Gujarati News

Gujarati News

News of Wednesday, 3rd January 2018

વાહનોમાં જુની નંબર પ્લેટ બદલાવવામાં લોકો ધંધે લાગ્યા

RTOનો ધક્કો ખાવો જ પડશે?: કેટલાક ડીલર સાફ ઇન્કાર કરી રહ્યા છેઃ ડેડલાઇન આપી પણ ડીલરોને ટ્રેનિંગ આપવાની બાકી

અમદાવાદ તા. ૩ : ગુજરાતમાં તમામ વાહનોમાં ૧૫મી જાન્યુઆરી સુધીમાં HSRP (હાઈ સિકયોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) લગાવવાનો આદેશ અપાયો છે, અને જે વાહનચાલક HSRP નહીં નખાવે તેને તે જયારે પણ પકડાશે ત્યારે ૫૦૦ રૂપિયા દંડ ભરવો પડશે. જોકે, આ ડેડલાઈનને હવે માંડ ૧૩ દિવસ રહ્યા છે, ત્યારે અમદાવાદીઓની હાલત કફોડી થઈ ગઈ છે. એક તરફ, ટ્રાન્સપોર્ટ વિભાગ તત્ર દ્વરા જાહેરખબર અપાઈ રહી છે કે,નજીકના ડીલરને ત્યાં નંબર પ્લેટ નખાવી શકશે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી કંઈક અલગ જ છે.

ટ્રાન્સપોર્ટ વિભાગ દ્વારા http://www.hsrpgujarat.com પર જયાં HSRP નખાવી શકાય છે તેવા ડીલર્સની યાદી આપવામાં આવી છે. આ વેબસાઈટના જણાવ્યા અનુસાર, અમદાવાદ જિલ્લામાં ૩૮ ડીલર્સને ત્યાં HSRP નાખી આપવામાં આવે છે. જોકે કેટલાક ડીલર્સનો ફોન પર સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમાંના ઘણાએ પોતાને ત્યાં આવી કોઈ સુવિધા હોવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો.

એસ જી હાઈવે પર આવેલી લેન્ડ માર્ક હોન્ડામાં HSRP નંબર પ્લેટનું કામ સંભાળતા હરુન મિર્ઝા જણાવે છે કે ડિપાર્ટમેન્ટ તરફથી સીધી છાપામાં જ જાહેરાત આપી દેવામાં આવી હતી. હજુ સુધી ડીલરોને આ બાબતને લગતો કોઈ સત્તાવાર પત્ર મોકલવામાં આવ્યો નથી. HSRP વિભાગમાં તેમની વાત થઈ ત્યારે તેમને જાણ કરવામાં આવી હતી કે ડિપાર્ટમેન્ટમાંથી ટીમ ડીલરને નંબર પ્લેટની રીસીટ કેવી રીતે બનાવવી, રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું વગેરેની ટ્રેનિંગ આપવા ત્રણથી ચાર દિવસની અંદર આવશે. આ પછી જ તેઓ જૂની નંબર પ્લેટની જગ્યાએ નવી નંબર પ્લેટ નાંખવાનું કામ હાથમાં લઈ શકશે. મિર્ઝાએ જણાવ્યું, 'અત્યારે અમારી પાસે નવી નંબર પ્લેટ નાંખવા માટે રોજ ૧૦૦ જેટલા કોલ્સ આવે છે પરંતુ અમે તેમને અઠવાડિયા પછી સંપર્ક કરવાનું જણાવી રહ્યા છે.'

જે ડીલરને ત્યાં જૂની નંબરપ્લેટ બદલી આપવાનું કામ શરૂ થઈ ગયુ છે ત્યાં ગ્રાહકોની લાંબી લાઈનો લાગી રહી છે અને ત્રણથી ચાર દિવસનો વેઈટિંગ પિરિયડ છે. ગુરુકુલમાં આવેલા પંજાબ હોન્ડા ડીલરમાં HSRP નંબર પ્લેટનું કામકાજ સંભાળતા એક કર્મચારીએ જણાવ્યું, 'અગાઉ ભાગ્યે જ કોઈ ગ્રાહકો જૂની નંબરપ્લેટ બદલાવવા આવતા હતા. પરંતુ ડેડલાઈન જાહેર થયા બાદ પબ્લિક સફાળી જાગી છે. અમે રોજની ૧૦૦ થી ૧૨૦ નવી પ્લેટો નાંખી રહ્યા છે. લોડ વધારે હોવાથી ગ્રાહકોને ત્રણથી ચાર દિવસ રાહ જોવી પડે છે. અત્યારે તહેવારની સીઝનમાં ૨૫૦૦-૩૦૦૦ વાહનો વેચાયા હતા તેની નવી નંબરપ્લેટ નાંખવાનો પણ લોડ છે. આથી જૂની નંબર પ્લેટ નંખાવનારા ગ્રાહકોને વધુ રાહ જોવી પડી રહી છે.'

ઉલ્લેખનીય છે કે ડીલરને નંબર પ્લેટ બનાવવાની સામગ્રી અને મશીન HSRP ડિપાર્ટમેન્ટ દ્વારા જ આપવામાં આવે છે. ડીલરને ત્યાં ૧-૨ વ્યકિત નંબર પ્લેટ બનાવવાનું કામ કરતા હોય છે અને એક દિવસમાં મહત્તમ ૨૦૦-૩૦૦ નંબર પ્લેટ બની શકે છે. આની સામે નંબર પ્લેટ બદલાવવા આવનારા ગ્રાહકોની સંખ્યા ઘણી વધારે હોવાથી અનેક ગ્રાહકો ડેડલાઈન ચૂકી જાય તેવી શકયતા છે.

જે લોકો પાસે આરસી બુકનું સ્માર્ટકાર્ડ નથી તેમને જુના વાહનનું બેકલોગ કરાવવા માટે ફરજિયાત આરટીઓ જવું પડે છે. બેકલોગ એન્ટ્રી માટે વાહનની વીમા પોલિસી હોવી પણ ફરજિયાત છે, કારણકે તેના વગર એન્ટ્રી નથી થઈ શકતી. તેવામાં હવે જેમના વાહન ખૂબ જૂના છે, તેમને વીમા પોલિસી માટે પણ દોડધામ કરવી પડી રહી છે.

અમદાવાદ જિલ્લાની જ વાત કરીએ તો, ૨૭ લાખ જેટલા વાહનોમાં હજુય જુની નંબર પ્લેટ જ લાગેલી છે. જો અમદાવાદ સ્થિત આરટીઓ ૨૪ કલાક પણ કામ કરે તો ૬૦૦૦થી વધુ વાહનોમાં નંબર પ્લેટ ન નાખી શકે. આ રીતે જોઈએ તો, ૧૪ દિવસમાં વધુમાં વધુ ૮૪,૦૦૦ વાહનોમાં જ HSRP નાખી શકાય. આ સ્થિતિમાં જુના વાહન ધરાવતા લોકો કફોડી સ્થિતિમાં મૂકાયા છે.(૨૧.૬)

(9:57 am IST)