Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ઠગ ગેંગે ૩ કરોડની લોન આપવા બે દિવસ ખોલી આંગડિયા પેઢી

ગેંગે લોન આપવા ફિલ્મી સ્ટાઇલ અપનાવી : આરોપીઓએ છેતરપિંડી માટે બે દિવસ પૂરતી આંગડિયા પેઢી ખોલી, સાથે બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ તૈયાર કર્યા હતા

અમદાવાદ,તા.૪ : અમદાવાદ શહેરના વેપારીને ૩ કરોડની લોન આપવાના બહાને રૂપિયા ૧૧ લાખની છેતરપિંડી કરનાર ૫ આરોપીની નવરંગપુરા પોલીસે ધરપકડ કરી છે.  આરોપીઓએ છેતરપિંડી માટે માત્ર બે દિવસ પૂરતી આંગડિયા પેઢી પણ ખોલી હતી. સાથે જ બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ પણ તૈયાર કર્યા હતા. જોકે ફરિયાદીને છેતરપિંડીની ગંધ આવી જતા મામલો પોલીસ મથકે પહોચ્યો છે.

શહેરના નવરંગપુરા પોલીસ મથકે છેતરપિંડીની એક ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં આરોપીઓએ છેતરપિંડીની એક નવી મોડસ ઓપરેન્ડી અપનાવી હતી. અમદાવાદના વેપારી ને ઠગવા માટે આરોપીઓએ બનાવટી ડિમાન્ડ ડ્રાફ્ટ બનાવ્યા, સાથે જ બે દિવસ માટે શ્રી કૃપા એન્ટરપ્રાઇઝ ના નામે આંગડિયા પેઢી પણ ખોલી હતી. જે ગુનામાં નવરંગપુરા પોલીસે પાંચ આરોપી ગૌરાંગ પંડ્યા, મહેશભાઈ ગોંડલીયા, રૂપેન્દ્ર અરોરા, નિકુલભાઇ રાઠોડ અને સુનીલ પટેલની ધરપકડ કરી છે. જોકે આ ગુનામાં રામ શિવા નામનો ચેન્નઈ નો એક વ્યક્તિ ફરાર હોવાનું સામે આવ્યું છે. આરોપીની મોડસ ઓપરેન્ડી પણ નજર કરીએ તો અમદાવાદના વેપારી દેવાંગભાઈ શાહને ધંધા માટે પાંચ કરોડ રૂપિયાની જરૂર હતી.

જે માટે તેમણે ચેન્નઈના રામશિવા નો સંપર્ક કર્યો હતો. જેમાંથી અન્ય આરોપીની નંબર અને માહિતી ફરિયાદીને આપવામાં આવી હતી. આરોપી ગૌરાંગ પંડ્યા એ ફરિયાદીને કહ્યું હતું, કે તેમને આઠ કરોડ રૂપિયાનું ડિમાન્ડ ડ્રાફ્ટ આપશે. જેમાંથી પાંચ કરોડ રૂપિયા પાછા આપવાના રહેશે અને ત્રણ કરોડ ફરિયાદી ને પાંચ વર્ષ માટે વગર વ્યાજે વાપરવા માટે મળશે.

જે માટે પહેલાં પાંચ લાખ રૂપિયા અને બાદમાં છ લાખ રૂપિયા તે મળી કુલ ૧૧ લાખ ૧૫ હજારની છેતરપિંડી કરવામાં આવી હતી. આરોપીઓ દ્વારા અવારનવાર ફરિયાદી પાસે માત્ર રૂપિયા માનવામાં આવતા હતા. પરંતુ ડિમાન્ડ ડ્રાફ્ટ કે પછી રૂપિયા ન મળતા છેતરપિંડી થયું હોવા ની શંકા થઈ હતી જેથી તપાસ કરતાં હકીકત સામે આવી અને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ આરોપીઓએ અન્ય કોઈ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરાઇ છે.

(9:13 pm IST)