Gujarati News

Gujarati News

News of Friday, 3rd February 2023

ગુરુ વંદના મહોત્સવ કથા દરમિયાન મહિલા શક્તિનું જીવંત ઉદાહરણ બન્યા પ્રતિમાબેન જાની

માણસે સામાન્ય પરિસ્થિતિમાં પણ સતર્ક રહેવા પ્રતિમાબેનની સૌને શીખ

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : આ વાત છે જામનગર જિલ્લાના જામ જોધપુર ગામની. અહીં તા.૨૯ જાન્યુઆરી થી ૪ ફેબ્રુઆરી સુધી ગુરુ વંદના મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જ્યાં કથા સાંભળવા મોટી સંખ્યામાં દૂર દૂરથી હરિભક્તો ઉપસ્થિત રહે છે. તા.૦૧-૦૨-૨૦૨૩ ના રોજ જ્યારે સમગ્ર માહોલ કથામય હતો અને સભાખંડથી થોડી જ દૂરી ઉપર પ્રસાદી લેવા માટેનું કાઉન્ટરો લાગ્યા હતા, ત્યાં અચાનક મુખ્ય દરવાજા પરથી ચેન ચોરાયાની બુમ પડી. બુમ સાંભળતાં જ દરવાજા પાસે સ્વયંસેવક તરીકે પોતાની સેવા આપતાં પ્રતિમાબેન જાનીની નજર ચેન ચોરનાર બેન પર જતા જ તેને પકડી પાડતા તેણે ભાગી છુટવા માટે ઝપાઝપી કરી હતી.

પછી એ બેનને અલગ રૂમમાં લઇ ગયા, ને વધુ પૂછપરછ કરતાં તેની પાસેથી ચાર સીમકાર્ડ મળી આવ્યા અને વધુ પૂછપરછ કરતાં તેણે જણાવ્યુ હતુ કે તેની સાથે અન્ય બહેનો પણ હતી અને તેઓની યોજના આયોજનબદ્ધ હતી.
આ સમગ્ર બનાવ  પછી પોલીસ ને બોલાવી તેને સોંપી દેવામાં આવ્યા.
તે પછી પોલીસે તપાસ કરતા વધુ વિગત જાણવા મળી અને તેમણે આખો ઘટનાક્રમ બતાવ્યો ને જાણવા મળ્યું કે, તે  ૧૫ લોકોની ટોળકી છે જે રાજસ્થાનથી ગુજરાતમાં ચોરીના ઈરાદાથી આવેલ છે.જામજોધપુર પોલીસે જામનગર એલસીબીને જાણ કરી હતી અને તેઓને કુલ ૧૭ લાખ ૫૫ હજાર ૫૦૦ રૂપિયાના મુદ્દા માલ સાથે પૂરી ટોળકીને ઝડપી પાડેલ છે.જામજોધપુર પોલીસની ટીમનું કાર્ય ખરેખર બિરદાવવા લાયક છે તેમણે પોતાની ટીમ સાથે તરત જ એક્શન લઈને આવા અન્ય કિસ્સા થતા અટકાવ્યા હતા.
પ્રતિમાબેન જાની પોતે ૫૦ વર્ષના હોવા છતાં પણ પોતાની સમયસૂચકતા અને હિંમતને કારણે પ્રજાહિતનું અને સમાજસેવાનું કાર્ય પાર પાડ્યું હતું.
પ્રતિમાબેન જાનીના જણાવ્યા મુજબ,"કોઈપણ સેવાકાર્ય કરીએ તો ભગવાન આપણને સાથ આપે જ છે. આપણે ડર્યા વગર મુશ્કેલીનો સામનો કરવો જોઈએ.હિંમત અને સદકાર્યો કરવા માટે ઉંમરને કોઈ લેવાદેવા નથી." ખરેખર, પ્રતિમાબેન જાની પાસેથી સમાજે ઘણું શીખવા જેવું છે, જેથી સમાજને નુકશાન પહોંચાડનાર તત્વો પણ આવા કૃત્યો કરતાં અનેક વાર વિચારે.

(8:05 pm IST)