Gujarati News

Gujarati News

News of Tuesday, 6th February 2018

સૌરાષ્ટ્રને પીવાનું પાણી પુરૂ પાડવા માટે પ્રથમ વખત બાયપાસ ટનલનો ઉપયોગ થશે

નર્મદા ડેમમાં પાણી સતત ઘટતુ જાય છેઃ કેશુભાઇની સરકાર વખતે ટનલનું કામ શરૂ થયેલ

વડોદરા તા.૬: સરદાર સરોવર નર્મદા ડમની જળ સપાટી નીચે ઉતરી રહી છે સામે ઉનાળો દસ્તક દઇ ચુકયો છે. સ્થિતિ એવી આવી છે કે નર્મદાના નીર સુકાતા ગુજરાત અને મધ્ય પ્રદેશના હજારો ગામડાઓમાં આ ઉનાળામાં મોટુ જળસંકટ ઉભુ થવાની પુરી શકયતા છે. હાલમાં નર્મદા ડેમની જળ સપાટી ૧૧૧.૯૬ મીટરે આવી ગઇ છે. હવે જો એક મિટર સપાટી નીચે ઉતરે તો સૌરાષ્ટ્રમાં પીવાનું પાણી પહોંચાડવા માટે ઇરિગેશન બાય પાસ ટનલ ચાલુ કરવી પડશે.

મધ્ય પ્રદેશમાં નર્મદા ડેમના કેચમેન્ટ  એરિયામાં આ ચોમાસામાં વરસાદ ઓછો થયો છે.ડેમ તેની મહતમ સપાટી ૧૩૮.૬૮ મીટર ભરાવાની ધારણા હતી પરંતુ વરસાદ નહી થતા ડેમ ભરાયો નથી. ચોમાસા દરમિયાન એક તબક્કે ડેમની સપાટી ૧૩૧ મીટરે પહોંચી હતી પરંતુ ચોમાસા દરમિયાન ડેમના દરવાજા પણ ખુલ્લા રખાતા હોવાથી પાણી વહી ગયુ હતું. હાલમાં જળ સપાટી ૧૧૧.૯૬ મીટર છે અને ૧૧૦.૬૪ મીટરથી નીચે ઉતરે તો પછી ડેમમાંથી પાણી કેનાલોમાં પહોંચી શકતુ નથી અને એક મહિનામાં જ જળ સપાટી ૧૧૦ મીટરે પહોંચી જશે તેવો અંદાજ છે. સૌરાષ્ટ્રમાં ઉનાળા દરમિયાન નર્મદા ડેમમાંથી પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. અત્યાર સુધી તો ડેમ છલોછલ ભરાઇ જતો હતો એટલે મુખ્ય કેનાલો દ્વારા જ પાણી પહોંચી જતુ હતુ પરંતુ સપાટી ૧૧૦.૬૪ મીટરે પહોંચશે ત્યાર બાદ મુખ્ય કેનાલ દ્વારા પાણી પહોંચાડવુ શકય નહી બને એટલે આ માટે ખાસ બનાવેલી ઇરિંગેશન બાય પાસ ટનલને ચાલુ કરવાની ત્યારે ફરજ પડશે તેવી પુરી શકયતા છે અને જો એવુ થાય તો ૧૦ વર્ષમાં આ ટનલનો પ્રથમ વખત ઉપયોગ થશે.

સૌરાષ્ટ્રમાં દર ઉનાળામાં જળ સંકટ ઉભુ થાય છે અને લોકોને પીવાનું પાણી પણ મળતુ નથી. એટલે સન ૨૦૦૦માં કેશુભાઇની સરકારે નર્મદામાંથી પાણી સૌરાષ્ટ્રમાં પહોંચાડવા માટે બાયપાસ ટનલનું કામ શરૂ કરાવ્યુ હતુ અને સન ૨૦૦૮માં બનીને તૈયાર થઇ હતી. ડેમમાંથી માત્ર ૧૯૪ મીટર દૂર તળાવ નંબર-૧ સુધી પાણી પહોંચાડવા માટે ૧૯૪ મીટર લાંબી અને ૫.૫૦ મીટરનો વ્યાસ ધરાવતી બે બાયપાસ ટનલ બનાવામાં આવી છે પણ આ ૧૯૪ મીટરની ૨ ટનલ બનાવવા માટે ૮ વર્ષનો સમય લાગ્યો હતો અને તેની પાછળ રૂ.૧૫૪ કરોડની ખર્ચ થયો હતો કેમ કે ડુંગરને કાપીને આ ટનલ બનાવામાં આવી છે.(૧.૭)

(11:47 am IST)