Gujarati News

Gujarati News

News of Wednesday, 5th October 2022

૧૦૧ ટકા ધાન્‍ય, ૯૨ ટકા કઠોળ અને ૯૬ ટકા તેલીબિયા પાકનું વાવેતર

કપાસ, દીવેલા, ડાંગર, બાજરીનું વાવેતર વધ્‍યું : મગફળી, મકાઇ, તલનું વાવેતર ઘટયું

રાજકોટ તા. ૫ : રાજ્‍યમાં ખરીફ પાકના વાવેતરની મોસમ પૂર્ણ થઇ છે. મગફળી બજારમાં આવવા લાગી છે. તા. ૩ ઓકટોબરની સ્‍થિતિએ રાજ્‍યમાં કુલ વાવેતર વિસ્‍તાર પૈકી ૯૯.૧૧ ટકામાં વાવેતર થયું છે. આ વર્ષની ૩ ઓકટોબર સુધીમાં ૮૫,૫૪,૬૮૬ હેકટરમાં વાવણી થયેલ છે. ગયા વર્ષે આ દિવસ સુધીમાં ૮૪,૫૩,૪૦૧ હેકટરમાં વાવણી થયેલ. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે ૧,૦૧,૨૮૫ હેકટરમાં વધુ વાવેતર થયું છે. સૌથી વધુ વિસ્‍તારમાં કપાસનું વાવેતર થયું છે. હવે ચોમાસાએ વિદાય લઇ લીધી છે.
ગુજરાતમાં ધાન્‍ય પાકોનું ૧૦૧.૮૯ ટકા, કઠોળ પાકોનું ૯૨.૯૫ ટકા, તેલીબિયા પાકોનું ૯૬.૬૦ ટકા તથા કપાસ, તમાકુ, શાકભાજી, ઘાસચારો વગેરેનું ૯૦.૫૩ ટકા વાવેતર થયું છે. સૌથી વધુ ૨૫,૪૮,૯૬૮ હેકટરમાં કપાસ વાવવામાં આવ્‍યો છે. તે ગયા વર્ષ કરતા ૩ લાખ હેકટર જેટલો વધુ છે. મગફળી ગયા વર્ષે ૧૯,૦૯,૬૭૮ હેકટરમાં વાવવામાં આવેલ. તે આ વખતે ઘટીને ૧૭,૦૯,૦૨૩ હેકટરમાં થઇ છે. દીવેલાનું વાવેતર ગયા વર્ષ કરતા વધીને ૭,૦૩,૬૨૪ હેકટરમાં થયું છે.
તુવેરનું વાવેતર ગયા વર્ષના હાલના સમયે ૨,૩૩,૧૯૪ હેકટરમાં હતું તે આ વખતે ઘટીને ૨,૨૬,૯૬૨ હેકટરમાં થયું છે. તલનું વાવેતર ૧ લાખ હેકટરમાં હતું તે ઘટાડા સાથે ૭૨ હજાર હેકટરમાં થયું છે. દીવેલાની વાવણીમાં ૭૦ હજાર હેકટર જેટલો વધારો થયો છે. ગયા વર્ષે રાજ્‍યમાં કુલ વાવેતર કરતા આ વખતે અત્‍યાર સુધીનું વાવેતર ૧ લાખ હેકટર જેટલું વધ્‍યું છે.

 

(11:52 am IST)