Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

રાજ્યમાં ખેડૂત ખાતેદારો માટે એગ્રી સેન્સસ દર પાંચ વર્ષે કરવામાં આવે છે :કૃષિમંત્રી આર.સી.ફળદુ

ખેડા-છોટાઉદેપુરમાં વર્ષ 2015-16ની ગણનાએ 3,42,820 ખેડૂત ખાતેદારો નોંધાયા

અમદાવાદ : કૃષિમંત્રી  આર.સી.ફળદુએ જણાવ્યું છે કે રાજ્યમાં ખેડૂત ખાતેદારોની નોંધણી માટે એગ્રી સેન્સસ દર પાંચ વર્ષે કરવામાં આવે છે. વર્ષ 2015-16ની ગણનાએ ખેડા-છોટાઉદેપુર જિલ્લામાં 3,42,820 ખેડૂત ખાતેદારો નોંધાયા છે.

  આજે વિધાનસભા ખાતે ખેડા અને છોટાઉદેપુર જિલ્લામાં નોંધાયેલ ખેડૂત ખાતેદારોના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રી ફળદુએ ઉમેર્યું કે, ખેડૂત ખાતેદારોની નોંધણીની શરૂઆત સમગ્ર દેશમાં વર્ષ 1970-71થી શરૂઆત થઇ છે. રાજ્યમાં છેલ્લી ગણતરી વર્ષ 2015-16માં થઈ છે અને આગામી વર્ષે નવી એગ્રી સેન્સસ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

 તેમણે ઉમેર્યું કે આ એગ્રી સેન્સસમાં પાંચ કેટેગરીમાં ખેડૂત ખાતેદારો નોંધવામાં આવે છેp જેમાં સીમાંત, નાના, અર્ધ મધ્યમ, મધ્યમ અને મોટા ખેડૂતોની કેટેગરી નિયત કરવામાં આવી છે. આ એગ્રી સેન્સસમાં આંકડાકીય માહિતી મેળવીને કૃષિ આધારિત અર્થતંત્રને સમૃદ્ધ કરવાના પ્રયાસો કરાય છે. આ બંને જિલ્લાઓ વિભાગીય વિસ્તરણ થતા અને તાલુકાનું પણ વિભાજન થયું હોય કામગીરી પ્રગતિમાં છે.

 તેમણે ઉમેર્યું કે ખેડા જિલ્લામાં જે ખેડૂત ખાતેદાર નોંધાયા છે, તેમાં સીમાંત ખેડૂતો 1,60,498, નાના 53,346 અર્ધ મધ્યમ 27,101, મધ્યમ 7,981 અને મોટા 507 ખેડૂત ખાતેદાર નોંધાયા છે. એ જ રીતે છોટાઉદેપુર જિલ્લામાં 42,144 સીમાંત, 39,172 નાના, 23,573 અર્ધ મધ્યમ, 8,122 મધ્યમ અને 366 મોટા ખેડૂત ખાતેદારો નોંધાયા છે.

(6:20 pm IST)