Gujarati News

Gujarati News

News of Friday, 5th January 2018

FRCમાં દરખાસ્ત કરવા ખાનગી શાળાઓના સંચાલકોને તાકીદ

ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે શાળા સંચાલક મહામંડળ દ્વારા સુપ્રિમ કોર્ટમાં અપીલ કરી છે ત્યારે :ન્યુએરા સ્કુલ ખાતે સૌરાષ્ટ્ર ઝોન એફઆરસી સભ્યો અને શાળા સંચાલકો વચ્ચે બેઠક મળીઃ ફી પ્રશ્ને વાલી-સંચાલકો વચ્ચે ભારે દ્વિધા

રાજકોટ, તા., પઃ ગુજરાતમાં તમામ વર્ગના બાળકોને સારૂ શિક્ષણ મળે તે માટે રાજય સરકારે ફી નિયમન વિધેયક લાવ્યું હતું. આ વિધેયકમાં કેટલીક ક્ષતિ રહી ગઇ હોય ખાનગી શાળાના સંચાલકોએ આ વિધેયક સામે હાઇકોર્ટમાં અપીલ કરી હતી.  ગુજરાત હાઇકોર્ટે વાલીઓ અને સરકારની તરફેણમાં ચુકાદો આપી ખાનગી શાળાના સંચાલકોને ફટકાર લગાવી હતી.

ગુજરાત હાઇકોર્ટના ચુકાદા સામે શાળા સંચાલક મહામંડળ સુપ્રિમ કોર્ટમાં ન્યાય માટે અપીલ દાખલ કરી છે. ત્યારે સરકાર અને ફી નિર્ધારણ કમીટીએ ખાનગી શાળાના સંચાલકો સાથે બેઠક કરીને ૧૭ જાન્યુઆરી સુધીમાં દરખાસ્ત કરી દેવા તાકીદ કરી હોવાનું જાણવા મળે છે.

ગઇકાલે શાળા સંચાલક મંડળના પ્રમુખ અજયભાઇ પટેલની ન્યુએરા સ્કુલ ખાતે સૌરાષ્ટ્ર ઝોન ફી કમીટીના સભ્યો અને ખાનગી શાળા સંચાલકો વચ્ચે બેઠક મળી હતી. બેઠકમાં ખાનગી શાળા સંચાલકોને ૧૭ મી જાન્યુઆરી સુધી ફી વધારાની દરખાસ્ત કમીટી સમક્ષ કરી દેવા સમજાવવામાં આવ્યા હતા. શાળા સંચાલકોએ પણ તેમની વ્યથા વ્યકત કરી જણાવ્યું હતું કે, ગુણવતાયુકત શિક્ષણ તેમજ શિક્ષકોનો પગાર, અન્ય ખર્ચા આટલી નજીવી ફીમાં પરવડે તેમ ન હોય તેવી લાગણી વ્યકત કરી હતી. બેઠકમાં તડાપીટ બોલી હોવાનું પણ વ્યાપક ચર્ચા ચાલી છે.

બેઠકમાં સૌરાષ્ટ્ર ઝોન ફી કમીટીના ચેરમેન એમ.પી.શેઠ, ડી.વી.મહેતા, હિતેષભાઇ શાહ, ડી.ડી.છનીયારા અને શાળા સંચાલક મંડળના અજયભાઇ પટેલ, જતીનભાઇ ભરાડ, અવધેશભાઇ કાનગડ, મેહુલભાઇ પરડવા, રશ્મીકાંતભાઇ મોદી, કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, ભરતભાઇ ગાજીપરા, સુદીપભાઇ મહેતા, વિપુલભાઇ પાનેલીયા સહિતના ઉપસ્થિત રહયા હતા.

દરમિયાન ફી નિયમનનો કડક અમલ કરાવવા રાજય સરકાર મક્કમ હોવાનું ચિત્ર ઉપસ્યું છે. રાજમાર્ગો તેમજ અખબારોમાં જાહેર વિજ્ઞપ્તી પ્રસિધ્ધ કરાવી છે. જેમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્વનિર્ભર શાળાઓ (ફી નિયમન) અધિનિયમન ર૦૧૭ હેઠળના નિયમો અને આનુસાંગિક અધિસુચનાઓ બહાર પાડવામાં આવેલ. નામદાર હાઇકોર્ટે ૧૭-૧ર-૧૭ના ચુકાદાથી આ અધિનિયમન જાહેરનામાને બંધારણીય અને કાયદેસરના ઠેરવવામાં આવેલ છે. આ અધિનયમનની જોગવાઇઓ વર્ષ-ર૦૧૭-૧૮ના વર્ષથી લાગુ પડશે.

દરમિયાન અમદાવાદ, વડોદરા, સુરતમાં જીલ્લા શિક્ષણાધીકારી દ્વારા ફી નિયમન અંગે કેટલીક સ્પષ્ટતા કરી છે જેમાં ર૦૧૭ થી સ્કુલ છોડનાર વિદ્યાર્થીઓને ફીના તફાવતની રકમ પરત આપવાની રહેશે. ફી વિધેયકનો અમલ ર૦૧૭થી જ કરાશે.

(4:38 pm IST)