Gujarati News

Gujarati News

News of Friday, 5th March 2021

કલોલમાં કારનો કાચ તોડી તસ્કરો દસ લાખ ભરેલ બેગ તફડાવી છુમંતર થઇ જતા પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરી

ગાંધીનગર:જિલ્લામાં ઘરફોડ ચોરીની સાથે હવે નાની મોટી ચોરીઓ કરતી ટોળકી પણ સક્રિય થઈ છે. છેલ્લા થોડા સમયથી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં કારના કાચ તોડીને તેમાંથી કિંમતી મુદ્દામાલની પણ ચોરી કરવામાં આવી રહી છે ત્યારે કલોલ શહેરમાં જ કારનો કાચ તોડીને દસ લાખની ચોરીની ઘટના બની છે. જે અંગે મળતી વિગતો પ્રમાાણે કલોલના બોરીસણા રોડ ઉપર શક્તિ સૌદર્ય ફલેટ એ-૩૦૩માં રહેતા રાજેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાજપૂત કલોલ જીઆાઈડીસીમાં આરવી પ્લાસ્ટિકની ફેકટરી ચલાવે છે. ગઈકાલે તેઓ નિત્યક્રમ મુજબ ફેકટરીએ ગયા હતા અને બપોરન સમયે તેમની કાર નં.જીજે-૧૮-બીએલ-૭૧૬૦ લઈને ઘરે જમવા માટે આવ્યા હતા. ત્યારબાદ બપોરે ત્રણ વાગ્યે તેઓ ફરી ફેકટરી જવા માટે નીકળ્યા ત્યારે કારમાં ડ્રાઈવર સાઈડની પાછળના ભાગે આવેલો દરવાજાનો કાચ તુટી ગયો હતો અને કારમાં તપાસ કરતાં તેમના મિત્ર પાસેથી લીધેલા પાંચ લાખ અને મજુરોને ચુકવવાના પાંચ લાખ એમ દસ લાખ અને અગત્યના ડોકયુમેન્ટ ભરેલું પર્સ ગાયબ હતું. જેથી આ ઘટના સંદર્ભે તેમણે તુરંત જ કલોલ શહેર પોલીસને જાણ કરતાં પોલીસે સ્થળ ઉપર પહોંચી તેમની ફરીયાદના આધારે ગઠીયાઓની શોધખોળ આદરી છે. આસપાસના સીસીટીવી ફુટેજની પણ પોલીસ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. ગઠીયાઓએ તેમનો ફેકટરીએથી પીછો કર્યો હોવાની શંકા સેવાઈ રહી છે.

(6:16 pm IST)