Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

સુરતમાં ઇન્કમટેક્ષના સર્વે બાદ ડાયમંડ-બિલ્ડર ગ્રુપ પાસેથી ૧૨૫૦ કરોડના બેનામી વ્યવહારો મળ્યા

૧૫ કરોડથી વધુની રકમ અને દાગીના જપ્ત કરતુ આવકવેરા વિભાગ

સુરત,તા.૫: આવકવેરા વિભાગની ઇન્વેસ્ટીગેશન વિંગ દ્વારા શહેરના હીરાઉદ્યોગની બે પેઢી, એક બિલ્ડર, એક ફાયનાન્સર તથા જમીન દલાલને ત્યાં હાથ ધરવામાં આવેલી તળિયાઝાટક તપાસના અંતે ઇન્વેસ્ટીગેશનની ટીમને કુલ રૃપિયા ૧૨૫૦ કરોડથી વધુના કાળા વ્યવહારો મળી આવ્યા છે. આ સાથે જ અધિકારીઓએ તમામ સ્થળેથી કુલ રૃપિયા ૧૫ કરોડની રોકડ અને જવેલરી ઝડપી પાડી સીઝ કરી દીધી છે.

પ્રાપ્ત થતી વિગત મુજબ વિધાનસભાની ચૂંટણીના મતદાન પૂર્ણ થયાના બીજા દિવસે વહેલી સવારે જ સુરત આવકવેરા વિભાગની ઇન્વેસ્ટીગેશન ટીમના ૧૦૦થી વધુ અધિકારીઓએ સુરત શહેરના હીરાઉદ્યોગની પેઢી ભાવના જેમ્સ, ધાનેરા ડાયમંડ તથા જાણીતા બિલ્ડર રમેશ ચોગઠ, કાદર કોથમીર, નરેશ વિડિયો અને એક જનક નામના જમીનના બ્રોકરની વિગતો તપાસવામાં આવી હતી. તપાસના સતત ત્રીજા દિવસે આવકવેરા વિભાગના અધિકારીઓને હીરાના બે પેઢી અને બિલ્ડરને ત્યાંથી કુલ લગભગ ૧૨૫૦ કરોડથી વધુના કાળા વ્યવહારોની વિગતો મળી આવી છે. રવિવારે મોડી સાંજ સુધી ચાલેલી તળિયાઝાટક તપાસ અંતર્ગત અધિકારીઓને તમામ પાસેથી કુલ ૧૫ કરોડની રોકડ રકમ અને જવેલ૨ી પણ ઝડપાતા વિભાગ તરફથી રોકડ અને જવેલરી સીઝ કરી દેવામાં આવી છે.

વધુમાં સૂત્રો મુજબ રવિવારે અધિકારીઓની તપાસ દરમિયાન અને સાટાખત પણ મળી આવ્યા હોવાનું કહેવાય રહ્યું છે. બિલ્ડર કાદર કોથમીર તથા નરેશ વિડિયો અને રમેશ ચોગઠને ત્યાંથી તાજેતરમાં જ શહેરના પોશ વિસ્તારમાં ખરીદવામાં આવેલી જમીનોની ફાઇલો અને સાટાખાત પણ મળી આવ્યાંનું કહેવાય રહ્યું છે.

(4:35 pm IST)