News of Sunday, 4th December 2022
વડોદરા: ગુજરાત વિધાનસભાની ચૂંટણી શાંતિમય વાતાવરણમાં થાય તે માટે ગુજરાત પોલીસ છેલ્લા કેટલાક સમયથી કામે લાગેલી જોવા મળી રહી છે. ચૂંટણીને લઈ વડોદરામાં પણ ક્રાઈમ બ્રાન્ચની ટીમ સહિત પોલીસનો સ્ટાફ સરકારી તથા ખાનગી વાહનોના પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન શહેર નજીક રણોલીના મિલન પેટ્રોલપંપના સંકુલમાં પડેલી ફોર્ચ્યૂનર સહિત બે કારમાંથી દારૂનો જથ્થો પકડાતાં રાજકીય મોરચે અફરાતફરી મચી ગઇ હતી. ઘટનાની જાણ થતાં પોલીસ દ્વારા એકની ધરપકડ કરવામાં આવી છે.
પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, વડોદરા પોલીસ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીદાર દ્વારા પોલીસને માહિતી આપવામાં આવી હતી કે, રણોલી મિલન પેટ્રોલપંપ સંકુલમાં બે કારમાં મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂ રાખવામાં આવ્યો છે. જેમાં કારનો માલિક રાજુ રબારી(રહે. વડોદરા) પોતાના આર્થિક ફાયદા માટે ગેરકાયદેસર રીતે વગર પાસ પરમીટનો ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલો તથા બીયરનો જથ્થો ગાડી સાથે આરોપી દીલીપસિંહ રમેશભાઈ પરમારને આપી જીઆઈડીસી મિલન પેટ્રોલપંપ કંપાઉન્ડના પાછળના ભાગે લઈ જવા જણાવ્યું હતું. જેથી જવાહર નગર પોલીસ મથકના પીઆઇ વાય.એમ.મિશ્રા પોલીસ કાફલા બાતમીની હકીકત જાણવા માટે સ્થળ પર પહોંચ્યા હતા. જ્યાં સ્થળ પર પહોંચી બાતમીમાં જણાવવામાં આવેલી કારોની તપાસ કરતા બંન્ને કારોમાંથી મોટી માત્રામાં ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
બંન્ને ગાડીઓમાંથી મોટી માત્રામાં જથ્થો મળી આવતા પોલીસ દ્વારા તમામ દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા રૂ.1,90,200/- દારૂ મળીને કુલ રૂ. 24,90,200નો મુદ્દામાલ સાથે આરોપી દિલીપસિંહ રેમશભાઈ પરમારની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે ગાડીના નંબરના આધારે આ ગુનામાં સંડોવાયેલા અન્ય આરોપીઓની શોધખોડ પણ શરૂ કરી દેવામાં આવી છે.
મહત્વનું છે કે, ચૂંટણીના સમયે ગુજરાતમાં જુદી-જુદી રીતે દારૂ ઘુસાડવામાં આવી રહ્યો છે. ત્યારે વડોદરામાંથી પકડવામાં આવેલો આ દારુના જથ્થો કોનો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો? તેમજ મોટી માત્રામાં પકડાયો દારૂનો જથ્થો ક્યાંથી લેવાયો હતો? તે દિશામાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.