Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ભાટિયા ટોલ નાકા પર મહિલા કર્મચારીને માર મારી હંગામો મચાવનાર ઈસમ વિરુદ્ધ ગુનો દાખલ

સુરત: ભાટીયા ટોલનાકા ઉપર ટોલ ભરવા બાબતે મહિલા કર્મચારી સાથે ઝઘડો કરી કાર ટોલનાકાની વચ્ચે જ ઉભી કર્યા બાદ પોતાના ૨૦ થી ૨૫ માણસોને બોલાવી કર્મચારીઓને લાકડાના ફટકા, લોખંડની પાઈપથી ફટકારીને ટોલનાકાની ઓફિસ, કંટ્રોલ રૂમમાં તોડફોડ કરાઈ હતી.

સચીન પોલીસે પલસાણાના મલેકપુર ગામના ૨૦ થી ૨૫ વ્યક્તિના ટોળા વિરુધ્ધ રાયોટીંગનો ગુનો નોંધી કારચાલક સહિત ૯ ની ધરપકડ કરી હતી.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભાટીયા ટોલનાકા કાઉન્ટર નં. ૧૩ ઉપર ગત બપોરે ૧૨ વાગ્યે રીમાબેન લાડ ફરજ ઉપર હતા ત્યારે પલસાણાથી સચીન તરફ સ્વીફટ કાર (નં.- જીજે- ૧૯- એએ- ૩૬૭) ના ચાલકે રીટર્ન પહોંચ બતાવી હતી.

જો કે, પહોંચની બે ટ્રીપની મુદ્દત પુરી થઈ ગઈ હોવાનું રીમાબેને કહેતા ચાલકે રકઝક કરી કાર ટોલનાકાની વચ્ચે જ ઉભી કરી ગાળાગાળી કરી હતી. અને મોબાઈલ કોલ કરી પોતાના ૨૦ થી ૨૫ માણસોનું ટોળું બોલાવી દીધું હતું.

જેથી ટોલનાકાના સીફટ ઈન્ચાર્જ રવિકુમાર મારવાડી અન્ય કર્મચારીઓ સાથે ટોળાને સમજાવવા ગયા તેમની સાથે પણ ગાળાગાળી કરી ધક્કો મારીને ટોળાએ લાકડાના ફટકા અને સળિયાથી રવિકુમાર સ્ટાફના મીત દેસાઈ સહિત માર મારી તોડફોડ શરૂ કરી દીધી હતી.

ટોળાંએ ઓફિસના મેઈન ગેટને મારેલું તાળું તોડી કંટ્રોલ રૂમમાં ઘુસીને ઓફિસમાં ભારે તોડફોડ કરી હતી. આ અંગે પોલીસને જાણ કરાતા સચીન પોલીસે ઘટના સ્થળે પહોંચતા ટોળું ભાગ્યું હતું.

જો કે, કાર ચાલક અભિષેક મોહનભાઈ ચૌધરી, સંજયભાઈ સુભાષભાઈ ચૌધરી, આશીક હસમુખભાઈ પટેલ, અમૃતભાઈ ધીરૂભાઈ ચૌધરી, ભાવેશ નગીનભાઈ ચૌધરી, ધર્મેશ ગુરજીભાઈ રાઠોડ, પ્રતિકભાઈ અરવિંદભાઈ રાઠોડ, સુરેશ સુભાષભાઈ ચૌધરી અને સુરેશ બાલુભાઈ રાઠોડ (તમામ રહે, મલેકપુર ગામ, તા. પલસાણા, જી. સુરત) ને ઝડપી લીધા હતા.

ટોલનાકાના સીફટ ઈન્ચાર્જ રવિકુમાર મારવાડીની ફરિયાદના આધારે પોલીસે ટોળાં વિરુધ્ધ રાયોટીંગનો ગુનો નોંધ્યો છે. તોડફોડ કરનાર તમામ નજીકની એક કંપનીમાં કામ કરતાં હોવાનું જાણવા મળ્યું છે. વધુ તપાસ પી.આઈ. એફ.બી.પઠાણ કરી રહ્યાં છે.

(3:55 pm IST)