Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સફળ સ્ટાર્ટઅપ એ જ છે, જે સમસ્યાનું ખરા અર્થમાં સમાધાન લાવી શકે: દેશના યુવાનોમાં રહેલી ઊર્જા અને માનસિક ક્ષમતાનો યોગ્ય ઉપયોગ થાય, તો અનેક સમસ્યાઓના ઉકેલ હાથવેંતમાં : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ

ઈડીઆઈઆઈ ખાતે વિદ્યાર્થીઓ અને યુવા આંત્રપ્રિન્યોર્સ સાથે સંવાદ કરતાં કેન્દ્રીય મંત્રી: ગૂગલ જેવી કંપનીએ પણ ભારતના ડિજિટલ પ્લેટફોર્મ યુપીઆઈને અપનાવવું પડ્યું છે: ડિફેન્સ સાથે આશરે 100, રેલવેમાં 150થી વધુ, જ્યારે પોસ્ટલ બૅંક સાથે 80થી 90 જેટલાં સ્ટાર્ટઅપ્સ જોડાયા: દેશભરના 360 રેલવે સ્ટેશનોનું વર્લ્ડ ક્લાસ રિડેવલપમેન્ટ કરાશે : જેમાં ગુજરાતના અમદાવાદ, સુરત, ઉધના, વડોદરા, રાજકોટ, સોમનાથ સહિતના સ્ટેશનોનો સમાવેશ: એક જ ટ્રેક પર સામસામે આવતી બે ટ્રેનોનો અકસ્માત નિવારવા માટે ‘કવચ’ જેવી સ્વદેશી ટેક્નોલૉજી વિકસાવાઈ

