Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

અમદાવાદમાં સવારે છાંટાઃ રાજકોટમાં વાદળાઓ છવાયા

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી આજનો દિવસ વાદળાઓ રહેશે, સૌરાષ્ટ્રમાં કાલથી વાતાવરણ ચોખ્ખુ બની જશે જયારે દક્ષિણ ગુજરાતમાં યથાવત રહેશે

રાજકોટ, તા. ૬ : છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. વાદળાઓ છવાયેલા જોવા મળે છે. કોઈ કોઈ જગ્યાએ છાંટા પડ્યા હતા. દરમિયાન આજે સવારે અમદાવાદમાં છાંટા પડ્યા હતા. જયારે રાજકોટ શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળે છે.

હવામાન વિભાગે જણાવ્યુ હતું કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી સૌરાષ્ટ્રમાં આજનો દિવસ વાદળાઓ છવાયેલા રહેશે. આવતીકાલથી વાતાવરણ ચોખ્ખુ થશે. જયારે દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ યથાવત રહેશે. આજનો દિવસ કોઈ - કોઈ જગ્યાએ છાંટા પડવાની સંભાવના છે.

દરમિયાન અમદાવાદ શહેરમાં આજે સવારે પણ સતત બીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. કેટલીક જગ્યાએ વરસાદી છાટ્યા પણ પડ્યા હતા. છેલ્લા બે દિવસથી આ પ્રકારની સ્થિતી સર્જાયેલી છે. તાપમાનમાં પણ ઠંડક હોવાના કારણે ઘટાડો સવારમાં રહ્યો હતો. આજે દિવસ દરમિયાન આવુ જ વાદળછાયુ વાતાવરણ રહે તેવી શક્યતા છે. પંજાબ અને આસપાસના વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટરબર્ન્સની સ્થિતીના કારણે સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતી સર્જાયેલી છે. જે હવે ગુજરાત પર કેન્દ્રિત છે. આ પ્રકારની સ્થિતીના કારણે વરસાદી છાટા પડવાની આગાહી પણ કરવામાં આવી છે. અમદાવાદ માટેની આગાહીમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલાક વિસ્તારમાં હળવા વરસાદી છાંટા પડી શકે છે .

અમદાવાદ સહિત રાજ્યભરમાં હવે મિશ્ર સ્થિતિ જોવા મળી રહી છે. ઠંડી અને ગરમીનું પ્રમાણ હોવાના કારણે લોકો પરેશાન થયેલા છે.

અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાનમાં ફેરફાર થવાના કારણે હવે ઇન્ફેક્શન સબંધિત બિમારીનો ખતરો પણ તોળાઈ રહ્યો છે. રાજયમાં સરહદી જિલ્લા એવા કચ્છના  નલિયાની સાથે બનાસકાંઠાના ડિસા સહિતના રણને અડીને આવેલા વિસ્તારોમાં વસતા લોકોને હવે પહેલાની સરખામણીમાં ઠંડીથી રાહત થઇ છે પરંતુ હજુ પણ પારો ખુબ નીચે પહોંચેલો છે.

(3:54 pm IST)