Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

રાજપીપળા માં પુરવઠા સંચાલકોને સતત ફેઇલ થતાં તુવેરદાળનાં સેમ્પલનાં કારણે દાળ નહિ મળતા મુશ્કેલી

નવેમ્બર મહિનામાં સતત બે વખત દાળ નો સેમ્પલ રિજેક્ટ થતા મહિનાનાં અંતમાં અન્ય તાલુકામાથી દાળ મંગાવી ફાળવવામાં આવી હતી:ડિસેમ્બર મહિનો માટે એડવાન્સ રૂપિયા ભર્યા પણ હજુ દાળનો સેમ્પલ પાસ થયા બાદ દુકાનદારોને દાળ અપાશે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લામાં મધ્યમ,ગરીબ વર્ગના લોકો વસવાટ કરતા હોય જે પૈકી ઘણા રેશનકાર્ડ પર મળતા અનાજ પર નિર્ભર રહે છે પરંતુ સરકારનાં નિયમ મુજબ અનાજનો જથ્થો જે તે તાલુકા ના ગોડાઉન પર આવ્યા બાદ દાળનાં સેમ્પલને ટેસ્ટિંગ માં મોકલવાનો હોય ત્યારબાદ આ સેમ્પલ પાસ થયા બાદ દુકાનદારોને આ જથ્થો અપવમાં આવે છે જેમાં નવેમ્બર મહિનામાં રાજપીપળાનાં પુરવઠા ગોડાઉન પર આવેલી દાળનાં બે વખત સેમ્પલ રિજેક્ટ થતાં દુકાનદારો ને જથ્થો નહિ મળતાં ગ્રાહકો સાથે બોલાચાલી થઈ હતી ત્યારબાદ મહિનાનાં અંતમાં તાલુકાના અન્ય ગોડાઉન પરથી દાળનો જથ્થો મંગાવી આપવામાં આવ્યો હતો

હાલમાં ડિસેમ્બર મહિનો શરૂ થયો ત્યારે નિયમ મુજબ એડવાન્સમાં દુકાનદારો અનાજની પરમીટ નાં રૂપિયા ભર્યા છે ત્યારે આ મહિનામાં દાળ સમયસર મળશે કે નહિ એ બાબતે હજુ અસમંજસ છે આ મહિનામાં પણ જો દાળનો સેમ્પલ રિજેક્ટ થશે તો દુકાનદારો અને ગ્રાહકો વચ્ચે માથાકૂટ થશે માટે આ વાતે કોઈ કાયમી ઉકેલ આવે અને કાર્ડ ધારકોને સમયસર જથ્થો મળે તે દિશા માં યોગ્ય આયોજન કરાઇ એ જરૂરી છે

 

(10:12 pm IST)