Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ભરૂચ પાલિકાના લાઈટ બીલના રૂ. 60,000 ચાઉં કરનાર DGVCLના 4 કર્મચારીઓ સસ્પેન્ડ કરાયા

ભરૂચ પાલિકાએ ફેબ્રુ-2022 માં લાઈટ બીલમાં અગાઉ ભરેલા નાણા બાકી પડતા DGVCLમાં કમ્પ્લેઇન કરતા ભાંડો ફૂટ્યો

ભરૂચ : DGVCL વિભાગમાં આવેલી ભરૂચ સિટી ડિવિઝનમાં 2019-20ની સાલમાં લાઈટ બીલ ભરણું બાબતે  4 કર્મચારીએ ગોબાચારી કરી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. ભરૂચ DGVCLના સુપ્રિન્ટેન્ડેન્ટે ચાર કમર્ચારીઓને સસ્પેન્ડ કરી દેતા ખળભળાટ મચી ગયો છે. DGVCL વિભાગે વધુ તપાસ હાથ ધરતા ઘણા રહસ્યો બહાર આવે એમ લાગી રહ્યું છે.

તેમના વખતે ભરૂચ નગર પાલિકામાં ગ્રાહકોએ ભરેલા પૈસાનો ચેક અને તમામ ગ્રાહકોનો નંબર આપતા હતા. એ વખતે ગ્રાહકોના અંદાજે 60 હજારથી વધુ પૈસા DGVCLમાં તેઓ નહી ભરીને પોતાના ખાતામાં નાંખી દીધા હતા. જો કે પાલિકાને મોડે મોડે ખબર પડતા લેખિતમાં આ બાબતે સિટી ડિવિઝનને રજૂઆત કરી હતી. સિટી ડિવિઝનના કાર્યપાલકે રજેરજની તપાસ આદરતા ચારેય કર્મચારીના ગોબચારીનો મામલો બહાર આવ્યો હતો. ત્યારબાદ ભરૂચ સર્કલ કચેરીમાં સક્ષમ અધિકારીને આખો રિપોર્ટ મોકલી આપ્યો હતો. જે બાબતે ભરૂચ સુપ્રિન્ટેન્ડેન્ટ જે.એન.પટેલે ચારેય કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા હતા.

ભરૂચ નગર પાલિકામાં ફેબ્રુ-2022 ના રોજ DGVCLમાં એક લાઈટ બીલ આવ્યું હતું. જેમાં પાલિકાએ અગાઉના ભરેલા પૈસા પણ પેન્ડીંગ હોવાનું બતાવતા ભરૂચ પાલિકામાં લાઈટ બીલ ભરતા જવાબદાર કર્મચારીએ DGVCLની બેદરકારી છતી થઇ હતી. જે બાબતે ભરૂચ નગર પાલિકાના ચીફ ઓફિસર દ્વારા ભરૂચ સીટી DGVCL ડીવીઝનમાં લેખિતમાં કમ્પ્લેઇન એવી કરી હતી કે પાલિકાએ પૈસા ભરી દીધા હોય તેમ છતાં રનીંગ બીલમાં બાકી કેમ બતાવે છે.

આખો મુદ્દો સીટી DGVCL ડીવીઝનના કાર્યપાલક ઈજનેરે એકાઉન્ટ ઓફિસર પાસે ચેક કરાવતા ભરૂચ પાલિકાએ પૈસા ભર્યા હોવા છતાં DGVCL ચાર કલાર્કે અંદાજે રૂ.60 હજાર જેટલી રકમ ચાઉં કરી ગયા હોવાની સ્ફોટક વિગતો આપી હતી.

આખી ઘટનામાં માત્ર ભરૂચ નગર પાલિકામાંથી કમ્પ્લેઇન આધારે તપાસ કરી હતી. જો કે પ્રાઈવેટ ધારકો અને અન્ય કોઈ ગ્રાહકોએ આવી કોઈ ફરિયાદ ન કરી હોવા છતાં DGVCL કંપનીએ સસ્પેન્ડેડ ચારેય ક્લાર્કના કાર્યકાળમાં તમામ તપાસ કરવામાં આવશે.

DGVCLના ભરૂચ સર્કલ કચેરીના સુપ્રિન્ટેન્ડેન્ટ જે.એન.પટેલે જણાવ્યું હતું કે, ચારેય કર્મચારીઓ પૈસા ભરણું બાબતે ગોબાચારી થતા તાત્કાલિક અસરથી તમામને ફરજ મોકુફ કર્યા છે. જો કે હજુ આ બાબતે વધુ તપાસ કરીને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

(10:42 pm IST)