Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

ભરૂચ જિલ્લા કોંગ્રેસના મજબૂત નેતા મહેશ પરમારે કોંગ્રેસ છોડી :300 સમર્થકો સાથે ભાજપમાં જોડાયા

કામદાર યુનિયન ઇન્ટુકના પ્રમુખ અને છેલ્લા વિસ વર્ષથી અંગારેશ્વરમાં બિનહરીફ રીતે ડેપ્યુટી સરપંચ તરીકે સેવા આપતા મહેશ પરમારે કમલમ ઉપર સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ખેસ પહેર્યો

ભરૂચ જિલ્લા કોંગ્રેસના મજબૂત ગણાતા આગેવાન અને કામદાર યુનિયન ઇન્ટુકના પ્રમુખ અને છેલ્લા વિસ વર્ષથી અંગારેશ્વરમાં બિનહરીફ રીતે ડેપ્યુટી સરપંચ તરીકે સેવા આપતા મહેશ પરમારે સોમવારે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધું હતું.

આજે મંગળવારે સવારે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કેસરિયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાયા હતા. મહેશ પરમારે પોતાના 300 જેટલા સમર્થકો સાથે કોંગ્રેસના પંજાને બાય બાય કરી ભાજપના કમળને ધારણ કરતા કોંગ્રેસ છાવણીમાં વધુ એક ઝટકો લાગ્યો છે.

ભરૂચ જિલ્લામાં કોંગ્રેસનો આંતરિક વિખવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરમાં જ કોંગ્રેસના વરિષ્ઠ આગેવાનોએ એક પછી એક રાજીનામાં આપતા કોંગ્રેસ સંગઠન હચમચી ઉઠ્યું હતું. તેમાં પણ સોમવારના રોજ અંગારેશ્વરના ડેપ્યુટી સરપંચ અને કોંગ્રેસના મજબૂત આગેવાન તથા કામદાર નેતાએ રાજીનામુ આપતા કોંગ્રેસમાં ભુકમ્પ સર્જાયો હતો.

મહેશ પરમારના રાજીનામના પગલે જિલ્લા કોંગ્રેસના આગેવાનોએ તેમને મનાવવા પટાવવાની કવાયત મોડીરાત સુધી કરી હતી. પરંતુ મહેશ પરમાર પોતાના નિર્ણયમાં અડગ રહ્યા હતા. દરમ્યાન મહેશ પરમાર મંગળવારના રોજ પોતાના 300 જેટલા સમર્થકો સાથે ભાજપમાં જોડાતા ભરૂચ જિલ્લા કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે. મહેશ પરમાર તેમના સમર્થકો સાથે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાના નેતૃત્વમાં તેમના સમર્થકો સાથે ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે મહેશ પરમાર તથા કોંગ્રેસના પૂર્વ મહામંત્રી પ્રદીપસિંહ માટીએડા, કોંગ્રેસના આગેવાન જયદીપસિંહ માટીએડા, આદિવાસી આગેવાન કાલિદાસ વસાવા, ઐયુબભાઈ અબ્દુલભાઇ શેઠ તથા બિટીપીના ઉપપ્રમુખ મુકેશ બાબરભાઈ વસાવાનો કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા

મહેશ વસાવા ભરૂચ તાલુકાની પૂર્વપટ્ટીના લઘુમતી તથા એસ.સી., એસ.ટી. સમાજના આગેવાનો અને કાર્યકરો સાથે ભાજપમાં જોડાતા કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. જે રીતે કોંગ્રેસમાંથી આગળ પડતા આગેવાનો કોંગ્રેસને છોડી રહ્યા છે તે જોતા આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને તેની ઘાતક અસર ઉભી થશે. જ્યારે બીજી બાજુ ભાજપ વાગરા વિધાનસભામાં વધુ મજબૂત બને તેવી સંભાવના છે. ભરૂચ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ, BJP, AAP અને BTP વિધાનસભા ચૂંટણીઓની તૈયારીઓમાં વ્યસ્ત, કોંગ્રેસની ડેમેજ કંટ્રોલ માટે દોડધામ કરી રહ્યું છે

છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસ એસ.સી.અને એસ.ટી. સમાજને સતત અન્યાય કરતી આવી છે. તાજેતરમાં જ પ્રદેશ સંગઠનની રચનામાં એક જ સમાજના લોકોને હોદ્દાઓ આપ્યા હતા. જ્યારે બીજી બાજુ ભાજપ તમામ પ્રકારના વર્ગોને સાથે લઈ વિકાસ કરે છે. ભારતના રાષ્ટ્રપતિ તરીકે પહેલા લઘુમતી સમાજમાંથી ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ, એસ.સી. સમાજમાંથી રામનાથ કોવિદ અને હવે આદિવાસી સમાજમાંથી દ્રૌપદી મુરમુને રાષ્ટ્રપતિ બનાવ્યા છે. ભાજપ નાત જાતના ભેદભાવ વગર સૌને વિકાસની તક આપે છે. આ બધાથી આકર્ષાઈને ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને અપનાવી ભાજપમાં જોડાયો છું. કોંગ્રેસ જે વિચારધારા સાથે ચાલે છે અને ભાગલાવાદી વૃત્તિ અપનાવે છે તે જોતા આવનારા દિવસોમાં કોંગ્રેસ ભરૂચ જિલ્લામાંથી ખલાસ થઈ જશે.

(6:30 pm IST)