Gujarati News

Gujarati News

News of Tuesday, 4th October 2022

ભાજપમાં આ વખતે વફાદારી, સ્‍વચ્‍છ પ્રતિભાને ટીકીટમાં અગ્રતા

રાષ્‍ટ્રીય નેતાઓની વધતી મુલાકાતોથી ચૂંટણીમાં ગરમાવો : કમલમમાં ૧૮૨ ઉમેદવારોની પસંદગી પૂર્વેનો ધમધમાટ

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર તા. ૪ : ચૌદમી ગુજરાત વિધાનસભા પૂર્ણ થવામાં થોડો સમય જ બાકી રહ્યો છે. ભારતના વડાપ્રધાન અને ગૃહપ્રધાનની દિવસેને દિવસે ગુજરાતની મુલાકાતો વધતી જાય છે. ઉમેદવાર પસંદગી પૂર્વનો ધમધમાટ વધ્‍યો છે.

આ બંને નેતાઓની મુલાકાત ખૂબ જ સૂચક છે. રાજ્‍યમાં છેલ્લા પાંચ વર્ષના શાસનમાં સત્તાધારી પક્ષે રાજ્‍યમાં જ્‍યાં જ્‍યાં વિકાસના કાર્યો હાથ ધર્યા હતા અને તે કાર્યો પૂર્ણ થઇ રહ્યા છે ત્‍યારે આ બંનને મહાનુભાવો લોકાર્પણ કરવા સતત ગુજરાતમાં ધ્‍યાન આપી રહ્યા છે.

બીજી તરફ ગાંધીનગર - કોબા ખાતે આવેલ ભાજપ કાર્યાલય કમલમ્‌ પર આગામી વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ અને ૧૮૨ રાજ્‍યોની પસંદગી પ્રક્રિયા ખૂબ જ જોરશોરથી ચાલવા માંડી છે.

આ ઉપરાંત ભાજપ સંગઠનની ટીમ પણ હાઇકમાન્‍ડની સૂચના મુજબ કામગીરીમાં લાગી ગઇ છે. સંગઠનની ટીમ કુલ ૧૮૨ બેઠકોમાં કયા ઉમેદવારો આવશે અને પ્રજામાં કોણ કેટલી કામગીરી સાથે પ્રજાની વચ્‍ચે છે તથા મુદ્દાઓની ચકાસણી કરી હાઇકમાન્‍ડને પોતાનો અહેવાલ રજૂ કરશે.

અગત્‍યની વાત તો એ છે આ વખતે આમ આદમી પાર્ટી ત્રીજા પરિબળ તરીકે ઉપસી રહી છે ત્‍યારે સત્તાધારી પક્ષ એવા ઉમેદવારોની પસંદગી ઉપર ધ્‍યાન આપશે જેમની પ્રતિષ્‍ઠા સારી હોય અને તેમની સામે કોઇપણ પ્રકારના ગુના ન હોય અને વર્ષોથી પક્ષને વફાદાર રહ્યા હોય તેવા વ્‍યકિતઓને તક મળે તેવી પુરી સંભાવના છે.

આગામી ચૂંટણીમાં ભાજપને ફરી વખત સત્તા હાંસલ કરવી છે માટે તમામ પ્રયાસો હાથ ધર્યા છે તેમજ એક ચોક્કસ દિશામાં કામગીરી હાથ ધરી છે.

(10:43 am IST)