Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

મનસુખભાઇ પગમાં કુહાડી નથી મારતા પણ કુહાડી પર પગ મારે છે,જે હોય એ બોલી દે છે : સી.આર.પાટીલ

ભરૂચના સિનિયર અને 6 ટર્મથી ચૂંટાતા આદિવાસી સાંસદ મનસુખભાઈ વસાવાને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે કાર્યકર્તા માટે કુહાડી ઉપર પગ મૂકે તેવો માણસ ગણાવ્યા : અંકલેશ્વર ખાતે ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનું વિધિવત ઉદ્ઘાટન

અંકલેશ્વર ખાતે ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઉદ્ઘાટન પ્રસંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વરની કુસુમમતી કડકીયા આર્ટસ એન્ડ સાયંસ કોલેજ બંધ થયા બાદ તેને વમળનાથ સેવા ટ્રસ્ટ દ્વારા ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ સાયંસ કોલેજ શરુ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંબોધનમાં તેમણે ભરૂચના સિનિયર અને 6 ટર્મથી ચૂંટાતા આદિવાસી સાંસદ મનસુખ વસાવાને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે કાર્યકર્તા માટે કુહાડી ઉપર પગ મૂકે તેવો માણસ ગણાવ્યા હતા. ખામીઓ સાથે અમારા મિત્ર  સાંસદ મનસુખ વસાવા 6 ટર્મથી સાંસદ છે.  ખામીઓ એ છે કે એ બોલી દે છે અને અમારાથી કઈ કહેવાતું નથી.

અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ દ્વારા તેઓના પિતાના નામે આ કોલેજ શરુ કરવાનું બીડું ઝડપ્યું હતું. હાલમાં તે અંકલેશ્વરની જીનવાલા હાઈસ્કુલના કમ્પાઉન્ડમાં શરુ કરવાનું નક્કી કરાયું હતું. જેનું આજરોજ સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે ભાજપાના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્ય સરકારના નાયબ દંડક ભરૂચ MLA દુષ્યંત પટેલ, ભરૂચના સાંસદ MP મનસુખ વસાવા, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણા, ભરૂચ જીલ્લા ભાજપાના પ્રમુખ મારૂતીસિંહ અટોદરીયા, અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસવા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

અંકલેશ્વર તેમજ હાંસોટ તાલુકાના વિદ્યાર્થીઓ માટે આ કોલેજ આશીર્વાદરૂપ હતી પરંતુ એક યા બીજા કારણોસર કડકિયા કોલેજ બંધ થઇ જતા તેને નવા નામે શરુ કરવામાં આવી છે. જે આ વિસ્તારના વિદ્યાર્થીને ઉચ્ચ શિક્ષણનું ભાથું પૂરું પાડશે તેમ CR પાટીલે જણાવી અંકલેશ્વર MLA ઇશ્વરસિંહ પટેલના આ ભગીરથ કાર્યબદલ લોકોના સ્મરણમાં તેઓ વર્ષો સુધી રહેશે તેમ જણાવ્યું હતું.

સ્ટેજ પરથી અંતમાં સી.આર પાટીલે ભરૂચ સાંસદ મનસુખ વસાવા વિશે કહ્યું હતું કે, મેં તેમને લોકો અને કાર્યકર્તાઓ માટે ઝઝૂમતા જોયા છે. લોકો પોતાના પગ ઉપર કુહાડો મારે છે જ્યારે આ માણસ કાર્યકર્તાઓ માટે કુહાડી ઉપર પગ મુકતા જોયા છે. એટલે જ ખામીઓ સાથે પણ તે અમારા મિત્ર છે. અને તેમની ખામીઓ એવી છે કે, તેઓ બોલી દે છે. અમે સાથે તેમના રોટલા ખાધા છે, તેઓ સિનિયર અને અમારા મિત્ર હોય અમે તેમને કઈ કહી ન શકીએ.

(9:18 pm IST)