Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

કંગનાને પદ્મશ્રી આપ્યો, તો નરેશ પટેલને કેમ નહિ?

ભરતસિંહ સોલંકીનું સ્ફોટક નિવેદન : ભરતસિંહ સોલંકી ખોડલધામના નરેશ પટેલ વચ્ચે બંધ બારણે બેઠક, બેઠક બાદ રાજકીય ચર્ચાએ જોર પકડ્યુ છે

રાજકોટ,તા.૪ : ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીના બ્યૂગલ વાગી ચૂક્યા છે. દરેક પક્ષે પોતપોતાની રીતે પ્રચાર શરૂ કરી દીધી છે. મતદારોને રીઝવવા દિગ્ગજ નેતાઓની સભા, બંધ બારણે બેઠકોનો દોર શરૂ થયો છે. ત્યારે રાજકોટના રાજકારણમાં હલચલ મચી જાય તેવી બેઠક મળી છે. કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકી ખોડલધામના નરેશ પટેલ વચ્ચે આજે બંધ બારણે બેઠક મળી હતી.

આ બેઠક બાદ રાજકીય ચર્ચાએ જોર પકડ્યુ છે. સાથે જ ભરતસિંહ સોલંકીએ બેઠક બાદ સ્ફોટક નિવેદન આપતા કહ્યું કે, ભાજપે કંગના રનૌતને પદ્મશ્રી આપ્યો, તો નરેશ પટેલ પણ પદ્મશ્રીના હકદાર છે. ખોડલધામ ટ્રસ્ટ પાટીદારોની આસ્થાનું કેન્દ્ર છે. ચૂંટણી આવે એટલે પાટીદાર મત મેળવવા માટે ખોડલધામનું મહત્વ વધી જાય છે. અત્યાર સુધી અનેક દિગ્ગજ નેતાઓ ખોડલધામની મુલાકાત કરી ચૂક્યા છે.

ત્યારે કોંગ્રેસના નેતા ભરતસિંહ સોલંકીની ખોડલધામના નરેશ પટેલ સાથેની મુલાકાતે જોર પકડ્યુ છે. ભરતસિંહ સોલંકીએ આ મુલાકાતને ઔપચારિક મુલાકાત ગાણાવી છે, પણ બંધ બારધે શુ ચર્ચા થઈ તે મામલે ભાજપના પેટમાં પણ ફાળ પડી છે. નરેશ પટેલ સાથે બંધ બારણે ભરતસિંહની બેઠક મળી હતી. જેના બાદ ભરતસિંહ સોલંકીએ કહ્યુ હતુ કે, 'નરેશ પટેલ સાથે ઔપચારિક બેઠક થઈ છે.

પાટીદાર સમાજને આગળ રાખી કોંગ્રેસ ચાલશે. પ્રદેશ કમિટીમાં પણ પાટીદારોને સ્થાન આપવામાં આવશે. પાટીદાર સમાજ ખૂબ હોંશિયાર છે. કોને મત આપવો તે પાટીદાર સમાજને સારી રીતે ખબર છે.લ્લ આ સાથે જ તેમણે ૨૦૨૨ ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના જીતની આશા વ્યક્ત કરી હતી. આ બેઠક બાદ ભરતસિંહ સોલંકીએ સ્ફોટક નિવેદન આપ્યુ હતું. તેમણે નરેશ પટેલ પદ્મશ્રીના હકદાર ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, 'ભાજપે કંગના રનૌતને પદ્મશ્રી આપ્યો, તો નરેશ પટેલ પણ પદ્મશ્રીના હકદાર છે. આમ, ભરતસિંહ સોલંકીએ નરેશ પટેલને પદ્મશ્રી આપવાની વાત કરી હતી. ભરતસિંહ સોલંકીની સાથે ગીતા પટેલ, મહેશભાઈ રાજપૂત સહિતના કોંગ્રેસના અનેક નેતાઓ પણ ખોડલધામ પહોંચ્યા હતા.

પણ, બંધબારણે થયેલી બેઠકમાં આ તમામ નેતાઓ બહાર રહ્યા હતા. માત્ર નરેશ પટેલ અને ભરતિસંહ વચ્ચે જ બેઠક મળી હતી.  ગુજરાત કોંગ્રેસના નેતાની ખોડલધામ મુલાકાતને લઈ રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે ભરતસિંહ સોલંકીએ સૌ પ્રથમ દર્શન ન કરવા જઈ સીધા જ જઈને નરેશ પટેલ સાથે બંધ બારણે બેઠક યોજાતા અનેક વાતો વહેતી થઈ હતી.

(9:11 pm IST)