Gujarati News

Gujarati News

News of Saturday, 3rd June 2023

હવે લોકોને ગમે છે લકઝરી હોમ

૨૦૨૨થી અત્‍યાર સુધીમાં ૧ કરોડથી વધુની કિંમતના ૮૦૦૦ હોમ બન્‍યા

અમદાવાદ તા. ૩ : ગુજરાતના લોકોમાં લકઝરી અને લેવીશ જીવનશૈલીમાં રસ વધતો જાય છે. ૨૦૨૨માં લકઝરી કારની જ ડીમાન્‍ડ હતી એવું નથી, વૈભવી ઘરો પણ ઘણા બધા વેચાયા હતા. ગુજરાત રીયલ એસ્‍ટેટ રેગ્‍યુલેટરી ઓથોરીટી (ગુજરેરા) અનુસાર, ૧ કરોડ રૂપિયા અને તેનાથી વધારે કિંમતના રહેણાંક મકાનોના વેચાણ ૨૦૨૧ના ૪૭૩૫ થી ૭૩ ટકા વધીને ૨૦૨૨માં ૮૨૧૩ થઇ ગયું છે જે દર્શાવે છે કે લોકોમાં લકઝરીનો ક્રેઝ વધી રહ્યો છે. ગુજરેરા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં મોંઘા ફલેટ અને ઘરોનું આ સૌથી વધારે વેચાણ છે. ઉદ્યોગના નિષ્‍ણાંતોનું કહેવું છે કે કોરોના પછી મોટા મકાનો અને ફલેટોની માંગ વધી છે. ડેવલપર્સ પણ રીયલ એસ્‍ટેટમાં માંગ વધી હોવાનું માને છે. ક્રેડાઇ નેશનલના પ્રમુખ શેખર પટેલે કહ્યું ‘મોંઘવારીના કારણે બાંધકામનો કાચો માલ મોંઘો થયો છે અને જમીનના ભાવો પણ વધી ગયા હોવાથી રહેણાંક મકાનોના ભાવોમાં ૨૦ ટકા જેટલો વધારો થઇ ગયો છે. આના લીધે સામાન્‍ય મકાનોની કિંમત પણ ૧ કરોડ ઉપર જતી રહી છે. આ દરમિયાન લોકોની ખરીદ શકિત પણ સામે વધી ગઇ હોવાથી મોટા અને સારા ઘરોની માંગ વધી છે. વ્‍યાજદરમાં વધારાની લકઝરી સેગ્‍મેન્‍ટમાં બહુ અસર નથી જોવા મળી.'

(12:43 pm IST)