Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

5મી માર્ચથી નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતોને ઉનાળુ પાક માટે નર્મદાનું પાણી અપાશે : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ

કમાન્ડ વિસ્તારના અંદાજે ૪ લાખ હેક્ટર કરતા વધુ વિસ્તારના ખેડૂતોને લાભ

અમદાવાદ : નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યુ છે કે, ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા બંધ દ્વારા ગુજરાતના લાખો ખેડૂતોને સિંચાઇ માટેનું પાણી તથા ૪ કરોડ કરતા વધુ નાગરિકોને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે. સુજલામ-સુફલામ યોજના, સૌની યોજના દ્વારા પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ સુધી નર્મદાના પાણીનો લાભ પુરો પાડવામાં આવી રહ્યો છે.

 નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના ખેડૂતોને રવિ સિઝનમાં (શિયાળુ પાક માટે) નર્મદા નહેરો દ્વારા તથા ફતેહવાડી ખારીકટ કેનાલમાં પણ પૂરતું પાણી સરકારે આપ્યું છે. સાથે-સાથે મહેસાણા અને પાટણ જિલ્લામાં જ્યાં કેનાલમાં દરવાજાઓ મુક્યા છે ત્યાં રૂપેણ અને પુષ્પાવતી નદીમાં પણ પાણી વહેવડાવીને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ બનાવાઇ હતી. 

  તેમણે ઉમેર્યુ કે, ગત ચોમાસામાં થયેલા સારા વરસાદના પરિણામે નર્મદા ડેમમાં પાણીનો જથ્થો પૂરતાં પ્રમાણમાં એટલે કે આજે ૧૩૦.૫૬ મીટર લેવલે છે. ધારાસભ્યઓ, કિસાન સંઘ અને ખેડૂત આગેવાનો દ્વારા મળેલ રજુઆતો ધ્યાને લઇને, આગામી ઉનાળાની સીઝનમાં પણ ખેડૂતોને પાક વાવેતર માટે પાણી તા. ૫ મી માર્ચના રોજથી આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. આ નિર્ણયને પરિણામે ઉનાળું વાવેતર કરતાં નર્મદા કમાન્ડ વિસ્તારના અંદાજે ૪ લાખ હેક્ટર કરતાં વધુ વિસ્તારના ખેડૂતોને આ પાણીનો લાભ મળશે અને તેમની ઉત્પાદકતામાં તથા વાવેતરની ક્ષમતામાં પણ વધારો થશે.   

 તેમણે ઉમેર્યુ કે, મધ્ય પ્રદેશ અને ત્યાંના બંધોમાં પણ પૂરતુ પાણી ઉપલબ્ધ હોવાના પરિણામે આજે સરદાર સરોવર ડેમમાં ૧૩૦.૫૬ મીટર પાણીનું લેવલ છે. આ વર્ષે નર્મદા કન્ટ્રોલ ઓથોરીટી દ્વારા નક્કી થયા મુજબ ગુજરાતના ભાગમાં આવતું ૧૦.૦૮ મીલીયન એકર ફીટ પાણી ગુજરાતને વાપરવા મળશે. ગત વર્ષે સરદાર સરોવર બંધમાં તા.૦૪.૦૩.૨૦૨૦ ના રોજ ૧૨૩.૯૯ મીટર લેવલે પાણી હતું અને આજે ૧૩૦.૫૬ મીટર પાણીની સપાટી છે. આ પાણીમાંથી પીવાના પાણી માટે સમગ્ર ઉનાળો અને ચોમાસાના બે માસ માટે જથ્થો સુરક્ષીત રાખી અન્ય પાણી ખેતીવાડી માટે ખેડૂતોને આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે.

(6:40 pm IST)