેની સાથે બેઠેલાની પાસેથી ચાલુ બાઈકે મોબાઈલ ફોન અને ગળામાંથી સોનાની ચેઈન ખેંચી ચોરી કરતા હોવાની કબુલાત કરી છે. પોલીસે વિજય બહારેની ધરપકડ કરી અનિલ અને ગેટીને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ હાથ ધરી છે.

(6:38 pm IST)