Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ગુજરાતનું સર્વસમાવેશક વિકાસનું મૉડલ દેશના અન્ય રાજ્યો માટે પથપ્રદર્શક બની રહ્યું છે:રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજી

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીના હસ્તે રૂ. ૧૬૪ કરોડના ૧૧ શૈક્ષણિક વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત:રાષ્ટ્રપતિના હસ્તે સ્ટાર્ટઅપ ઉદ્યોગ સાહસિક મહિલાઓ માટે herSTART પ્લેટફોર્મ લોન્ચ:રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ:રાષ્ટ્રપતિ અને રાજ્યપાલના હસ્તે રાજ્યની ૧૦ સ્ટાર્ટઅપ આંતરપ્રિન્યોર મહિલાઓનું બહુમાન

અમદાવાદ :રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીએ ગુજરાત યુનિવર્સિટી ખાતે શિક્ષણ અને આદિજાતિ વિકાસ વિભાગના  રૂ. ૧૬૪ કરોડના ૧૧ વિકાસ પ્રકલ્પોનું ઈ-લોકાર્પણ અને ઈ-ખાતમુહૂર્ત કરતા જણાવ્યું કે, ગુજરાત રાજ્યનું સર્વસમાવેશક વિકાસનું મોડલ આજે દેશનાં અન્ય રાજ્યો માટે પથપ્રદર્શક બની રહ્યું છે.
દેશનાં વિવિધ રાજ્યોને એકબીજાનાં વિકાસ મોડલને અપનાવીને વિકસિત રાષ્ટ્રનિર્માણ માટેની દિશામાં કાર્ય કરવા રાષ્ટ્રપતિએ અનુરોધ કર્યો હતો.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુએ દેશના મહિલા આંતરપ્રિન્યોર્સ માટે herSTART પ્લેટફોર્મનું લોન્ચિંગ કરતા જણાવ્યું કે, ગુજરાત યુનિવર્સિટીમાં કાર્યરત ૪૫૦ જેટલા સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ દ્વારા અનેક લોકોને રોજગારી મળી રહી છે. જેમાં વિશેષપણે ઉધોગ સાહસિક મહિલાઓ પ્રેરિત ૧૨૫ જેટલા સ્ટાર્ટઅપ્સ મહિલાઓમાં રહેલી સાહસિકતા અને નવોન્મેષ વિચારોને નવી દિશા આપી રહ્યાં છે. જેના પરિણામે સરકારી અને ખાનગી ઉપક્રમથી તેમને જોડાવામાં મદદ મળી રહી છે.
રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના પ્રયાસોથી દેશભરમાં શરૂ થયેલ સ્ટાર્ટઅપ પ્રોગ્રામના પરિણામે વર્ષ ૨૦૨૨ ના ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્ષ(GII)માં ભારત ૮૧ મા સ્થાનથી ૪૦મા સ્થાને પહોંચ્યું છે.
રાજ્યમાં વનબંધુ કલ્યાણ યોજના તેમજ એકલવ્ય મોડલ રેસીડેન્સીયલ સ્કૂલ, કન્યા નિવાસી શાળાઓ કાર્યરત બનતાં આદિજાતિ સમુદાયના વિદ્યાર્થીઓમાં સ્કૂલ ડ્રોપઆઉટ દર ઘટ્યો હોવાનું તેમણે જણાવ્યું હતું.
