Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

ચુંટણીમાં પરિણામની સચોટ આગાહી કરનારને ૨૫ લાખનું ઇનામ : વિજ્ઞાન જાથાનો પડકાર

રાજકોટ તા. ૫ : ગુજરાતની ચુંટણીઓ બે તબકકે પૂર્ણ થયા બાદ પરિણામની સચોટ આગાહી કરનારને રૂ.૨૫ લાખનું ઇનામ આપવા ભારત જન વિજ્ઞાન જાથાએ પડકાર ફેંકયો છે.

જાથાના ચેરમેન એડવોકેટ જયંત પંડયાની યાદીમાં જણાવાયુ છે કે પૃથ્‍વીની ઉત્‍પતીથી આજદિન સુધી વિશ્વમાં એકપણ ચમત્‍કારીક કે આગાહીકાર સચોટ આગાહી કરી શકયા નથી.

(૧) ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો ઉપર વિજય પ્રાપ્‍ત થશે, (ર) સૌરાષ્‍ટ્રમાં ભાજપને કેટલી બેઠકો ઉપર વિજય થશે, (૩) વર્તમાન મંત્રીઓમાંથી કેટલા મંત્રીઓ હારી જશે?, (૪) દક્ષિણ ગુજરાતમાં આપને કેટલી બેઠકો ઉપર વિજય મળશે, (પ) અમદાવાદમાં ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળશે. આ પાંચમાંથી ચારની સચોટ આગાહી કરનાર આગાહીકાર, જયોતિષી કે કોઇપણને જાથા દ્વારા ઇનામની જાહેરાત કરાઇ છે. આ માટે સોગંદનામામાં બે સાક્ષીઓ, દશ ટકા રકમની વિગતો સાથે ફોર્મ ભરવાના રહેશે. આગાહી ખોટી પડયે દશ ટકાની રકમ જપ્‍ત કરી શિક્ષણ, આરોગ્‍ય કે વૃધ્‍ધાશ્રમને આપી દેવાશે.

આ પડકાર જીલી લેવાની ઇચ્‍છા હોય તેમણે તા. ૭ ના મોડી રાત્રી સુધીમાં જાથાના કાર્યાલય (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) પર સંપર્ક કરવા અંકલેશ ગોહીલની યાદીમાં જણાવાયુ છે.

(3:30 pm IST)