Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

તલાટીમાં નોકરી અપાવવાનું કહી ૩૦ લાખની છેતરપિંડી

રાજકોટના બે અને ધ્રાંગધ્રાનો એક યુવક ઠગાયાઃ નવા વાડજમાં રહેતા દંપતિ સહિત ૩ સામે વાડજ પોલીસ મથકમાં ફરિયાદ : આરોપીઓની ધરપકડ માટે પ્રયાસો

અમદાવાદ, તા.૪, પરીક્ષા આપ્યા વિના બારોબાર જ અને કોઇપણ સરકારી ફોર્મ ભર્યા વિના જ સીધી તલાટી તરીકે નોકરી અપાવવાની લાલચ આપી સૌરાષ્ટ્રના ત્રણ યુવકોને રૂ.૩૦ લાખનો ચુનો લગાડનાર શહેરના નવા વાડજમાં રહેતા દંપતિ સહિત ત્રણ જણાં વિરૂધ્ધ વાડજ પોલીસમથકમાં ફરિયાદ નોંધાઇ છે, જેના આધારે પોલીસે આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, આરોપીઓએ તલાટી તરીકે નોકરી લાગી ગઇ હોવાના બોગસ એપોઇન્ટમેન્ટ લેટર આપી ત્રણેય યુવકો પાસેથી રૂ.૩૦ લાખની માતબર રકમ ખંખેરી લીધી હતી. પોલીસે આ બોગસ દસ્તાવેજો કયાં ઉભા કરાયા અને કોની મદદથી ઉભા કરાયા તે સહિતની દિશામાં પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, રાજકોટના વતની અને જમીન લે વેચનું કામ કરતાં અશોકભાઇ દલીભાઇ ચાવડાને શહેરના નવા વાડજ વિસ્તારમાં પ્રત્યક્ષા એપાર્ટમેન્ટ ખાતે રહેતા શ્વેતાબહેન શશાંકભાઇ દેસાઇ સાથે છેલ્લા આઠ વર્ષથી પરિચય હતો અને થોડા સમય પહેલાં શ્વેતાબહેને અશોકભાઇને કોઇપણ પ્રકારનું સરકારી ફોર્મ ભર્યા વિના બારોબાર સીધા જ તલાટી તરીકે નોકરી અપાવી દેવાની લાલચ આપી હતી. અશોકભાઇએ પણ શ્વેતાબહેનની વાતોમાં ભોળવાઇ જઇ તેમના પરિચિતો અને મિત્રવર્તુળમાં આવી વાત ફેલાવી હતી અને કોઇને તલાટી બનવું હોય તો તક છે તેમ કહી વાતનો પ્રસાર કર્યો હતો. દરમ્યાન અશોકભાઇ પર વિશ્વાસ કરી રાજકોટના જ રહેવાસી હાર્દિક દેવાયતભાઇ સવસેટા, નરસિંહ સોડાભાઇ કારેઠા અને મેહુલ રતિલાલ અગોલા(રહે.ધ્રાંગધ્રા) તલાટીની નોકરી મેળવવા તૈયાર થયા હતા અને દરેકે દસ-દસ લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.  ત્યારબાદ શ્વેતાબહેન અને તેમના પતિ શશાંકભાઇએ ત્રણેય યુવકોના પિતાને ગાંધીનગર સચિવાલય ગેટ પાસે ઉચ્ચ અધિકારી તરીકે અરૂણભાઇ વ્યાસની મુલાકાત કરાવી હતી અને તેઓની પાસેથી કુલ રૂ.૩૦ લાખ ભેગા કરી શ્વેતાબહેનને આપ્યા હતા. ત્રણેય યુવકોને તેમની સાથે ચીટીંગ નહી થાય તેની બાંહેધરી તરીકે શ્વેતાબહેને ત્રણેયને બ્લેન્ક ચેક પણ આપ્યા હતા.  દરમ્યાન બે મહિના બાદ શ્વેતાબહેન અને શશાંકભાઇએ ત્રણેય યુવકોને તલાટી તરીકેની નોકરી મળી ગઇ હોવાનો અપોઇન્ટમેન્ટ લેટર આપ્યો હતો અને એક અઠવાડિયા પછી નોકરી જોઇન્ટ કરવા જણાવ્યું હતું. અઠવાડિયા બાદ જયારે યુવકોએ શ્વેતાબહેન અને તેમના પતિના મોબાઇલ ફોન સ્વીચ ઓફ આવતાં તેમને શંકા ગઇ હતી અને પૂરતી તપાસ કરતાં માલૂમ પડયુ હતું કે, હકીકતમાં તેમની સાથે છેતરપીંડી થઇ છે. જેથી આ ત્રણેય યુવકોને જેણે નોકરી માટે તૈયાર કર્યા હતા તે અશોકભાઇ ચાવડાએ વાડજ પોલીસ મથકમાં આરોપી શ્વેતાબહેન દેસાઇ, તેમના પતિ શશાંકભાઇ અને અરૂણ વ્યાસ નામના વ્યકિત વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

 

(10:00 pm IST)