Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

નડિયાદ તાલુકાના લખાવાડ વિસ્તારમાં 3 મકાનને નિશાન બનાવી તસ્કરોએ 2 લાખથી વધુની મતાની ઉઠાંતરી કરતા પોલીસ ફરિયાદ

નડિયાદ : નડિયાદ તાલુકાના લખાવાડ વિસ્તારમાં આવેલ સ્કૂલ સામે એક મકાનના મુખ્ય દરવાજાની જાળીનો નકુચા તોડી તસ્કરો મકાનમાં પ્રવેશી ત્રીજા માળે મુકેલ લાકડાના કબાટમાંથી સોનાના દાગીના કિંમત રૂ. ૧.૧૫ લાખ તથા રોકડ રકમ રૂ. ૫૦ હજાર મળી કુલ રૂ. ૧.૬૫ લાખની મત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ સંદર્ભે મકાન માલિકની ફરિયાદના આધારે શહેર પોલીસે અજાણ્યા ત્રણ બાઇક સવાર વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે નડિયાદ લખાવાડ વિસ્તારમાં આવેલ સ્કૂલ સામે મોહિત અરવિંદભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે. તે આણંદ વાહનના શોરૂમમાં સેલ્સમેન તરીકે નોકરી કરે છે. તેઓની પત્ની પ્રેગનેન્ટ હોય મોહિતના સસરાએ તા. ૧૮ ઓક્ટોબર ૨૦૨૨ ના રોજ બંનેને સાથે રાખી નડિયાદ ના એક જ્વેલર્સ માંથી સોનાની ચેઇન પેન્ડલ સાથેની તથા સોનાનો સેટ, તેમજ વીંટી લઈ આપી હતી. જે તેઓએ ઘરના ત્રીજા માળે લાકડાના કબાટમાં તેઓની પત્નીએ મૂક્યા હતા મોહિતની પત્નીના શ્રીમંત નો પ્રસંગ હોય તેના પિયર સોખડા ખાતે ગઈ હતી. દરમિયાન કોઈ અજાણ્યા ઈસમોએ મોહિતના ઘરના મુખ્ય દરવાજાની જાળીનો નકુચો તોડી અંદર પ્રવેશ કર્યો હતો. દરમિયાન ત્રીજા માળે લાકડાના કબાટ માં મુકેલ સોનાના દાગીના કિંમત રૂ. ૧.૧૫ લાખ તથા ઘરમાં મુકેલ રોકડા રૂ. ૫૦ હજાર મળી કુલ રૂ. ૧.૬૫ લાખની ચોરી કરી હતી. દરમિયાન લાખાવાડ નજીકમાં રહેતા ગોરધનભાઈ ફુલાભાઈ પટેલ (રામદાસ ની ખડકી નડિયાદ) તથા નીલ મુકેશભાઈ દેસાઈ (રહે સાત ઓરડા નડિયાદ) નાઓના ઘરમાં પણ ચોરી થયેલ હોવાનું જાણવા મળેલ છે.

(6:14 pm IST)