Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

આર.ટી.ઓ.ની કામગીરી પર ગંભીર અસરઃ ૪૫ ટકા (૯૮૯) જગ્યાઓ ખાલી

રાજકોટ કચેરીમાં ૫૫ જગ્યાઓ ભરેલી અને ૫૭ ખાલી

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર,તા.૪: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યુ છે. બજેટ સત્રમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા રાજ્યની આર.ટી.ઓ કચેરીઓમાં મહેકમ અંગે પૂછાયેલા પ્રશ્નનો સરકારે જવાબ આપ્યો છે. સરકારે કહ્યુ કે ૧,૨૦૩ આરટીઓ કચેરીમાં જગ્યાઓ ભરાયેલી છે જ્યારે ૯૮૯ જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યુ છે ત્યારે રાજ્યની આરટીઓ કચેરીમાં ૪૫ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. આરટીઓ કચેરીમાં વર્ષોથી મોટાપાયે જગ્યાઓ ખાલી હોવાને કારણે નાગરીકોને વહીવટી કામગીરી સેવાઓ સમયસર મળતી નથી.

અમદાવાદની આરટીઓ કચેરીમાં રાજ્યમાં સૌથી વધુ ૧૫૪ જગ્યાઓ ભરવાની બાકી છે. સુરતમાં પણ ૮૩ જગ્યાઓ ખાલી છે. રાજકોટમાં (૫૭), કચ્છ (૫૪), બનાસકાંઠા (૫૩) અને વલસાડ (૫૧) જગ્યાઓ ભરવાની બાકી છે. આ રીતે રાજ્યમાં લાખો બેરોજગારો વચ્ચે સરકારી નોકરીની રાહ જોતા લોકોની આર.ટીઓ કચેરીમાં ૯૮૯ જગ્યાઓ ખાલી પડી છે. અમદાવાદમાં એક બાજુ સૌથી વધુ ખાલી જગ્યા પડી છે બીજી તરફ સૌથી વધુ જગ્યા પણ અમદાવાદ આરટીઓ કચેરીમાં ભરવામાં આવી છે. અમદાવાદ આરટીઓ કચેરીમાં ૧૮૦ જગ્યાઓ ભરવામાં આવી છે. સુરતમાં ૯૩ જગ્યાઓ ભરવામાં આવી છે. બનાસકાંઠામાં પણ ૮૩ જગ્યાઓ ભરવામાં આવી છે.

(4:11 pm IST)