Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

સુરતમાં માસીએ 12 વર્ષના ભાણીયા ઉપર રૂપિયાની ચોરીનો વહેમ રાખીને માર મારતા મોત મળ્‍યુ

માસીએ હકિકત છુપાવવા પ્રયાસ કર્યો પરંતુ અંતે ભાંડો ફૂટયો

સુરત: વધુ એકવાર સુરત શહેરમાં ચોંકાવનારી ક્રાઈમની ઘટના બની છે. માનવામાં ન આવે કે, એક માસીએ નિર્દયતાપૂર્વક ભાણિયાનો જીવ લીધો છે. માતાએ વિશ્વાસપૂર્વક પોતાના દીકરાને પોતાની બહેનને સોંપ્યો હતો. પરંતુ તેણે બાળક પર ન માત્ર ચોરીનો આરોપ લગાવ્યો, પરંતું તેને નિર્દયી રીતે માર મારીને મોતને ઘાટ પણ ઉતાર્યો. જોકે માસીએ હકીકતને છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકની માતાને જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તેમને અઠવા પોલીસને જાણ કરી હતી.

સુરતના અઠવા વિસ્તારની આ ઘટના છે. માસીને માનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ માસી પણ લોહીના સબંધનો ભોગ લેતી હોય તેવી ઘટના સુરતમાં બની છે. બાર વર્ષના ભાણિયા પર રૂપિયાની ચોરીનો વહેમ રાખી માસીએ ઢોર મારતા તેનું મોત નિપજ્યું છે. વધુ ચોંકાવનારી વાત તો એ છે કે આ હત્યા ફક્ત 200 રૂપિયાની ચોરીના વહેમમાં થઈ છે. માસીએ સતત 3 દિવસ 12 વર્ષીય માસુમને ફટકાર્યો હતો. જેમાં બાળકનું મોત નિપજ્યું હતું. પિતા છોડી જતા રહ્યાં અને માતાએ બીજા લગ્ન કર્યા. આવામાં માસુમને તેની માસીને સોંપાયો હતો. પરંતું એ માસુમનો શું વાંક હતો. તેણે જે માસીના ઘરે આશ્રય લીધો, તેણે જ નાણાં ચોરીનો આક્ષેપ મૂકી માર માર્યો. હાલ અઠવા પોલીસે માસીની ધરપકડ કરી છે.

પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત શહેરના વરીઆવી બજારમાં રહેતા 33 વર્ષીય રેશમાં બીબી ઉર્ફે પિંકી મોહમ્મદ જુબેર ગુલામ મુસ્તુફા શેખે પોતાની બહેન શહેઝાદી સલીમ અકબર શાની વિરુદ્ધ અથવા પોલીસ મથકમાં પોતાના 12 વર્ષના પુત્રની હત્યા કરી હોવાની ફરિયાદ દાખલ કરી છે. રેશમા બીબીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે, તેમની બહેન શહેજાદીએ તેમના 12 વર્ષના પુત્ર સિરાઝુલ પર ચોરીનો આરોપ લગાવી તેને ઢોર માર્યો હતો. જેના કારણે તેમના 12 વર્ષે પુત્રનું મોત નિપજ્યું છે. જોકે માસીએ સત્યની આ ઘટના છુપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ બાળકની માતાને જ્યારે આ સમગ્ર ઘટનાની જાણ થઈ ત્યારે તેમને અઠવા પોલીસને જાણ કરી હતી.

પોલીસે સમગ્ર મામલે જ્યારે તપાસ કરી તો બાળકના શરીર પર માર માર્યાના નિશાન મળી આવ્યા હતા. ત્યારબાદ બાળકનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં બાળકનું ગંભીર ઈજાના નિશાન થવાના કારણે તેનું મોત થયું હોવાનું ખૂલ્યુ હતું. આમ, માસી દ્વારા મારવામાં આવતા 12 વર્ષના માસુમ બાળકનું મોત થયું હોવાનું સાબિત થતા અથવા પોલીસે માસુમ બાળકની હત્યાનો ગુનો દાખલ કરી માસીની ધરપકડ કરી છે.

(5:39 pm IST)