Gujarati News

Gujarati News

News of Monday, 5th October 2020

PASA હેઠળની અટકાયત સીધી કોર્ટમાં પડકારી શકાય

ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : પાસા હેઠળ અટકાયત કરી પાસા બોર્ડનો અભિપ્રાય ન મળે ત્યાં સુધી આરોપી કોર્ટમાં અરજી ન કરી શકે તે વાત અયોગ્ય

અમદાવાદ,તા.૪ : પાસા (પ્રિવેન્શન ઓફ એન્ટિ સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ) હેઠળ અટકાયત કરાયેલી વ્યક્તિ અંગે ગુજરાત હાઇકોર્ટે મહત્ત્વનો ચુકાદો જાહેર કર્યો છે. હાઈકોર્ટે જણાવ્યું કે, પાસાના કાયદા હેઠળ અટકાયત કરીને પાસા બોર્ડનો અભિપ્રાય ન મળે ત્યાં સુધી આરોપી હાઈકોર્ટમાં અરજી ન કરી શકે તે વાત અયોગ્ય છે. ગુજરાત હાઈકોર્ટે માર્ગદર્શક ચુકાદામાં કહ્યું કે, હવે પાસા હેઠળ થયેલી અટકાયત સીધી કોર્ટમાં પડકારી શકાય છે. ચીફ જસ્ટિસ વિક્રમનાથની ખંડપીઠે અરજદારને ડિટેન્શન કરવાનો મેજિસ્ટ્રેટનો હુકમ ગેરકાયદે ઠેરવી અવલોકન કર્યું છે કે, બંધારણમાં મળેલી વ્યક્તિગત સ્વતંત્રતાનો ભંગ થતો હોય તો તરત જ તે વ્યક્તિને તેની અટકાયતને કોર્ટમાં પડકારવાનો હક મળવો જોઇએ. મીડિયા રિપોર્ટ મુજબ કચ્છના મજિસ્ટ્રેટે એક અરજદારને પાસા હેઠળ અટકાયત કરવાનો હુકમ કર્યો હતો. જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. જેમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, અટકાયતી ધારા હેઠળ અટકમાં લેવાયેલાને મેજિસ્ટ્રેટ સામે રજૂ કરાતા નથી. પરંતુ ધરપકડ થાય તો ૨૪ કલાકમાં રજૂ કરવા પડે છે.

             તેમને કાયદાકીય મદદ પણ મળે છે અને કોર્ટમાં કાયેદસરતાને પડકારી શકે છે. પાસામાં આવા હક અપાતા નથી. હાઈકોર્ટની ખંડપીઠે નોંધ્યું છે કે, આપણાં બંધારણમાં વ્યક્તિગત સ્વાતંત્ર્યને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવી છે. આ સ્વાતંત્ર્યમાં કોઇ હસ્તક્ષેપ કરે તો અસરગ્રસ્ત પક્ષને ન્યાયિક સત્તા સામે અપીલ કરવાનો અધિકાર છે. સમાજના હિતોના રક્ષણ માટે આપણા બંધારણમાં આ જોગવાઇઓ કરવામાં આવી છે. હાઈકોર્ટે એ પણ નોંધ્યું કે, અટકાયત બાદ તે સીધા જ તેને કોર્ટમાં પડકારી શકે છે. આ માટે પાસા બોર્ડના અભિપ્રાયની જરૂર નથી. કોર્ટમાં જવા માટે પાસા બોર્ડના અભિપ્રાય સુધી રાહ જોવાનુ કહીને વ્યક્તિને મળતા હકોથી દૂર રાખી શકાય નહીં. પાસા હેઠળ અટકાયત કરાલેયી દરેક વ્યક્તિને તેને પડકારવાનો હક છે.

(8:08 pm IST)