Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

જલેબી-ફાફડાનાં ભાવ આસમાને : દશેરાની ઉજવણી મોંઘી

૧ જલેબીના રૂા. ૪૦ ચુકવવા પડે તેવા ભાવ : શુધ્‍ધ જલેબીનો ભાવ રૂા. ૧૦૫૦થી ૧૩૦૦ :ફાફડા ગાંઠિયાનો ભાવ રૂા. ૬૦૦થી ૮૦૦ : બંનેના ભાવમાં ૨૦ ટકા વધારો : કાચો માલ-તેલ-ઘી મોંઘા થતા ફરસાણ-મીઠાઇ મોંઘી

અમદાવાદ,તા. ૪ : દશેરાના દિવસે ફાફડા-જલેબી ખાવાની પરંપરા છે. જેના માટે અત્‍યારથી જ ફરસાણના વેપારીઓએ તૈયારીઓ કરી લીધી છે. પરંતુ આ વખતે ફાફાડ-જલેબીની જયાફત માણવી મોંઘી પડશે. કારણ કે ગયા વર્ષની સરખામણીએ આ વખતે ફાફડા અને જલેબીના ભાવમાં ૧૫થી ૨૦ ટકાનો વધારો ઝીંકાયો છે. જેથી લોકોએ પણ આ મુજબ રુપિયા ચૂકવવા પડશે. ફાફડા-જલેબી બનાવવાની ચીજવસ્‍તુઓમાં ભાવ વધારો થતા આ વખતે પ્રતિકિલો ફાફડાની કિંમત રુપિયા ૬૦૦થી ૮૫૦ સુધી પહોંચી છે. જયારે જલેબીનો એક કિલોનો ભાવ ૧૦૫૦થી ૧૩૦૦ રુપિયા સુધી પહોંચી ગઈ છે.
દશેરના દિવસે મોટાભાગના લોકો ફાફડા અને જલેબીની જયાફત માણતા હોય છે. પરંતુ આ વખતે દશેરાના દિવસે આ જયાફત માણવી મોંઘી પડશે. કારણ કે આ વખતે ફાફડા-જલેબીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળ્‍યો છે. ગયા વર્ષે એક કિલો ફાફડાના ભાવ ૫૦૦થી ૮૦૦ રુપિયાની આસપાસ હતો. જયારે જલેબીનો ભાવ ૭૦૦થી ૧૦૦૦ રુપિયા સુધીનો હતો. ત્‍યારે વર્ષે ફાફડા અને જલેબીના ભાવમાં ૨૦ ટકા સુધીનો વધારો થયો છે. જેના કારણે આ વર્ષે ફાફડાની કિંમત રુપિયા ૬૦૦થી ૮૫૦ અને જલેબીનો ભાવ ૧૦૫૦થી ૧૩૦૦ રુપિયા સુધી પહોંચી ગયો છે.
બીજી તરફ, દશેરા આવી રહ્યા છે ત્‍યારે ફરસાણના વેપારીઓએ પણ તૈયારીઓ શરુ કરી દીધી છે. પોતાની દુકાનની બહાર અત્‍યારથી જ મંડપો બાંધવાનું શરુ કરી દીધું છે. ફરસાણના વેપારીઓનું માનીએ તો, ફાફડા-જલેબી બનાવવાની ચીજવસ્‍તુઓ ભાવ વધારો થતા તેઓને પણ કિંમત વધારવાની ફરજ પડી છે. અન્‍ય તેલ કરતા સીંગતેલમાં તળેલા ફાફડાના ભાવ વધારે છે. સાથે જ શુદ્ધ તેલ અને શુદ્ધ ઘીમાં તળેલી જલેબીના ભાવમાં પણ ફરક જોવા મળશે.
આ સિવાય જલેબીમાં પણ ઈમરતી અને કેસર જેવી કેટલીક વેરાઈટીનો સમાવેશ થયો છે. જેથી વેપારીઓનું કહેવું છે કે આ વખતે ફાફડા-જલેબીના ભાવમાં તોતિંગ વધારો થવાની શક્‍યતા છે. વેપારીઓનું એવું પણ માનવું છે કે, કોરોનાકાળ બાદ આ દશેરાએ ફાફાડ-જલેબીનું વેચાણ વધવાની આશા છે. જો કે, ગુજરાતીઓ ખાવા પીવાના શોખીન હોવાથી ગમે તેમ કરીને પોતાના ચટકા પૂરા કરતા હોય છે. ત્‍યારે આ વખતે આ સ્‍વાદ માણવો થોડો મોંઘો પડી શકે છે.
કોરોના કાળના ૨ વર્ષ બાદ નવરાત્રીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે લોકોમાં માની પુજા અર્ચનાને લઈને અનેક ગણો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે. ત્‍યારે હવે નવરાત્રી પુરી થવાના ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. આજે નવમીનો દિવસ છે. આ બાદ દશેરાના દિવસે રાવણ દહન પણ કરવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, દશેરાના દિવસે ગુજરાતી લોકો ખાસ કરીને જલેબી ફાફડાની લ્‍હાણી કરતા હોય છે. દશેરાના દિવસે જો ફાફડા ન ખાય તો તેમને ઉજવણીમાં મજા આવતી નથી.
આપને જણાવી દઈએ કે, બે વર્ષ બાદ આ વર્ષે વિજયાદશમીની ઉજવણી કરવામાં આવશે. જો કે, ખાવાપીવના શોખીનો માટે આ વખતનો દશેરાનો તહેવાર મોંઘો બની શકે છે. દશેરા પર્વ પર ગુજરાતીઓના પ્રિય ફાફડા જલેબી ખાવાની વર્ષો જૂની પરંપરા છે. ચાલુ વર્ષે સીંગતેલ અને કપાસિયા તેલ સહિત ખાદ્ય તેલના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આથી, તેની સીધી અસર ફાફડા જલેબી પર પણ જોવા મળી રહી છે.
તહેવારોમાં જ તેલના ડબ્‍બાનો ભાવ ૩૦૦૦ને પાર પહોંચતા તેની સીધી અસર ફાફડા અને જલેબી ભાવ પર પડી રહી છે. ગત વર્ષ કરતા ફાફડા જલેબીના ભાવમાં ૨૦ ટકાનો વધારો નોંધાયો છે. ફાફડા ૬૫૦થી ૮૦૦ અને જલેબી ૭૦૦થી ૯૬૦માં વેચાઈ રહી છે. ફાફડા જલેબીની મજા લેવાનો માત્ર એક જ દિવસ હોય તેમ કરોડો રૂપિયાના ફાફડા જલેબી ગુજરાતીઓ માત્ર એક જ દિવસમા આરોગી જાય છે, પરંતુ આ વખતે સ્‍વાદનો ચટાકો થોડો મોંઘો રહે તેવુ જોવા મળી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ૨ વર્ષથી કોરોનાને કારણે નવરાત્રીની ઉજવણી કરવામાં આવી ન હતી. આથી, તમામ ભક્‍તોને ઘરમાં જ રહીને સાદી રીતે તહેવારો ઉજવવા મજબૂર થવું પડ્‍યું હતું. બની શકે કે, મોઘા તેલને કારણે જલેબી ફાફડાના ભાવ આસમાને હશે તો પણ ગુજરાતીઓ તેને ખાવાનો સંપૂર્ણ આનંદ ઉઠાવશે.

 

(11:16 am IST)