Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

માતર તાલુકાના ઊંઢેળામાં ફરજ પર જતા પોલીસ કર્મીની બાઇકને કારે હડફેટે લેતા ગંભીર ઇજાથી મોત

નડિયાદ : માતર તાલુકાના ઉંઢેળામાં બંદોબસ્તમાં જતા નડિયાદ ટાઉન ફરજ બજાવતા એક પોલીસકર્મીની બાઈકને ફોર વ્હીલ ગાડીના ચાલકે ટક્કર મારતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા પોલીસ કર્મચારીના મૃત્યુ થતાં પોલીસ બેડામાં શોકની લાગણી વ્યાપી જવા પામી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ ટાઉન પોલીસ મથકના રાકેશકુમાર જશવંતલાલ ગઢવી (ઉ.વ.૩૫) ફરજ બજાવતા હતા. દરમિયાન માતર તાલુકાના ઉંઢેળા ગામમાં નવરાત્રીના ગરબા પર વિધર્મીઓએ પથ્થરમારો કરતાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. દરમિયાન ટાઉન પોલીસ મથકે ફરજ બજાવતા રાકેશ ગઢવી માતર પોલીસ મથક ખાતે બંદોબસ્તની વહેંચણી પૂરી થતાં ઉંઢેળા ગામે બંદોબસ્તમાં જવા સારું માતરથી નીકળી માતર હાઇવે રોડ પર સંજયભાઈના ફાર્મ પાસે પોતાનું મોટરસાયકલ લઈ રોડ ક્રોસ કરવા સારું રોડની સાઈડમાં ઉભા હતા. તે વખતે એક ફોર વ્હીલ ગાડીના ચાલકે પોતાની ગાડી બેફિકરાઈ અને પુરઝડપે હંકારી રાકેશભાઈની બાઇકને ટક્કર મારતા તેઓને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા મુકેશભાઈ નું મૃત્યુ નિપજ્યું હતું.

મરણ જનાર રાકેશભાઈને સંતાનમાં બે દીકરા મિતરાજ (ઉ.વ.૫) તથા દિવ્યરાજ (ઉ.વ.૨) છે. આ સંદર્ભે મૃતકના ભાઈ દેવાંગ ગઢવી ની ફરિયાદના આધારે માતર પોલીસે ગાડીના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(7:14 pm IST)