અમદાવાદ : ડિજિટલ ઈન્ડિયા વીક-૨૦૨૨ અંતર્ગત કેન્દ્રીય રેલવે, ઈલેક્ટ્રોનિક એન્ડ આઈ.ટી. મંત્રી અશ્વિની વૈષ્ણવની ઉપસ્થિતિમાં ગાંધીનગરના ભાટ ગામ ખાતે ઈડીઆઈઆઈ-એન્ટરપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્ડિયા ખાતે દેશની સ્ટાર્ટઅપ ઈકોસિસ્ટમને વેગ આપવા માટે વિવિધ યુનિવર્સિટીઓ અને ઇન્ક્યુબેશન સેન્ટર્સમાંથી ઉપસ્થિત આશાસ્પદ સ્ટાર્ટઅપ્સ, ઉદ્યમીઓ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. તદુપરાંત, મંત્રીના હસ્તે વિવિધ ક્ષેત્રોમાંથી પસંદ કરાયેલા પાંચ જેટલા સ્ટાર્ટઅપ્સનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ તકે કેન્દ્રીય મંત્રીએ ‘કેમ છો?’ પૂછીને વિદ્યાર્થીઓ સાથે સંવાદ શરૂ કરતાં કહ્યું કે ગુજરાતમાં ઈડીઆઈઆઈ જેવી મોટી સંસ્થા હોય, તેનાથી મને આશ્ચર્ય નથી થતું, કારણ કે ગુજરાતીઓના તો લોહીમાં જ ધંધો છે. તેમણે ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમની સફળતા અંગે જણાવ્યું કે આજથી 10 વર્ષ પહેલાં જ્યાં દેશભરમાં માત્ર 300-400 સ્ટાર્ટઅપ્સ હતાં, ત્યાં આજે 75 હજાર જેટલાં સ્ટાર્ટઅપ્સ છે. જેમાંથી 103 તો યુનિકોર્ન છે. જે સંખ્યા સમગ્ર યુરોપના કુલ યુનિકોર્ન્સની સંખ્યાના બમણાં કરતાં પણ વધારે છે.
મંત્રીએ ઉમેર્યું કે દેશના યુવાનોમાં ગજબની ઊર્જા અને માનસિક ક્ષમતા છે. તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે, તો અનેક સમસ્યાઓનાં સમાધાન હાથવેંતમાં છે. યુવાનોની આ શક્તિને ઓળખીને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સાત વર્ષ પહેલાં ‘ડિજિટલ ઇન્ડિયા’નો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. જેના થકી આજે દેશભરના યુવાનોમાં હકારાત્મક સ્પર્ધા શરૂ થઈ છે અને દૈનંદિન નવાં સ્ટાર્ટઅપ્સ શરૂ થઈ રહ્યા છે.
તેમણે જણાવ્યું કે ભારતમાં રહેલી શ્રેષ્ઠ માનસિક શક્તિને સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. આ માટે તેમણે યુપીઆઈનું ઉદાહરણ આપતાં કહ્યું કે આ એક એવું પબ્લિક ડિજિટલ પ્લેટફોર્મ છે, જ્યાં કોઈ પણ જોડાઈ શકે છે અને દરેક વ્યક્તિ માટે તે યુઝેબલ છે. જેના પરિણામ સ્વરૂપ ગૂગલ જેવી કંપનીએ પણ યુપીઆઈ અપનાવવું પડ્યું છે. આ એક એવું દીર્ઘદૃષ્ટિપૂર્વકનું પગલું છે, જેનો પાયો આજે નાખ્યો છે, પણ તેનો લાભ વર્ષો સુધી લોકોને મળતો
રહેવાનો છે.
આ જ પ્રકારે ડિજિલોકર અને ઉમંગ જેવા પ્લેટફોર્મ્સ પણ છે. આ કડીમાં ડિજિટલ હેલ્થ મિશન સાથે આશરે 2500થી 3000 જેટલાં સ્ટાર્ટઅપ્સ જોડાઈ ચૂક્યા છે. જ્યારે આગામી સમયમાં લાખો સ્ટાર્ટઅપ્સ જોડાશે. આવી જ રીતે, એજ્યુકેશન, એગ્રિકલ્ચર, લોજિસ્ટિક્સ માટે પણ અનેક નવાં પ્લેટફોર્મ ઉપલબ્ધ બની રહ્યા છે. જેમની સાથે જોડાઈને અનેક આંત્રપ્રિન્યોર પોતાની ક્ષમતાઓનો યોગ્ય કરવાની સાથે તેમની ક્ષિતિજો વિસ્તારી રહ્યા છે.
મંત્રીશ્રી દેશની આગળ વધતી ઈકોસિસ્ટમની તાકાત વિશે જણાવતા કહ્યું કે આ તમામ નવાગંતુકોનું તમામ જોખમ-રિસ્ક સરકારે પોતાના માથે લઈ લીધું છે. જેમની પાસે કોઈ પણ સમસ્યાનું સમાધાન છે, નવું કરવાનો ઉત્સાહ છે, તેવા વિદ્યાર્થીઓ, નાના-મોટા કોઈ પણ નાગરિકો તેમાં જોડાઈ શકે છે.
આ જ રીતે રેલવે, પોસ્ટ, ડિફેન્સ સહિતના મોટા અને મહત્ત્વનાં ક્ષેત્રોમાં પણ સ્ટાર્ટઅપ્સની વધતી જતી સંખ્યા વિશે મંત્રીશ્રી કહ્યું કે ડિફેન્સ માટેની ડિફેક્સ પોલિસી સાથે આશરે 100 જેટલાં સ્ટાર્ટઅપ્સ જોડાયા છે, તો રેલવેમાં પણ 150 જેટલા સ્ટાર્ટઅપ્સ જોડાયા છે. જ્યારે પોસ્ટલ બૅંક સાથે પણ 80થી 90 જેટલાં સ્ટાર્ટઅપ્સ જોડાયાનું જણાવ્યું હતું.
મંત્રીશ્રીએ ડિજિટલ ઇન્ડિયા પ્રદર્શનનું ઉદાહરણ આપતા કહ્યું કે નવીન વિચાર અને સમાધાન સાથે આવનાર કોઈ પણને આવશ્યક સહાય અને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. જેના ઉદાહરણરૂપે તેમણે જણાવ્યું કે પ્રદર્શનમાં પ્લાસ્ટિક જેવી લાગતી બાયોડિગ્રેડેબેલ પ્લાસ્ટિક અને અન્ય ઓર્ગેનિક મટીરિયલની બોટલને ‘રેલનીર’ માટે રેલવેમાં મંજૂરી આપવાની તૈયારી દર્શાવી હતી. ત્યારે દેશ-દુનિયાની વિવિધ મુશ્કેલીઓના નિરાકરણ માટે વધુ ને વધુ આંત્રપ્રિન્યોર્સને આગળ આવવા માટે પણ અપીલ પણ કરી હતી.
આ તકે ઉપસ્થિત વિદ્યાર્થીઓ અને આંત્રપ્રિન્યોર્સના સવાલોના જવાબ આપતા મંત્રીશ્રીએ કહ્યું કે સફળ સ્ટાર્ટઅપ એ જ છે જે સમસ્યાનું ખરા અર્થમાં સમાધાન લાવી શકે. આ જ પ્રકારે જે કોઈ પણ નવી પ્રોડક્ટ બનાવવામાં આવે છે, તેની સર્વસ્વીકૃતિ પણ એટલી જ જરૂરી છે. તો સમગ્ર વિશ્વ તેને સ્વીકારશે.
તેમણે એમ પણ જણાવ્યું કે એવું જરૂરી નથી કે આજે શરૂ કરેલું કોઈ પણ સ્ટાર્ટઅપ રાતોરાત સફળતા મેળવી લે. આ પ્રક્રિયા ક્યારેક ધીમી પણ હોઈ શકે છે. આ માટે તેમણે એપલ કંપનીનું ઉદાહરણ આપ્યું હતું, જે એક સમયે સ્ટાર્ટ અપ તરીકે શરૂ થઈ હતી અને આજે સમગ્ર વિશ્વમાં ઓળખ મેળવી ચૂકી છે.
આ જ પ્રકારે વિશ્વમાં જ્યાં સૌથી વધુ દૈનિક ટ્રાન્ઝેક્શન્સ થાય છે, તેવા એક સ્વદેશી પ્લેટફોર્મ એટલે કે આઈઆરસીટીસીને લગતા પ્રશ્નનો ઉત્તર આપતા મંત્રીશ્રીએ કહ્યું કે ગત આઠ વર્ષ દરમિયાન ભારતીય રેલવેની સ્થિતિમાં જે સુધારો થયો છે, તે સ્પષ્ટ જોઈ શકાય છે. ટ્રેન અને સ્ટેશનોની સફાઈ, કામગીરી, સ્ટાફનો વ્યવહારુ અભિગમ બધું બદલાયું છે. તેમણે જણાવ્યું કે અમે પ્રારંભિક તબક્કે ત્રણ સ્ટેશનોના રિડેવલપમેન્ટનો પ્રયોગ કર્યો. જેમાં સફળતા મળ્યા બાદ હવે દેશભરના બીજા 360 રેલવે સ્ટેશનોના વર્લ્ડ ક્લાસ રિડેવલપમેન્ટનો પ્લાન છે.
જેમાં ગુજરાતના અમદાવાદ, સુરત, ઉધના, વડોદરા, રાજકોટ, સોમનાથ સહિતના સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આગામી સમયમાં નાના સ્ટેશનોનું પણ રિડેવપલમેન્ટ કરવામાં આવશે. રેલવેના ક્ષેત્રમાં લાવવામાં આવેલા આધુનિકીકરણની વાત કરતાં મંત્રીશ્રી વૈષ્ણવે જણાવ્યું કે આજે એક જ ટ્રેક પર સામસામે આવતી બે ટ્રેનોનો અકસ્માત નિવારવા માટે ‘કવચ’ જેવી સ્વદેશી ટેક્નોલૉજી વિકસાવવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે સ્ટાર્ટઅપ એટલે નવો ધંધો શરૂ કરવો એ નથી, પરંતુ કોઈ પણ સમસ્યાનો ઉકેલ લાવવો એ છે. આ માટે દૃઢ ઇચ્છાશક્તિ હોય, ત્યારે જ આંત્રપ્રિન્યોર સફળ થશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે આગામી સમય ‘ચિપ્સ’નો છે. સેમિકંડક્ટરક્ષેત્રે અમાપ સંભાવનાઓને રહેલી છે. જેને ધ્યાનમાં રાખીને જ વડાપ્રધાન દ્વારા 1લી જાન્યુઆરી, 2022ના રોજ 76 હજાર કરોડની સેમિકંડક્ટર પોલિસી અમલમાં મૂકવામાં આવી છે. જેના થકી રોજગારીની નવી તકો ઊભી થશે.
આજે દેશભરમાં 6 લાખ કરોડની આર્થિક ક્ષમતાની ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી થકી 25 લાખ લોકો રોજગારી મેળવી રહ્યા છે. આગામી પાંચ વર્ષમાં આ ઇન્ડસ્ટ્રીને 25 લાખ કરોડની બનશે તેમજ તેના કારણે 80થી 90 લાખ લોકોને રોજગારી મળવાનો આશાવાદ પણ મંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો. આના ડિઝાઇનિંગ માટે સ્ટાર્ટઅપ્સ અત્યંત મહત્ત્વના સાબિત થશે. જેના માટે જરૂરી પ્લેટફોર્મ સરકાર દ્વારા પૂરું પાડવાની ખાતરી મંત્રીએ આપી હતી.
આ તકે ગુજરાત સરકારના અગ્રસચિવ એસ.જે હૈદર, ઉચ્ચશિક્ષણ કમિશનર એમ. નાગરાજન, ઈડીઆઈઆઈના ડાયરેક્ટર જનરલ ડૉ. સુનિલ શુક્લા તેમજ ક્રેડલના ડાયરેક્ટર ડૉ.સત્યરંજન આચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

