Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

દ્વારકેશલાલ કથાનો ભકિતમય વાતાવરણમાં શુભારંભ કરાયો

પુષ્ટિ માર્ગના પાંચ તત્વો પર આધારિત કથા : પુષ્ટિ પંચ તત્વ મહોત્સવ માટેના ભાગરૂપે કથાનું આયોજન કરાયું : શ્રીનાથજી સાક્ષાત શ્રીકૃષ્ણ અને એ આકાશ તત્વ

અમદાવાદ,તા.૩ : વૈષ્ણવ ઇનરફેઇથ પુષ્ટિમાર્ગીય ઓર્ગેનાઇઝેશન દ્વારા સરખેજ-ગાંધીનગર હાઇવે પર દિવ્ય ભાસ્કર પ્રેસની સામે અંદાજ પાર્ટી પ્લોટ ખાતે પુષ્ટિ પંચ તત્વ મહોત્સવનું આયોજન કરાયું છે અને તેના ભાગરૂપે આજથી ભકતિમય વાતાવરણમાં પ.પૂ.ગોસ્વામી ૧૦૮ શ્રી દ્વારકેશલાલજી મહારાજની પુષ્ટિ માર્ગના પાંચ તત્વો પર આધારિત કથાનો પ્રારંભ થયો હતો. પુષ્ટિ પંચ તત્વ મહોત્સવના ભાગરૂપે આજથી તા.૭મી જાન્યુઆરી સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પ્રથમ દિવસે સારી એવી સંખ્યામાં શ્રધ્ધાળુ ભકતો કથા શ્રવણ કરવા માટે ઉમટયા હતા. પુષ્ટિમાર્ગમાં ભકિત કરવા માટે બ્રહ્માંડના પાંચ તત્વોની જેમ પુષ્ટિ માર્ગના શ્રીમહાપ્રભુજીએ બતાવેલા પાંચ તત્વો વિશે જાણકારી મેળવવી પણ આવશ્યક હોઇ શ્રી દ્વારકેશલાલજીએ આ તત્વોની સુંદર અને તલસ્પર્શી જાણકારી શ્રોતાજન ભકતોને આપી હતી. કથાના પ્રથમ દિવસે આજે શ્રી દ્વારકેશલાલજી મહારાજ દ્વારા પ્રથમ તત્વ શ્રીનાથજી - આકાશ તત્વનો મર્મ સમજાવાયો હતો કે, પ્રભુ કળિયુગમાં આજથી ૫૦૦થી વધુ વર્ષો પહેલાં વ્રજમંડળમાં આવેલા શ્રીગિરીરાજજી ગોવર્ધન પર્વતમાંથી શ્રીનાથજી સ્વરૂપે પ્રગટ થયા હતા.  શ્રીનાથજી એ સાક્ષાત્ શ્રી કૃષ્ણ છે અને એ જ આકાશ તત્વ છે. કથા શ્રવણ કરી ભકતજનો ભાવવિભોર બન્યા હતા. હવે બાકીના દિવસોમાં દ્વિતિય તત્વ શ્રી મહાપ્રભુજી અને શ્રી વલ્લભજી કુળના વંશજો-અગ્નિતત્વ,તૃતિય તત્વ શ્રી ગિરિરાજજી - વાયુ તત્વ, ચતુર્થ તત્વ શ્રી યમુનાજી - જળ તત્વ અને પંચમ તત્વ - વ્રજભૂમિ -પૃથ્વી તત્વની સમજ અને જાણકારી આપવામાં આવશે.

(7:33 pm IST)