Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

અમદાવાદ જીલ્લાના ખેડૂતો પાસેથી ચણા, તુવેર તથા રાઇની ટેકાના ભાવે ખરીદી કરાશે

-ચણા-તુવેર અને રાઇ પાકનું વાવેતર કરનાર ખેડુતો ૨૮મી ફેબ્રુઆરી, ૨૦૨૩ સુધી નોંધણી કરાવી શકશે

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : અમદાવાદ જીલ્લામાં ખરીફ ઋતુમાં તુવેર પાક માટે અંદાજીત કુલ ૧૩૬૨૮ હેકટરમાં વાવેતર થયેલ છે જે પૈકી સૌથી વધુ માંડલ તાલુકામાં અંદાજીત ૧૨૬૫૦ હેકટર વિસ્તારમાં વાવેતર થયેલ છે. જયારે, રવી ઋતુમાં જીલ્લામાં મુખ્યત્વે ધંધુકા, ધોલેરા, ધોળકા, માંડલ તથા બાવળા જેવા તાલુકાઓમાં ચણા પાક માટે અંદાજીત કુલ ૫૩૮૭૭ હેકટરમાં વાવેતર થયું છે.  

  ખરીફ ઋતુમાં માફકસર વરસાદ થવાના કારણોસર તેમજ રવિ ઋતુમાં અનુકુળ વાતાવરણના કારણસર તુવેર તેમજ ચણા પાકમાં ઉત્પાદન વધવાની શકયતાઓ છે, જે બાબતને ધ્યાને લઇ ખેડુતોને  પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુસર ટેકાના ભાવે જણસી ખરીદી કરવા માટે સરકારશ્રી કટિબધ્ધ છે. આમ સમગ્ર ખેડુતોના હિતને ધ્યાને લઇ, કેન્દ્ર સરકારની નાફેડ એજન્સી દ્વારા તુવેર રૂ. ૬૬૦૦/- ચણા રૂ ૫૩૩૫/- તથા રાઇ ૫૪૫૦ પ્રતિ ક્વિન્ટલથી ખરીદી કરવાનું માન. મંત્રીશ્રી (કૃષિ) ની અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં નકકી કરવામાં આવી છે.
  તુવેર, ચણા તથા રાઇ પાક માટે ઓનલાઇન નોંધણી પ્રક્રિયા તા. ૧લી ફેબ્રુઆરી-૨૦૨૩ થી તા. ૨૮ મી ફેબ્રુઆરી -૨૦૨૩ સુધી ગ્રામ્યકક્ષાએ વી.સી.ઇ મારફત કરવામાં આવશે તથા ખરીદી પ્રક્રિયા તારીખ ૧૦ મી માર્ચ -૨૦૨૩ થી શરૂ કરવામાં આવશે. નોંધણી માટે ખેડુત દ્વારા આધાર કાર્ડની નકલ/આધાર નોંધણી નંબર અને તે અંગેનો પુરાવો, અધ્યતન ૭-૧૨, ૮-અ રેકોર્ડ્સની નકલ, ફોર્મ નં.૧૨માં પાક વાવણી અંગે એન્ટ્રી ના થઇ હોય તો પાક વાવ્યા અંગેનો તલાટીના સહી સિક્કા સાથેનો દાખલો, ખેડૂતના નામે આઇ.એફ.એસ.સી કોડ સહિતની બેન્ક એકાઉન્ટની વિગતો માટે બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સહિતના જરૂરી પુરાવા સાથે જે તે ગામના ઇ ગ્રામ સેન્ટર ખાતે હાજર થઇ વી.સી.ઇ મારફત ઇ સમૃધ્ધિ પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. નોંધણી કરાવ્યા બાદ નોંધણી થયાની પહોંચ ખેડુત દ્વારા જે તે વખતે સ્થળ પર મેળવી લેવાની રહેશે તથા જે તે ખરીદી વખતે નોંધણી અંગેની સ્લીપ ખરીદી કેન્દ્ર ખાતે રજુ કરવાનું રહેશે.  ખેડુતોને તેમનો જથ્થો સાફસુફ તથા ચારણો કરી તેમજ તેમાં ભેજનું પ્રમાણ નિયત મર્યાદામાં રહે તે માટે જરૂરી જણાયે તડકામાં સુકવી ખરીદ કેન્દ્ર ખાતે લાવવાનો રહેશે જેથી ખેડુતોને ખરીદી વખતે કોઇ પણ પ્રકારની અગવડ ઉભી ન થાય.
આમ આમ ટેકાના ભાવે તુવેર/ચણા તથા રાઇ નું વેચાણ કરવા ઇચ્છતા તમામ ખેડુતોને સમયમર્યાદામાં નોંધણી કરાવવા વહીવટીતંત્ર, અમદાવાદ દ્વારા અનુરોધ કરવામાં આવે છે.

(7:34 pm IST)