Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

બોર્ડ નિગમો માટે મંગાવેલા નામો અભેરાઇએઃ લડે નહિ તો નડે નહિ એવાની જ પસંદગી

મજબૂત દાવેદાર હોવા છતા ભાજપ ટીકીટ આપી શકે નહિ અથવા આપવા ઇચ્‍છે નહિ તેને બોર્ડ નિગમોમાં સમાવવા પડે તેવા સંજોગોઃ ચૂંટણી પહેલા જાહેરાત

રાજકોટ તા. પઃ રાજય સરકાર દ્વારા બોર્ડ નિગમોમાં નિમણુંકો માટે વધુ એક વખત વિચારણા શરૂ થયાનો વર્તારો છે કયારે કેટલી અને કોની નિમણુંકો થશે તે હજુ નકકી નથી પણ વર્ષ ર૦રર ના પ્રારંભે જિલ્લાવાર મંગાવેલા નામોએક બાજુ મુકી ધારાસભાની ચૂંટણીના સમય સંજોગોને આધીન પસંદગી કરવી પડે તેવા સંજોગો છે. ચૂંટણીમાં નારાજ થઇ ભાજપને નડી શકે તેવાને સાચવી લેવાય તેવી શકયતા છે. જાન્‍યુઆરીમાં રાજીનામાં લઇ લેવાયા હતા.

વિધાનસભાની આગામી ચૂંટણીમાં લાભ મેળવવા માટે ભાજપે બોર્ડ નિગમમાં નિમણુંકો માટે પણ ધારાધોરણો ઘડયા છે જેમ કે જ્ઞાતિ-સામાજિક પ્રભુત્‍વ ધરાવતા નેતાની પ્રથમ પસંદગી કરવામાં આવશે. આ ઉપરાંત ભાજપના સંગઠનમાં હોદ્દો ધરાવતા હશે તેને તક નહિ મળે. આમ છતાંય પસંદગી કરશે તો સંગઠનના હોદ્દા પરથી રાજીનામું આપવું પડશે. ગત વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે લાયક હતા પણ છેલ્લી ઘડીએ પડતા મુકાયા હોય સાથે સાથે મત વિસ્‍તારમાં રાજકીય પ્રભુત્‍વ ધરાવતા હોય તેનેય સ્‍થાન મળી શકે છે. સાથે સાથે આ વખતે પક્ષના સર્વેમાં વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે મજબૂત દાવેદાર હોય પણ પક્ષ ટિકિટ આપવા ઇચ્‍છુક નથી તેવા દાવેદારને પણ બોર્ડ નિગમમાં ચેરમેન કે ડિરેકટર પદ આપીને સાચવી લેવા નકકી કરાયું છે. બોર્ડ નિગમમાં મોટા ભાગે નવા ચહેરાઓને જ સ્‍થાન આપવામાં આવી શકે છે. પપ જેટલા નામો નકકી થઇ રહ્યાનું કહેવાય છે. ર૦૧૭માં ધારાસભાની ચૂંટણી જાહેર થવાના બે દિવસ પૂર્વે ૧૮ ચેરમેનો જાહેર થયા હતા. આ વખતે પણ સમય-સંજોગો જોઇને જ નામની જાહેરાત કરવામાં આવશે. વર્તમાન કેટલાક ધારાસભ્‍યોને બોર્ડ નિગમમાં સ્‍થાન અપાય તો ધારાસભાની ચૂંટણીમાં નવા ચહેરાઓને તક મળશે પાર્ટીએ ઓફ લાઇન અને ઓનલાઇન મંગાવેલી યાદીમાં ધરખમ ફેરફાર થઇ જવાની શકયતા છે.

(3:56 pm IST)