રાષ્ટ્રીય શિક્ષા નીતિ – ૨૦૨૦ ભારતને સુપર પાવર બનાવવાની દિશામાં પહેલ છે. વિજ્ઞાન અને વિજ્ઞાન ક્ષેત્રે નવોન્મેષ સંશોધન જ શિક્ષિત ભારતથી શ્રેષ્ઠ ભારત નિર્માણમાં મદદરૂપ બનશે તેવો મત રાષ્ટ્રપતિએ વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રાજ્ય દ્વારા પ્રાથમિક અને ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે છેલ્લા બે દાયકામાં કરવામાં આવેલા વિવિધ પ્રયાસો અને તેનાથી મળેલાં પરિણામોને તેમણે બિરદાવ્યા હતા. આ પ્રસંગે તેમણે રાજ્યમાં ડ્રોપઆઉટ દરમાં થયેલા ઘટાડા, તેમજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા રાજ્યની ૫૫ હજારથી વધુ શાળાઓની શિક્ષણ વ્યવસ્થા પર રીયલ ટાઇમ મોનટરીંગ કરવામાં આવી રહેલી કામગીરીની પ્રસંશા કરી હતી. તેમણે મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ દ્વારા રાજ્યની ૨૦ હજાર જેટલી સ્કૂલોની માળખાકીય સુવિધાઓને અપગ્રેડ કરવાના પ્રોજેક્ટની પણ સરાહના કરી હતી.
રાજ્યની ઉચ્ચ શિક્ષણ પ્રણાલીને નવીન ઊર્જા અને દિશા આપવાના હેતુથી ગરિમા સેલની રચના કરનારું ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ હોવાનું તેમણે ગૌરવપૂર્ણ જણાવ્યું હતું.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે આ પ્રસંગે જણાવ્યું કે, આજે આપણા સૌ માટે આનંદની વાત છે કે, ભારતના રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે વિવિધ શૈક્ષણિક પ્રકલ્પોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયા છે. આવા અનેક પ્રકલ્પોના લોકાર્પણ અને શિલાન્યાસ થકી ભારત આત્મનિર્ભર બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે ભારતમાં સ્ટાર્ટઅપની વાતને મજાક ગણતા હતા અને બુલેટ ટ્રેનની વાતને પણ કોઈ માનવા તૈયાર નહોતું. આજે વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં આ બધું જ સાકાર થવા જઈ રહ્યું છે, એ આપના સૌ માટે ગૌરવની વાત છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશના એકેક બાળક, યુવાનો અને નાગરિકોની ક્ષમતાને ઓળખીને આ તમામ પ્રોજેક્ટ સાકાર કર્યા છે, એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
રાજ્યપાલએ કહ્યું કે, રાજ્યના શિક્ષણ વિભાગે દરેક જિલ્લામાં યુનિવર્સિટીની સ્થાપના કરી છે. રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રના કેટલાય પ્રોજેક્ટ સાકાર કર્યા છે અને આદિજાતિનાં બાળકો માટે શિક્ષણની પણ વિશેષ વ્યવસ્થાઓ કરી છે જેના થકી આજે ગુજરાત શિક્ષણ ક્ષેત્રમાં અગ્રેસરની ભૂમિકામાં રહ્યું છે.
મહિલાઓના યોગદાનની વાત કરતા રાજ્યપાલરીએ કહ્યું કે, આજે એક પણ એવું ક્ષેત્ર નથી જ્યાં મહિલાઓની પ્રભાવી ઉપસ્થિતિ ન હોય. આજે મહિલાઓ એકે -૪૭ લઈને દેશની રક્ષા કરી રહી છે તો ફાઇટર વિમાન ઉડાવીને દીકરીઓએ દેશનું નામ રોશન કર્યું છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારત આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભરતા અને આત્મવિશ્વાસ સાથે આગળ વધી રહ્યો છે. સ્વદેશી ટેક્નોલોજીની બોલબાલા વધી રહી છે. રાજ્યપાલએ  દેશના લોકોને ગુલામીની માનસિકતાથી બહાર નીકળીને પોતાની અક્ષમ પ્રતિભાને ઉજાગર કરવા અનુરોધ કર્યો હતો.  
