Gujarati News

Gujarati News

News of Saturday, 4th December 2021

ગુજરાતી રોકાણકારોને ફકત આઇપીઓમાં રસ

કુલ આઇપીઓમાં ગુજરાતીઓનો હિસ્સો ૨૦ ટકાથી વધુ

અમદાવાદ, તા.૪: તાજેતરની શેરબજારની તેજીમાં ગુજરાતની રોકાણકારોનો હિસ્સો સારો છે. ગુજરાતમાં ૨૦ વર્ષથી ૩૦ વર્ષ સુધીના અનેક યૂવાઓ પોતાનો ખર્ચ કાઢવા માટે આઇપીઓના માર્ગે વળ્યા છે. આઇપીઓમાં ગુમાવા કરતા કમાવાનું વધુ હોય છે તેવી મનોવૃત્તિના કારણે આઇપીઓ ભરી રહ્યાં છે. લિસ્ટીંગ સમયે ભાવ સારા મળે તો તુરંત નફો બુક કરી ખિસ્સા ખર્ચ કાઢી રહ્યાં છે. સીધા ઇકિવટીના પ્રવેશના બદલે આઇપીઓમાં રોકાણ શ્રેષ્ઠ માધ્યમ દર્શાવે છે.

મહેતા વેલ્થ લિ.ના કેયુર મહેતાએ જણાવ્યું હતુ કે ગુજરાતી રોકાણકારોમાં છેલ્લા કેટલાક વર્ષોથી નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સીધા ઇકિવટીના બદલે આઇપીઓમાં નાણા રોકી સૌથી વધુ કમાણી કરી રહ્યાં છે. દેશમાં કુલ ભરાતા આઇપીઓમાં ગુજરાતી રોકાણકારોનો હિસ્સો સરેરાશ ૨૦ ટકાથી વધુ રહ્યો છે. દેશમાં આ વર્ષે આવેલા આઇપીઓમાંથી મોટાભાગના મહારાષ્ટ્ર અને ગુજરાતના છે. ડિજિટલ સેગમેન્ટમાં વપરાશી ગ્રોથ ડબલ ડિજિટમાં રહ્યો છે.

કોરોના સમયમાં માર્કેટ તૂટ્યા બાદ અનેક નવા રોકાણકારોએ એન્ટ્રી કરી હતી. મ્યુચ્યુઅલ ફંડ્સ, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તેમજ વીમા કંપનીઓ જેવા મોટા સંસ્થાકીય રોકાણકારોના વિશ્વાસ પર નહીં, પરંતુ રિટેલ રોકાણકારોની તાકાતે માર્કેટમાં તેજીનુ જોર વધ્યુ છે. પાંચ વર્ષ પહેલાં રિટેલ રોકાણકારોનો હિસ્સો એક તૃતિયાંશ હતો. હાલ આશરે અડધાથી વધુ ટ્રાડિંગ વ્યકિતગત કે રિટેલ રોકાણકાર કરી રહ્યા છે.

(10:00 am IST)