Gujarati News

Gujarati News

News of Saturday, 3rd December 2022

અમદાવાદના વસ્ત્રાપુરમાં પ્રેમિકા સાથે ઝડપાયેલ પતિએ પત્નીને જાહેરમાં માર મારતા નરાધમ પતિ વિરુદ્ધ ગુનો દાખલ

અમદાવાદ: વસ્ત્રાપુરમાં પતિ,પત્ની ઔર વોની જાહેરમાં થયેલી તકરાર જોઈને સ્થાનિકો પણ વિચારમાં પડી ગયા હતા. પ્રેમિકા સાથે કારમાં બેઠેલા પતિને જોઈને ભડકેલી પત્નીએ જવાબ માંગતા જાહેર રોડ મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. પતિએ પ્રેમિકા સાથે મળીને પત્નીને મારમારતા વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગુરૃવારે મોડી રાત્રે મહિલાએ પતિ અને તેની પ્રેમિકા વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે. મોટેરા વિસ્તારમાં રહેતી ૩૭ વર્ષિય મહિલાએ તેના પતિ અને પતિની પ્રેમિકા વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે. જે મુજબ પતિને મહિલાએ ગુરૃવારે ફોન કરી પૈસાની જરૃરીયાત હોવાથી રોક્ડ લઈ આવવા માટે જણાવ્યું હતું. પતિએ તારે પૈસાની શું જરૃર છે, પૈસા નથી તેમ જણાવ્યું હતું. આ દરમિયાનમાં પતિ સાથે અન્ય સ્ત્રીનો અવાજ આવતા મહિલાને શક પડયો હતો. મહિલાએ પતિ સાથે રહેતી તેની પ્રેમિકાને ફોન કરી સવાલ કર્યો કે, મારા પતિ તારી સાથે છે. પ્રેમિકાએ જવાબ આપ્યો કે, તારો પતિ મારી સાથે વસ્ત્રાપુરવાળા ફલેટમાં છે. મહિલા તત્કાળ વસ્ત્રાપુરના ફલેટ પર પહોંચી તો કારમાં પતિ પ્રેમિકા સાથે બેઠો હતો. મહિલાએ પતિને પ્રેમિકા સાથે કેમ બેઠા છો તેવો સવાલ કર્યો હતો. પતિએ ઉશ્કેરાઈ પત્નીને અપશબ્દો બોલી જાહેરમાં ચારથી પાંચ લાફા મારી દીધા હતા. પતિની પ્રેમિકાએ પણ મહિલાને લાફો મારી બોલી મારુ નામ કેમ લે છે. બનાવને પગલે મહિલા પોલીસ ફરિયાદ કરવા રીક્ષામાં બેઠી તો પતિ ચાલુ રીક્ષાએ અંદર બેસી ગયો હતો. રીક્ષામાં પણ પત્ની સાથે પતિએ ઝપાઝપી કરી ધમકીઓ આપી હતી. બનાવ અંગે મહિલાએ પતિ અને તેની પ્રેમિકા વિરૃદ્ધ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:31 pm IST)