રાજ્યપાલએ દેશને આત્મનિર્ભરતા અને ગૌરવની પુન:પ્રતિષ્ઠા  થકી નવા ભારતના નિર્માણની દિશામાં કાર્ય કરવા યુવાનોને આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળની ડબલ એન્જિનની સરકાર ડબલ સ્પિરિટ અને ડબલ સ્પીડ સાથે વિકાસ કાર્યો કરી રહી છે. સ્ટાર્ટઅપ યોજના અને મુદ્રા યોજનાના પરિણામે રાજ્યના યુવાનોના નવોન્મેષ વિચારોને નવી રાહ મળી છે. મુદ્રા યોજના અંતર્ગત ૧ કરોડ ૧૦ લાખ લોકોને રુ.૬૬ હજાર કરોડની લોન સહાય આપી હોવાનું તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા યુવાનોના ઇનોવેટિવ વિચારોને વેગ આપવા માટે SSIP 2.O  અંતર્ગત રૂ. ૫૦૦ કરોડની ફાળવણી કરીને ન્યૂએજ સ્ટાર્ટઅપ્સને પ્રોત્સાહિત કરવાની દિશામાં પ્રયાસો હાથ ધર્યા છે.
રાજ્યમાં ૧૪ હજારથી વધુ સ્ટાર્ટઅપ સફળતાપૂર્ણ કાર્યરત છે જેના પરિણામે જ છેલ્લાં ત્રણ વર્ષમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રે ગુજરાતને બેસ્ટ પરફોર્મિંગ સ્ટેટ તરીકેનો એવોર્ડ મળ્યો હોવાનું મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.  
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં દેશમાં ૩૦ વર્ષના અંતરાલ બાદ લાગુ કરાયેલ નવી શિક્ષણ નીતિ એક ભારત શ્રેષ્ઠ ભારત નિર્માણની રાહ ચીંધે છે, તેમ મુખ્યમંત્રી શ્રીએ જણાવ્યું હતું.
રાજ્યના આદિવાસી સમુદાયને વિકાસની મુખ્યધારામાં જોડવા માટે શિક્ષણ, આરોગ્ય સહિતના વિવિધ વિકાસ કાર્યોની ભેટ રાજ્ય સરકારે આપી હોવાનું જણાવી બે દાયકા અગાઉ રાજ્યના આદિવાસી વિસ્તારોમાં એક પણ વિજ્ઞાનની શાળા ન હતી, જે આજે ૧૦૨ જેટલી નિવાસી અને મોડલ શાળાઓ કાર્યરત બની હોવાનું તેમણે કહ્યું હતું. રાજ્યમાં ૧૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ એકલવ્ય આદર્શ નિવાસી શાળા તેમજ ૧૪૮૦૦ જેટલી કન્યાઓ કન્યા નિવાસી શાળામાં અભ્યાસ કરીને શ્રેષ્ઠ શિક્ષણ મેળવી રહ્યા છે.
મુખ્યમંત્રીએ આઝાદીના અમૃત કાળમાં શિક્ષણ, આરોગ્ય, આદિજાતિ વિકાસમાં જેવા વિવિધ વિકાસ ક્ષેત્રોમાં શ્રેષ્ઠત્તમ વિકાસ કરવા સરકાર કૃતસંકલ્પ હોવાનું આ પ્રસંગે ઉમેર્યું હતું.
શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું કે, આજે રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે સમગ્ર ગુજરાતમાં રૂપિયા ૧૬૪ કરોડનાં ૧૧ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સંપન્ન થયા છે. આજનો દિવસ આપણા સૌ માટે ઐતિહાસિક પણ છે.
ગુજરાત યુનવર્સિટીની વાત કરતા તેમણે કહ્યું કે, આ યુનવર્સિટીમાં ભારત વર્ષનું નેતૃત્ત્વ કરનાર અનેક હસ્તીઓ અહીંથી શિક્ષણ મેળવીને ભારતને આગળ લાવવામાં ફાળો આપ્યો છે. છેલ્લાં ૪ વર્ષથી ગુજરાત યુનિવર્સિટી વિવિધ ક્ષેત્રમાં પ્રથમ ૫૦ રેંકની અંદર આવી રહી છે જે ગુજરાત માટે ગૌરવની વાત છે.
ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રના વિકાસની વાત કરતા જીતુભાઈએ કહ્યું કે, નવી શિક્ષણ નીતિ- ૨૦૨૦ના અમલીકરણમાં ગુજરાત પ્રથમ રાજ્ય રહ્યું છે. એટલું જ નહિ ગરિમા સેલની સ્થાપના કરનાર પણ ગુજરાત પ્રથમ રાજ્ય છે.
સ્ટાર્ટઅપ ક્ષેત્રની વાત કરતા શિક્ષણમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અને ભૂપેન્દ્રભાઈ  પટેલના નેતૃત્વમાં સ્ટુડન્ટ્સ સ્ટાર્ટઅપ પોલીસીની જાહેરાત પણ રાજ્ય સરકારે કરી છે. આપણા સૌ માટે ગર્વની વાત છે કે, છેલ્લાં ૩ વર્ષથી સ્ટાર્ટઅપમાં ગુજરાત પ્રથમ ક્રમે આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે,આજે  રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે આદિજાતિ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંતર્ગત સુરતના ઉમરપાડાની વાડી સૈનિક સ્કૂલ, બનાસકાંઠા અમીરગઢના વિરમપુર ખાતે નિવાસી કન્યા શાળા, સાબરકાંઠાના પોશીના ખાતે એક્લવ્ય મોડલ શાળા અને નિવાસી કન્યા શાળા, દાહોદ જિલ્લાના નિમુય નિવાસી કન્યા શાળાનું ઈ-લોકાર્પણ થયું હતું.
જેના અંતર્ગત અમદાવાદ જિલ્લાના બાવળાની સરકારી આર્ટ્સ અને સાયન્સ કોલેજ અને નર્મદા જિલ્લાના તીલકવાડા સરકારી આર્ટ્સ અને સાયન્સ કોલેજના નવા ભવનોનું ઇ-લોકાર્પણ સંપન્ન થયું હતું.
જયારે આણંદની સરદાર પટેલ યુનિવર્સિટીના સ્ટાફ ક્વાર્ટરોનું ઈ-લોકાર્પણ તેમજ સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે અન્ડરગ્રાઉન્ડ અને ઓવરહેડ વોટર ટેક્ર, ગેસ્ટ હાઉસ બિલ્ડીંગ, કન્યા છાત્રાલય ભવન તેમજ હિન્દી અને સંસ્કૃત ડિપાર્ટમેન્ટના ભવનો જેવી અનેકવિધ સુવિધાઓનું ઈ-લોકાર્પણ રાષ્ટ્રપતિએ કર્યું હતું.
સાથોસાથ પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે કન્વેનશન સેન્ટર, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એમબીએ ડિપાર્ટમેન્ટ અને લાઈબ્રેરી ડિપાર્ટમેન્ટ એક્સટેન્શન જેવા વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને  નર્મદા જિલ્લાની રાજપીપળા આદર્શ નિવાસી કુમાર શાળાનું ઈ-ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રોપદી મુર્મુજીના હસ્તે આજરોજ રાજ્યને રૂ. ૧૬૪ કરોડના ૧૧ શૈક્ષણિક વિકાસ પ્રકલ્પોની ભેટ મળી હતી. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુએ સમારંભ પહેલાં ગુજરાત યુનિવર્સિટીના પરિસરમાં ઉધોગ સાહસિકો મહિલાઓ સાથે સંવાદ સાધીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
આ સમારંભમાં કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર, શ્રીમતી નિમિષાબેન સુથાર,અમદાવાદના મેયર કિરીટભાઈ પરમાર, મુખ્ય સચિવ પંકજકુમાર, શિક્ષણ વિભાગના અગ્ર સચિવ  એસ.જે. હૈદર, ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર એમ. નાગરાજન, આદિજાતિ વિકાસ કમિશ્નર  દિલીપ રાણા, તેમજ કુલપતિઓ, પ્રાધ્યાપકો, આંત્રપ્રિન્યોર તેમજ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

(8:08 pm IST)