Gujarati News

Gujarati News

News of Tuesday, 5th July 2022

સાસરિયાના ત્રાસથી પરિણીતાએ ગળેફાંસો ખાધો : પતિ, દિયર અને સાસુ-સસરા સામે આત્મહત્યા દૂષ્પ્રેરણાની ફરિયાદ નોંધાઈ

પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી : પતિ અને દિયર મહિલાને ગાળો આપી પિતા પાસે પૈસાની માંગણી કરવા દબાણ કરતાં હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ

અમદાવાદ તા.04 : અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતી એક પરિણીતાને તેનો પતિ, દિયર અને સાસુ-સરા પોતાના પિતા પાસેથી પૈસાની  માંગણી  કરવા દબાણ  કરતાં અને ગંદી ગાળો બોલી ત્રાસ આપતા મહિલાએ આપઘાત કરી લીધો હોવાની ફરિયાદ પોલીસ મથકમાં નોંધાઈ છે. જેને લઈ પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી છે.

ગઇકાલે સાંજના સમયે ચાંદખેડામાં એક પરિણીતાએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધો હતો. પરિણીતાના પિતા પુરણભાઈને જમાઈ આશિષ મકવાણાનો ફોન આવ્યો હતો અને તાત્કાલિક ચાંદખેડામાં આવેલ એક ખાનગી હોસ્પિટલમાં બોલાવ્યા હતા. જ્યાં પહોંચતા તેઓની દિકરી રોશનીએ ગળેફાંસો ખાઈ આપધાત કર્યો હોવાની જાણ થઈ હતી. જેથી આ મામલે દિકરીનાં સાસરિયાઓ સામે આત્મહત્યા દૂષ્પ્રેરણાની ફરિયાદ મહિલાના પિતાએ નોંધાવતા ચાંદખેડા પોલીસે ગુનો નોંધી આરોપી પિતા અને સસરાની ધરપકડ કરી છે.

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, રાણીપ વિસ્તારમાં રહેતી રોશની ઉર્ફે પાયલએ વર્ષ 2020માં ચાંદખેડામાં રહેતા આશિષ મકવાણા નામનાં યુવક સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ રોશની જ્યારે પિતાનાં ઘરે આવતી હતી. ત્યારે પતિ, સાસુ-સસરા અને દિયર દ્વારા ઘરકામ બાબતે અવારનવાર તકરાર કરી માનસિક ત્રાસ અપાતા હોવાની ફરિયાદ કરતી હતી. તેમજ સાસુ સસરાની ચઢામણીથી પતિ અને દિયર તેને ગંદી ગાળો બોલીને માર મારતા હોવાનું પણ જણાવતી હતી. એટલું જ નહીં રોશની છેલ્લાં 9 મહિનાથી બીમાર હોય તો સાસરિયાઓ તેની સારવાર પણ કરાવતા ન હતા અને દવા માટે પૈસા પણ આપતા ન હતા. જેથી રોશની જ્યારે પણ પિતાનાં ઘરે આવતી ત્યારે પતિને પૈસાની જરૂર છે અને સાસરિયાઓ સારવારનાં પૈસા પિતા પાસેથી લાવવા માટે દબાણ કરતા હોવાની આપવિતી જણાવતી હતી. જેનાં કારણે ફરિયાદી પુરણભાઈ દિકરી રોશની જ્યારે પણ ઘરે આવતી તેને પૈસા આપતા હતા.

પરિણીતાનો પતિ આશિષ મકવાણા તેની પત્ની પર શક વહેમ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપતો હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી પતિ છૂટક મજૂરી કરતો હતો અને યુવતીના પિતા સરકારી નોકરી કરતા હોવાથી યુવતીને ઘરેથી પૈસા લાવવા માટે પતિ આશિષ અને સસરા દબાણ કરતા હતા. હાલ પોલીસે પતિ અને સસરાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

(10:37 pm IST)