Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

નડિયાદમાં તસ્કરોનો તરખાટ: વહેલી સવારે કોમ્પલેક્ષમાં એક સાથે 6 દુકાનના તાળા તૂટતાં ચકચાર

નડિયાદ: શહેર છેલ્લા કેટલાક દિવસથી ચોરોના હવાલે હોય તેવી સ્થિતિ સર્જાઇ છે. શહેરનો પુર્વ વિસ્તાર હોય કે પછી પશ્ચિમ વિસ્તાર, દરરોજ આ વિસ્તારોમાં ક્યાકને ક્યાક ચોરીની બુમો ઉઠી રહી છે. આજે બનેલા ચોરીના વધુ એક બનાવમાં તસ્કરોએ વહેલી સવારે ૬.૪૦ કલાકે શહેરના ભરચક વિસ્તાર ગણાતા ખેતા તળાવ સામે આવેલ જશોદામૈયા કોમ્પલેક્ષમાં છ દુકાનોને નિશાન બનાવી હતી. મહત્વની વાત છેકે આ દુકાનોમાં ચોરી કરવા આવેલ બે ચોર સીસીટીવી કેમેરામાં આબાદ ઝડપાઇ ગયા છે. નડિયાદ શહેરના કોલેજ રોડ પર આવેલ ખેતા તળાવની સામે આવેલ જશોદામૈયા કોમ્પલેક્ષના પ્રથમ અને બીજા માળ પર આવેલ છ જેટલી દુકાનોને આજે વહેલી સવારે ૬.૪૦ કલાકે તસ્કરોએ નિશાન બનાવી હતી. છ દુકાનોના તાળા તોડી તસ્કરો જે હાથમાં આવે તે સામગ્રીની ચોરી કરી રફુચક્કર થઈગયા છે. કોઇ દુકાનમાંથી નાની મોટી રોકડ, તો કોઇ દુકાનમાંથી ઇલેક્ટ્રોનીક સામાન, તો વળી કોઇ દુકાનમાંથી કેમેરા અને સીસીટીવીના આખે આખા ડીવીઆર પણ તસ્કરો ઉઠાવી ગયા છે. સવારે ૬.૪૦ વાગ્યાના સુમારે ત્રાટકેલા તસ્કરોએ પહેલા અને બીજા માળે દુકાનોના તાળા તોડી આરામથી તમામ સામાન વેર વીખેર કરી નાખ્યો હતો. જે કોઇ પણ કીમતી ચીજ વસ્તુ હાથમાં આવે તે લઇને ફરાર થઇ ગયા હતા. જોકે તસ્કરોની આ તસ્કરી સીસીટીવી કેમેરામાં ઝડપાઇ ગઇ હતી. પોતાની કરતુત સીસીટીવીમાં રેકોર્ડ થતી હોવાની જાણ થતા તસ્કરો બે દુકાનોમાંથી ડીવીઆર પણ ઉપાડી ગયા હતા. પરંતુ કહેવાય છેને કે ગુનેગાર પોતે કરેલા ગુનાનો કોઇને કોઇ રેકોર્ડ છોડી જતો હોય છે. તેમ અહીયા પણ એક દુકાનદારનું સીસીટીવીનું ડીવીઆર તસ્કરોની નજરે ન પડતા ચોરોના ચહેરા હવે જાહેર થઇગયા છે. દુકાનદારો વતી હિમાંશુ જગદીશભાઇ દેસાઇએ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશને લેખીત ફરિયાદ આપી છે. જોકે હવે જોવાનું એ છેકે સીસીટીવીમાં સ્પષ્ટ દેખાતા ચોરોને પોલીસ ક્યારે ઝડપી પાડે છેે, અને નડિયાદ શહેરની કેટલી ચોરીઓના ભેદ ઉકેલાય છે?

(6:35 pm IST)