Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

સુરતમાં રીયલ એસ્ટેટના ૪ ગ્રુપ ઉપર બીજા દિવસે દરોડાની કાર્યવાહી

સંગીની ગ્રુપ, અરિહંત ગ્રુપ, મહેન્દ્ર ચંપક ગ્રુપ સહિતના સ્થળે તપાસ

રાજકોટ તા. ૪ : સુરતની ઇન્વેસ્ટીંગ વીંગ ઓફ ઇન્કમટેકસ દ્વારા રીયલ એસ્ટેટ સાથે સંકળાયેલા ૪ ગ્રુપ ઉપર ગઇકાલે દરોડા પાડયા હતા જે આજે બપોર સુધી ચાલુ છે.

સુરત શહેરમાં રિયલ એસ્ટેટના વ્યવસાય સાથે સંકળાયેલા અલગ અલગ ગ્રુપોમાં આવકવેરા વિભાગના દરોડાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ - સુરત સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની ૩૦ જેટલી ટીમો દ્વારા શહેરના પીપલોદ - વેસુ અને અઠવાલાઇન્સ સહિતના વિસ્તારોમાં બિલ્ડર્સ - જ્વેલર્સ અને ઇન્વેસ્ટરોના નિવાસસ્થાનોએ અને ઓફિસો ઉપર દરોડાની કામગીરીથી શહેરના અન્ય અગ્રણી બિલ્ડરોમાં પણ સોપો પડી જવા પામ્યો હતો.

શહેરમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રે અગ્રણી એવા સંગીની ગ્રુપ અને અરિહંત ગ્રુપના ભાગીદારો સહિત અશેષ દોષી, મહેન્દ્ર ચંપક ગ્રુપના ભાગીદારોના નિવાસસ્થાનોએ - ઓફિસો પર એક સાથે ૩૦ સ્થળોએ આવકવેરા વિભાગના ડી.ડી.આઇ. વિંગ દ્વારા દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

(3:31 pm IST)