Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

ઠાસરામાં પીવાના દુષિત પાણીની સમસ્યાથી લોકોને હાલાકી

ખેડા:જિલ્લાના તાલુકા મથક ઠાસરાના વોર્ડ નંબર-૨ માં થોડા સમયથી દૂષિત પાણી આવી રહ્યુ છે.જેના કારણે આ વિસ્તારના અસંખ્ય લોકોને ગંભીર રોગની ભીતી સેવાઇ રહી છે. આ સમસ્યાના નિકાલ અર્થે રહિશોએ નગર પાલિકામાં અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઇ જ નિકાલ ન આવતા સ્થાનિકો રોષે ભરાયા છે. વહેલીતકે આ સમસ્યાનું નિરાકરણ નહિ આવે અને જો કોઇ વ્યક્તિ પાણીજન્ય રોગનો ભોગ બનશે તો તે માટે તંત્ર જવાબદાર રહેશે તેવી ચીમકી રહિશો દ્વારા ઉચ્ચારાઇ છે. ઠાસરાના વોર્ડ નંબર -૨ માં આવેલ જામજી ફળીયામાં છેલ્લા દસ દિવસથી પીવાનું પાણી કાળુ અને ડહોળુ આવી રહ્યુ છે.જેમાંથી અતિશય દુર્ગંધ પણ આવે છે. આ વિસ્તારમાં લગભગ ૭૦ મકાનો છે. જેની વસ્તી ૫૦૦ થી વધુ છે.સમગ્ર વિસ્તારમાં દૂષિત પાણી આવવાને કારણે લોકોને પીવાના પાણી માટે વલખા મારવા પડે છે. અહિ રહેતા દરેક લોકોને પાણીના જગ પરવળે તેમ ન હોવાથી ના છુટકે લોકોને આવુ દૂષિત પાણી પીવુ પડે છે.જેથી સ્થાનિકોમાં ઝાડા-ઉલટી,કમળો,કોલેરા તેમજ ટાયફોઇડ જેવા રોગોનો ભોગ બનવાની બીક વધી રહી છે. ઉલ્લેખનીય છે કે ૨ વર્ષ પહેલા પણ ઠાસરામાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી જતા રોગચાળો ફાટી નીકળ્યો હતો જેથી મોટી સંખ્યામાં લોકો ગંભીર બિમારીનો ભોગ બન્યા હતા.આ સમસ્યાના નિકાલ અર્થે વોર્ડના સભ્ય સમીરભાઇ તેમજ ફારૂકભાઇ એ નગરપાલિકા ઉપપ્રમુખ ભાવીનભાઇ પટેલ,ચીફ ઓફિસર તેમજ કાઉન્સીલરને મૌખિક રજૂઆતો કરી હતી.આ વાતને દસ દિવસ થયા પરંતુ તંત્ર દ્વારા કોઇ દ પગલા ન લોવાતા સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપ્યો છે. અને નગરપાલિકા આ વખતે પણ રોગચાળો ફેલાય તેની રાહ જોઇ બેસી રહી છે તેવી વાતો નગરજનોમાં ચર્ચાઇ રહી છે. આ પ્રશ્નના નિરાકરણ માટે ત્વરીતે પગલા લેવા લોક માંગ પ્રબળ બની છે. આ અંગે નગરપાલિકાના ચીફ ઓફીસર આકાશ પટેલનો ટેલિફોનિક સંપર્ક સાધતા તેમણે જણાવ્યુ હતુ કે દુષિત પાણીની કોઈ સમસ્યા નથી.પરંતુ પાણી ઓછા દબાણથી આવે છે. જે માટે નગરપાલિકા દ્વારા કામગીરી શરુ કરવામાં આવી છે.અને આ કામ બે દિવસમાં પુરુ થઈ જશે.

 

 

(3:55 pm IST)