Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ગુજરાત હાઇકોર્ટમાં ફોન રણકયો તો ભરવો પડશે દંડ

પહેલીવાર ઘંટડી વાગી તો ૧૦૦ રૂપિયાનો દંડ ચૂકવવાનો રહેશે : બીજી વાર વાગે તો ૫૦૦ રૂપિયાનો દંડ અને ત્રીજી વાર વાગે તો ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે

અમદાવાદ,તા. ૪: એક કેસની સુનાવણી દરમિયાન એક વૃદ્ઘ વ્યકિતના મોબાઇલની ઘંટડી વાગી તો ચીફ જસ્ટિસે નારાજગી વ્યકત કરી. તેમણે કહ્યું કે અહીં આવનારા દરેકે કોર્ટના ડેકોરમનું પાલન કરવાનું રહેશે. ત્યાર બાદ હવે ગુજરાત હાઇકોર્ટે મોબાઇલ ફોનની ઘંટડી વાગવા પર તે માટે દંડ જાહેર કર્યો છે.

આ દંડ આ પ્રકારનો છે કે પહેલીવાર ઘંટડી વાગી તો ૧૦૦ રૂપિયાનો દંડ ચૂકવવાનો રહેશે. બીજીવાર વાગે તો ૫૦૦ રૂપિયાનો દંડ અને ત્રીજીવાર વાગે તો ૧૦૦૦ રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. એટલું જ નહીં ત્રણેય ભૂલો પર સાંજે ૫ વાગ્યે (જયાં સુધી કોર્ટ બંધ ન થાય) ત્યાં સુધી મોબાઇલ ફોનને કોર્ટમાં જમા કરાવવાનો રહેશે.

ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એજે શાસ્ત્રીના કોર્ટમાં આ ઘટના થઈ હતી. હકીકતે, એક કેસમાં સુનાવણી દરમિયાન કોર્ટ રૂમમાં હાજર થયેલા એક વૃદ્ઘ અરજીકર્તાના ફોનની ઘંટડી વાગવા લાગી. જેના પછી કોર્ટમાં વકીલ તરફથી દલીલ રજૂ કરવામાં આવી કે વૃદ્ઘ કોર્ટ કેસ દરમિયાન માનસિક રીતે ખૂબ જ પરેશાન છે. આ જ કારણ છે કે તે કોર્ટમાં આવતા પહેલા પોતાનો ફોન સાઇલેન્ટ કરતા ભૂલી ગયા હતા. તે કોર્ટમાં પોતાની લાપતા દીકરી માટે હેબિયસ કોપર્સ ફાઇલ કરવા પહોંચ્યા હતા.

જો કે, જેવી મોબાઇલની દ્યંટડી વાગી કે વૃદ્ઘ કોર્ટરૂમની બહાર નીકળી ગયા. ત્યાર બાદ આ અંગે ચીફ જસ્ટિસે પોતાની નારાજગી વ્યકત કરતા કોર્ટના ડેકોરમનું પાલન કરવા કહ્યું. ચીફ જસ્ટિસે નારાજગી વ્યકત કરતા કહ્યું કે તમે કોર્ટ રૂમના નોટિસ બોર્ડ પર વાંચ્યું નથી કે મોબાઇલ સ્વિચ ઓફ રાખવો. સાથે જ કોર્ટે મોબાઇલની દ્યંટડી વાગવા પર ૧૦૦ રૂપિયા દંડનો આદેશ જાહેર કર્યો. કોર્ટે પછી આ બાબતે રજિસ્ટ્રારને આદેશ આપ્યો કે તે આ માટે કડક નિયમ બનાવે જેથી બીજીવાર આવી ભૂલ ન થાય. 

(10:00 am IST)