Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

ગાંધીનગર:કલોલના ગાયત્રી મંદિર નજીક મોર્નિંગ વોકમાં નીકળેલ મહિલાને પુરપાટ ઝડપે જતી કારે હડફેટે લેતા કરુણ મોત

ગાંધીનગર; જિલ્લાના માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે કલોલના વીમા યોજના દવાખાના પાસે ચાલવા માટે નીકળેલી મહિલાને પુરઝડપે જતી કારે અડફેટે લેતાં શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને સારવાર માટે સિવિલમાં ખસેડાતાં તબીબે મૃત જાહેર કર્યા હતા. આ સંદર્ભે કલોલ શહેર પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે.   

આ અકસ્માતની ઘટના સંદર્ભે કલોલના ગાયત્રી મંદિર પાસે સોપાન-રમાં આર-ર૦૩માં રહેતા વિપુલભાઈ અશોકભાઈ બારોટે ફરીયાદ નોંધાવી હતી કે તેમના પરિવારમાં પત્નિ નિલમબેન અને ૧૪ વર્ષીય પુત્ર યશનો સમાવેશ થાય છે. ગઈકાલે રાત્રે નવ વાગ્યે તેઓ ઘરે હતા તે દરમ્યાન તેમના મિત્ર એમીશ બારોટનો ફોન આવ્યો હતો અને પુછયું હતું કે ભાભી કયાં ગયા છે જેથી તેમણે કહયું હતું કે તે જમીને ચાલવા માટે નીકળ્યા છે. એમીશે તેમને તાત્કાલિક ગાયત્રી મંદિર બોલાવ્યા હતા અને કહયું કે ભાભીને અકસ્માત થયો છે. વિપુલભાઈ બાઈક લઈને તાત્કાલિક ત્યાં પહોંચ્યા હતા પરંતુ કોઈ મળ્યું નહોતું. જેથી કલોલ સિવિલમાં પહોંચ્યા ત્યારે તેમના પત્નિ નિલમબેન સ્ટ્રેચર ઉપર મૃત હાલતમાં હતા. જેથી આ સંદર્ભે તપાસ કરતાં નિલમબેન વીમા યોજના દવાખાના પાસે રસ્તો ઓળંગતા હતા ત્યાં મહેસાણા તરફથી પુરઝડપે આવી રહેલી કાર નં.જીજે-૦૧-એચવાય-૪૭૫૨ના ચાલકે  ટક્કર મારી અકસ્માત સર્જયો હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ અંગે કલોલ શહેર પોલીસે કારના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ શરૃ કરી છે. 

(6:16 pm IST)