Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

ફોટોગ્રાફી કારકિર્દીનો સર્કસ મારો પહેલો પ્રેમ છે : વિવેક

દેશભરમાં સર્કસ ઉદ્યોગની હાલત દયનીયઃ જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઇએ છેલ્લા ૧૫ વર્ષોમાં સર્કસ અંગે કરેલી ફોટોગ્રાફીનું સાતમીથી અનોખુ પ્રદર્શન

અમદાવાદ,તા.૫, ગુજરાત સહિત દેશભરમાં સર્કસ ઉદ્યોગની હાલત દયનીય અને અતિશય કફોડી બની છે, આશરે વીસ વર્ષો પહેલાં જયાં દેશમાં ૧૨૭થી વધુ સર્કસ ધમધમતા હતા અને તેનો સોનેરી જમાનો હતો ત્યાં આજે માંડ ૨૦ જેટલા સર્કસ જ માંડ માંડ બચી રહ્યા છે. સર્કસનો આ ઐતિહાસિક અને જાજરમાન વારસો જાળવવો ખૂબ અગત્યનો છે પરંતુ ઘણા પરિબળોને કારણે આજે સર્કસ મૃતઃપ્રાય હાલતમાં જતા રહ્યા છે. છેલ્લા પંદર વર્ષોમાં દેશભરના જુદા જુદા સર્કસોની મુલાકાત, તેના અભ્યાસ અને તેની સાથે વીતાવેલા જીવન બાદ લીધેલી આશરે ચાર હજારથી વધુ તસવીરોમાંથી કેટલીક દુર્લભ અને અલભ્ય એવી તસ્વીરો સર્કસના સુવર્ણકાળ અને તેની આગવી મહત્વતાને દર્શાવી જાય છે. સર્કસ મારી ફોટોગ્રાફી કારકિર્દીનો પહેલો પ્રેમ છે અને પહેલો પ્રેમ કયારેય ભૂલી શકાતો નથી એમ જાણીતા ફોટોગ્રાફર અને નવજીવન ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી વિવેક દેસાઇએ એક ખાસ વાતચીતમાં જણાવ્યું હતું. અમદાવાદ શહેર સહિત રાજયના પ્રજાજનોને સર્કસની યાદો જીવંત થાય અને તેના ગૌરવવંતા ઇતિહાસને નજીકથી નિહાળી શકાય તે હેતુથી તા.૭મી જાન્યુઆરીથી તા.૪થી ફેબ્રુઆરી સુધી શહેરના નવજીવન ટ્રસ્ટ ખાતે સત્ય આર્ટ ગેલેરીમાં જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઇનું સરકસ અને હું વિષય પરનું અનોખુ ફોટોગ્રાફી પ્રદર્શન ખૂલ્લુ મૂકાનાર છે. સર્કસપ્રેમી અને કલાપ્રેમી જનતા માટે બહુ દુર્લભ અને આકર્ષક તસ્વીરોના આ પ્રદર્શન નિહાળવાનો ઉમદા લ્હાવો છે. દરમ્યાન સર્કસ વિશે ફોટોગ્રાફીનો વિચાર કેવી રીતે સ્ફુર્યો એવા એક પ્રશ્નના જવાબમાં જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઇએ જણાવ્યું હતું કે, શાળાના દિવસોમાં સ્કૂલમાંથી મળેલી કન્સેશન કૂપનો લઇને સર્કસમાં જવાનું યાદ છે પરંતુ કારકિર્દીના શરૂઆતના વર્ષોમાં એક દિવસ સર્કસના દ્રશ્યો નજર સામે આવ્યા ને.મનને કયાંય લટાર મારવાનું મન થયું. સાબરમતી નદીના પટમાં સ્કુટર લઇને ગયો અને ત્યાં સ્કુટર પાર્ક કરી કેમેરાનો લેન્સ ઝુમ કરી નદીના પટમાં દેખાતા સર્કસની પહેલી કલિક થઇ.  દરમ્યાન હું એક અખબારમાં ફોટો એડિટર હતો ત્યારે રક્ષાબંધનના તહેવાર વખતે જિમનાસ્ટ છોકરી સર્કસના જોકરને રાખડી બાંધે છે એવો ફોટો કલિક કરવાનું નક્કી કર્યુ, થોડી સમજાવટ પછી જેમિની સર્કસના આ બંને કલાકારોને આ પ્રકારના ફોટા માટે તૈયાર કર્યા. આ ફોટો અખબારના છેલ્લા પાને છપાયો. બસ તેનાથી જોરદાર પ્રોત્સાહન મળ્યું અને સર્કસ વિષય પર ફરીફરીને ખુંદી વળવાની અને કેમેરામાં કંડારવાની અનોખી ઉત્કંઠા જાગી. છેલ્લા પંદર વર્ષોમાં મેં મુંબઇ, દિલ્હી, હરિયાણા, નાસિક, અમદાવાદ સહિતના સંખ્યાબંધ શહેરોમાં જયાં જયાં સર્કસના તંબુ લાગ્યા ત્યાં ભ્રમણ કરી તેની યાદો કેમેરામાં કંડારી. સર્કસનો જાજરમાન ઇતિહાસ ભૂલાઇ ના જાય અને તેનું અસ્તિત્વ મટી ના જાય તે માટે હું સદાય પ્રયત્ન કરતો રહીશ. આ મુદ્દે આગામી દિવસોમાં રાજય સરકારથી માંડી કેન્દ્ર સુધી રજૂઆત કરી લોકજાગૃતિ કેળવાય તેવું અભિયાન છેડવાનું મારું આયોજન છે એમ જાણીતા ફોટોગ્રાફર વિવેક દેસાઇએ ઉમેર્યું હતું.

(10:16 pm IST)