Gujarati News

Gujarati News

News of Sunday, 5th February 2023

આર્ય સમાજ કોઈ ધર્મ નથી, એક આંદોલન છે:યુવાનોને નશામુક્ત કરવા અને ગૌ-કૃષિ બચાવવા મિશનની માફક કામ કરવાની આવશ્યકતા :આચાર્ય દેવવ્રતજી

આર્ય સમાજ,ખરડમાં આયોજિત આઝાદીના અમૃતકાળ ઉત્સવમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ

અમદાવાદ :રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આર્ય સમાજના સ્થાપક ઋષિ દયાનંદ સરસ્વતીજીએ વર્ષો પહેલાં સમાજ સુધારણા માટે અભિયાન આદર્યું હતું. આજે પુનઃ દેશના યુવાનોને નશામુક્ત કરવા અને ગૌ-કૃષિ બચાવવા એવા જ અભિયાનની આવશ્યકતા છે. દેશ અને દુનિયાના આર્ય સમાજના લોકોને આ માટે મિશનની માફક કામ કરવા તેમણે આહ્વાન કર્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આગામી 12મી ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની ઉપસ્થિતિમાં ઋષિ દયાનંદજીના દ્વિશતાબ્દી મહોત્સવનો શુભારંભ થશે, જેમાં ભારતભરના અને વિદેશના 35,000 જેટલા લોકો ઉપસ્થિત રહેશે. આગામી બે વર્ષ દરમિયાન સમગ્ર વિશ્વમાં જ્યાં-જ્યાં પણ આર્ય સમાજ કાર્યરત છે ત્યાં
ઋષિ દયાનંદજીએ દાખવેલી સમાજ સુધારણાની પ્રવૃત્તિ હાથ ધરાશે. ઋષિ દયાનંદજીના વિચારો માટે વિશ્વવ્યાપી આંદોલન હાથ ધરાશે.
આઝાદીના અમૃતકાળ અંતર્ગત આર્ય સમાજ, ખરડ, પંજાબ દ્વારા સાત દિવસના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવના સમાપન સમારોહમાં વર્ચ્યુઅલી સંબોધન કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આર્ય સમાજ કોઈ ધર્મ નથી, આર્ય સમાજ એક આંદોલન છે. ૠષિ દયાનંદજીએ લુપ્ત થઈ ગયેલી વેદોની પ્રાચીન પરંપરાનો આધાર લઈને સમાજ સુધારણા માટે મોટું કામ કર્યું હતું અને સ્વસ્થ સમાજનું નિર્માણ કર્યું હતું.
તે સમયે દેશ સામે અનેક પડકારો હતા. ભારત ગુલામ હતો, મહિલાઓને શિક્ષણની છૂટ નહોતી, અસ્પૃશ્યતા ચરમસીમાએ હતી, અંગ્રેજોએ ગુરુકુળ પરંપરા નષ્ટ કરી નાખી હતી, ગરીબીનું તાંડવ હતું; આવી તમામ સમસ્યાઓ સામે ૠષિ દયાનંદજીએ બુલંદ અવાજે સમાજ સુધારણાનું અભિયાન ચલાવ્યું. આર્ય સમાજીઓએ તન-મન-ધનથી યોગદાન આપ્યું. ગુરુ સ્વામી શ્રદ્ધાનંદજીએ ગુરુકુળ પરંપરાનો આરંભ કર્યો અને અન્ય શિષ્યોએ ડી.એ.વી. ચળવળથી સ્કૂલો, કોલેજોની શરૂઆત કરી. આખા દેશમાં શિક્ષણ અને ભણતરનો વ્યાપ વધાર્યો. ઋષિ દયાનંદજીના વિચારોથી પ્રભાવિત થઈને રામપ્રસાદ બિસ્મિલ, સરદાર ભગતસિંહ, લાલા લજપતરાય જેવા યુવાનો આગળ આવ્યા અને દેશ માટે બલિદાન આપ્યું. ઋષિ દયાનંદજીએ વૈજ્ઞાનિકતાથી સમાજના કુરિવાજો દૂર કર્યા. ભારતની દીકરીઓને શિક્ષણ મળે તેવી શરૂઆત કરાવી. આજે ભારતની દીકરીઓ હર એક ક્ષેત્રમાં નવા કીર્તિમાન પ્રસ્થાપિત કરી રહી છે તેના પાયામાં ઋષિ દયાનંદજીની દુરંદેશી અને એમણે કરેલું કામ છે.
 આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ૠષિ દયાનંદજીએ શિક્ષણ અને સમાજ સુધારણાથી દેશમાં નવી ચેતના, નવા જાગરણના બીજ આરોપ્યા હતા. આજે પુનઃ સમાજ માટે ઘણું કામ કરવાની આવશ્યકતા છે. ડ્રગ્સ અને નશાના કુસંગે ચડેલા યુવાનોનું ભવિષ્ય બરબાદ થઈ રહ્યું છે. આર્ય સમાજે આ માટે જનઆંદોલન ઊભું કરવું પડશે. તેમણે આર્ય સમાજના સમાજ સુધારકોને સ્કૂલો, કોલેજો અને યુનિવર્સિટીઓમાં જઈને યુવાનોને નશાના દુષ્પરિણામોની જાણકારી આપવા અને તેમને નશામુક્ત કરવા જનઆંદોલન ચલાવવા આહવાન કર્યું હતું. ઋષિ દયાનંદજી કહેતા કે, જે બુદ્ધિને નષ્ટ કરનાર છે એવા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ. આપણે સૌએ સાથે મળીને આ દિશામાં કામ કરવાની આવશ્યકતા છે.
ૠષિ દયાનંદજીએ 1875માં મુંબઈમાં આર્ય સમાજની સ્થાપના કરી હતી, તેના બે વર્ષ પહેલાં એમણે ગૌ-કૃષિ આદિ રક્ષિણી સભાની રચના કરી હતી. ગાય અને કૃષિ તેમને મન મહત્વના હતા. આજે ફરી એવો સમય આવ્યો છે કે ગાય અને પ્રાકૃતિક કૃષિ ભારતની સમૃદ્ધિનો માર્ગ પ્રશસ્ત કરી રહી છે. એમ કહીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, રાસાયણિક ખાતરો, કીટનાશક દવાઓ અને પેસ્ટીસાઈડ્સના બેફામ ઉપયોગને કારણે પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે, સંશોધકો કહે છે કે માના દૂધમાં પણ પેસ્ટીસાઈડ્સ મળ્યા છે, જે ગર્ભસ્થ શિશુના બ્રેઈનને નુકસાન પહોંચાડે છે. રાસાયણિક ખાતરોના ઉપયોગથી અનાજની ગુણવત્તા બગડી છે, પરિણામે અનેક રોગો જોવા મળી રહ્યા છે. સંશોધન કહે છે કે, ગ્લોબલ વોર્મિંગ માટે રાસાયણિક ખેતી 24% જવાબદાર છે. રાસાયણિક ખેતીથી પાણી, હવા અને ભૂમિ પ્રદૂષિત થઈ છે. જમીનની ગુણવત્તા બગડી રહી છે, અને અનાજમાં ઝેરી તત્વો ઉમેરાઈ રહ્યા છે. આ તમામ સમસ્યાઓનું સમાધાન ગૌમાતા આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ છે. આર્ય સમાજ આ વિષયને પ્રત્યેક ખેડૂત સુધી, દરેક ઘર સુધી લઈ જવા મિશનની માફક કામ કરે. આર્ય સમાજના લોકો ટીમ બનાવીને ગામેગામ જઈને ખેડૂતોને અને લોકોને પ્રાકૃતિક કૃષિ માટે પ્રેરિત કરશે તો માનવતાનું ભલું થશે.
રાજયપાલ આચાર્ય દેવવ્રતજીએ આર્ય સમાજની પ્રત્યેક સ્કૂલમાં આર્ય વીરદળની શાખાઓ શરૂ કરવાનો પણ અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, નવી પેઢીને સ્વામી દયાનંદના વિચારોથી સુપરિચિત કરાવવાની આવશ્યકતા છે. યુવાનો નિર્વ્યસની થશે તો પરિવાર ઉન્નત થશે. એક પરિવાર સુધરશે તો સમાજની ઉન્નતિ થશે અને ઉન્નત સમાજથી જ દેશની ઉન્નતી શક્ય છે

(7:13 pm IST)