Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

મહીસાગરબા લીંબડીયા APMCમાં ખરીદીના કૌભાંડ અંગે ચેરમેનની હોદ્દા પરથી હકાલપટ્ટી

ખેડૂતોને ટેકાના ભાવથી પણ નીચા ભાવે વેચવાની ફરજ પાડતું કૌભાંડ :ખેડૂતોના હક્કના નાણા ઘરભેગા કર્યા હોવાનું બૂમ ઉઠતા જિલ્લા રજિસ્ટ્રારને સોંપાઈ તપાસ

સંતરામપુરઃ મહીસાગર જિલ્લાની લીંબડીયા એપીએમસીમાં કૌભાંડ કરનાર ચેરમેન ભૂલાભાઈ પટેલને જિલ્લા રજિસ્ટ્રારની તપાસ પછી હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.એપીએમસીના ચેરમેન ભૂલાભાઈ પટેલે  આચરેલા આ કૌભાંડની મોડસ ઓપરેન્ડી એવી છે કે તેમા વેપારી પાસેથી ટેકાના ભાવથી પણ નીચા ભાવે માલની ખરીદી કરવામાં આવી હતી.તેના પછી આ ખરીદીને ખેડૂતના નામે ખોટી રીતે ઓનલાઇન ધોરણે દર્શાવી દેવાઈ હતી. આ કૌભાંડમાં વેપારી પાસેથી પ્રતિ ક્વિન્ટલ 700 રૂપિયે ચણા ખરીદાયા હતા અને પછી સરકારે ટેકાનો ભાવ પ્રતિ ક્વિન્ટલે 975 રૂપિયા જાહેર કર્યો તે ભાવે ખેડૂત પાસેથી ખરીદી કરવામાં આવી હોવાનું દર્શાવી દેવાય છે. આમ પ્રતિ ક્વિન્ટલ સીધા 275 રૂપિયા એપીએમસી માર્કેટના ચેરમેને અંકે કરી લીધા હતા.

આના કૌભાંડના પગલે ખેડૂતોમાં બૂમરાણ મચી હતી, કારણ કે એપીએમસીના ચેરમેને સીધો વેપારીઓ પાસેથી માલ ખરીદીને ઓનલાઇનમાં ખેડૂતોનું નામ વેચાણ કરનાર તરીકે બતાવી દેતા તેઓની સ્થિતિ કફોડી થઈ હતી. ખેડૂતોએ એક જ વખત માલ જો એપીએમસીમાં વેચી દીધો હોય તો તે ફરીથી કેવી રીતે વેચી શકે. ખેડૂતો માટે આનો સીધો અર્થ એમ જ થાય કે તેમણે સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ છતાં પણ નીચા ભાવે વેચાણ કરવું પડે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના લીંબડિયા ગામ ખાતે આવેલી એપીએમસીમાં થોડા સમય પહેલા સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી શરૂ કરવામાં આવી હતી. તેમા વીરપુર અને ખાનપુર તાલુકાના ખેડૂતો સહિત બધાના માટે ટેકાના ભાવે ચણા વેચવાનું ઓનલાઇન કરી દેવામાં આવ્યું હતું.

અહીં વાસ્તવમાં ચણાની ખરીદી ખેડૂતો પાસેથી કરવાના હોય તેના બદલે તેના ચેરમેન ભૂલાભાઈ પટેલે માર્કેટમાં તેમના મળતિયાઓ સાથે મળીને ભ્રષ્ટાચાર કરીને ખેડૂતોના હક્કના નાણા ઘરભેગા કર્યા હોવાનું બૂમ ઉઠી હતી. આ અંગે ખેડૂતોએ બૂમરાણ મચાવી મૂકતા એપીએમસી માર્કેટ ખાતે અધિકારીઓ દોડી આવ્યા હતા. તેમણે એપીએમસીમાં પડેલા ચણાનો જથ્થો જપ્ત કરીને ગોડાઉન સીલ કરી તપાસ જિલ્લા રજિસ્ટ્રારને સોંપી હતી.

જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરવામાં આવેલી તપાસમાં ખેડૂતોએ રજૂઆત કરી હતી કે એપીએમસી માર્કેટના ચેરમેન ભૂલાભાઈ પટેલે પોતાની મનમરજી ચલાવી સત્તાનો દૂરુપયોગ કર્યો છે. તેમણે ખેડૂતોના હક્કો પર તરાપ મારી મોટાપાયા પર ભ્રષ્ટાચાર કર્યો હોવાના આરોપો પણ ખેડૂતોએ મૂક્યા હતા. આ તપાસમાં વેપારીએ પણ કબૂલ્યુ કે ભુલાભાઈ પટેલ બે ટ્રક જેટલો ચણાનો જથ્થો લઈ ગયા હતા. જિલ્લા રજિસ્ટ્રારની આ તપાસમાં ભૂલાભાઈ પટેલ દોષિત ઠરતા તેમને એપીએમસીના ચેરમેન પદેથી દૂર કરાયા હતા.

(12:38 pm IST)