Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

વડોદરામાં દીકરીનો જન્મ થતા પરિણીતા પર ત્રાસ ગુજારનાર સાસરિયા વિરુદ્ધ ગુનો દાખલ

વડોદરા: દીકરીનો જન્મ થયા પછી પરિણીતા પર ત્રાસ ગુજારતા પતિ અને સાસુ, સસરા સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ન્યૂ વી.આઇ.પી.રોડ પર પરસોત્તમ નગરમાં રહેતી આશા નામની યુવતીના લગ્ન આણંદ તાલુકાના વાસદ ગામે પંડયા ખડકીમાં રહેતા અલ્પેશ ઠાકોરલાલ પંડયા સાથે થયા હતા.બાપોદ પોલીસ સ્ટેશનમાં  ફરિયાદ કરી તેણે જણાવ્યું છે કે,મારા પતિ વાસદ કોલેજમાં પ્યૂન તરીકે નોકરી કરે છે.લગ્ન જીવન દરમિયાન સંતાનમાં દીકરીનો જન્મ થયા પછી મારા પતિ દ્વારા મારા પર ત્રાસ  ગુજારવામાં આવતો હતો.મારા સાસુ, સસરા પણ પતિનું ઉપરાણું લઇને મારા  પર ત્રાસ ગુજારતા હતા.ત્યારબાદ અમે વડોદરા રહેવા માટે આવ્યા હતા.ત્યાં પણ મારા પતિ મારા પર ત્રાસ ગુજારતા હતા.મને લકવો થઇ જતા હું પિયરમાં રહેવા આવી હતી.પંદર દિવસે એક વખત મારા પતિ મારી ખબર જોવા માટે આવતા  હતા.ત્યારબાદ મરા પતિ જાણ કર્યા વિના પરત વાસદ રહેવા માટે  જતા રહ્યા હતા.હું મારા માતા, પિતા તથા ભાઇ તેઓને સમજાવવા માટે ગયા હતા.પરંતુ,તેઓએ મને કહ્યું હતું કે,મારા દીકરાના બીજે લગ્ન કરાવી આપીશું.તું પિયરમાં જતી રહે.તેઓએ મને કાઢી મૂકતા હું હાલમાં મારી દીકરી સાથે રહું છું.

(7:20 pm IST)