કેન્દ્રીયમંત્રીનો સંવેદનશીલ અભિગમ

દિવ્યાંગ આંત્રપ્રિન્યોરને સન્માનિત કરવા હોલની બહાર દોડી ગયા
ડિજિટલ વીક-૨૦૨૨ની ઉજવણી અંતર્ગત ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય રેલવે, આઈ.ટી અને ઇલેક્ટ્રોનિક મંત્રી અશ્વિની વૈષ્ણવે ઈડીઆઈઆઈ કેમ્પસ, ભાટ ખાતે આજે વિવિધ સ્ટાર્ટઅપ્સ સાથે સંવાદ કર્યો હતો તથા વિવિધ ક્ષેત્રના પાંચ જેટલા સ્ટાર્ટઅપને સન્માનિત કર્યા હતા. દરમિયાન, દિવ્યાંગો માટે વ્હીલચેર સ્કૂટરનું સ્ટાર્ટઅપ શરૂ કરનારા જિજ્ઞેશ શાહ નામના દિવ્યાંગ આંત્રપ્રિન્યોર સન્માન સ્વીકારવા માટે સ્ટેજ સુધી પહોંચી શકે તેમ ન હોવાનું ધ્યાને આવતા, મંત્રી સંવેદનશીલ અભિગમ દાખવીને હોલની બહાર દોડી ગયા હતા અને રૂબરૂ જઈને તેમનું સન્માન કર્યું હતું.

   
(8:10 pm IST)