Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

મહેસાણાની સાત દુકાનોમાં 31 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપવામાં આવ્યો

મહેસાણા: ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે સીંગલ યુઝ પ્લાસ્ટીકના ઉપયોગ અને વેચાણ ઉપર ૧ જુલાઈથી પ્રતિબંધ ફરમાવીને તેનો અમલ કરવા સંબંધિત વિભાગોને તાકીદ કરી હતી. તેના પગલે પાલિકાના સેનેટરી વિભાગે આળસ ખંખેરી હોય તેમ સોમવારે ૭ દુકાનોમાં રેડ કરીને ૩૧ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીકનો જથ્થો ઝડપીને તમામ દુકાનદારો પાસેથી રૃપિયા ૪ હજારના દંડની વસૂલાત કરી હતી. ગુજરાતમાં ૩૦ જૂન સુધીમાં સીંગલ યુઝ પ્લાસ્ટીકનો જથ્થો શૂન્ય કરીને ૧ જુલાઈથી ઉપયોગ અને વેચાણ ઉપર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. તેના પગલે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે રાજ્યની તમામ નગરપાલિકાઓને તેનો અમલ કરવા તાકીદ કરી હતી. પ્રતિબંધનો અમલ શરૃ થયાના ૪ દિવસ બાદ મહેસાણા પાલિકાના સેનેટરી વિભાગે આળસ ખંખેરી હોય તેમ સોમવારે જાગ્યા હતા. સોમવારે બપોર બાદ સેનેટરી વિભાગની ટીમે શહેરની ૭ દુકાનોમાં રેડ કરીને ૩૧ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટીક ઝડપી લીધુ હતુ. જ્યારે પ્રતિબંધિત પ્લાસ્ટીકનો ઉપયોગ અને વેચાણ કરવા બદલ સ્થળ ઉપરથી રૃપિયા ૪ હજારના દંડની વસૂલાત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ૭૫ માઈક્રોનથી ઓછી જાડાઈવાળી પ્લાસ્ટીકની ચીજવસ્તુઓ ઉપર પ્રતિબંધ ફરમાવીને તેનો અમલ કરવા તાકીદ કરાઈ છે.

(6:55 pm IST)